રાજકોટની મુરઘા અને પેંડા ગેંગ સામ સામે જાહેરમાં ફાયરિંગ કરી લોકોમાં ભય ફેલાવ્યા બાદ બંને ગેંગ સામે હત્યાનો પ્રયાસ બાદ ગુજસીટોક એકટ હેઠળ પણ ગુનો નોંધાયો હતો. જેમાં મુરઘા ગેંગનો મુખ્ય સૂત્રધાર સંજય ઉર્ફે સંજલો ત્રણ માસથી પોલીસને હાથતાળી આપી રહ્યો હતો ત્યારે અંતે એસઓજીની ટીમે સંજય ઉર્ફે સંજલાને મહિલાના વેશમાં દબોચી લઈ આકરી સરભરા કરી હતી. જે બાદ રિમાન્ડ દરમિયાન રિવોલ્વર, ૧૪ કાર્તિઝ અને ફોર્ચ્યુનર કાર કબ્જે કરી હતી.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ ચાર માસ પૂર્વે રાજકોટના મંગળા રોડ પર પેંડા ગેંગ અને મુરઘા ગેંગના સભ્યો દ્વારા સામસામે ફાયરિંગ કરવામાં આવ્યા હતા. જે ઘટના બાદ એ.ડિવિઝન પોલીસ મથકમાં હત્યાનો પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધાયા બાદ તપાસ એસઓજીને સોંપવામાં આવી હતી. જે ઘટનાની ગંભીરતા જોઈ ડિસીપી ક્રાઇમ જગદીશ બાંગરવાના માર્ગદર્શન હેઠળ આદરી એસીપી ક્રાઈમ ભરત બસીયાએ પેંડા ગેંગના ૧૭ શખ્સો અને મુરઘા ગેંગના ૨૧ શખ્સો સમયે ગુજસીટોક એક્ટ હેઠળ અલગથી ગુનો નોંધી મોટી કાર્યવાહી કરી હતી.
જેમાં પેંડા ગેંગના તમામ શખ્સોની ધરપકડ કર્યા બાદ મુરઘા ગેંગના પણ તમામ આરોપીની ધરપકડ કરી હતી. જો કે, તેમાં મુરઘા ગેંગનો મુખ્ય સૂત્રધાર સંજય ઉર્ફે સંજલો છેલ્લા ત્રણ માસથી ફરાર હતો, જે પોલીસને હાથતાળી આપી રહ્યો હતો. દરમિયાન એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઈ વિ.વિ.ધ્રાંગુ ટીમ તપાસમાં હતી ત્યારે સંજલો રાજકોટ તરફ આવી રહ્યો હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે ટીમે માલિયાસણ પાસેથી મહિલાના વેશમાં ડ્રેસ પહેરી રાજકોટ આવી રહેલ સંજય ઉર્ફે સંજલો અને તેની સાથેના દિલાવર મહમદ ખલીફા (ઉ.વ.૪૦,રહે. હાલ કડી, મૂળ અમરેલી) ને પણ દબોચી સાત મોબાઈલ, છરી, એક નંબર પ્લેટ સહિતનો મુદામાલ કબ્જે કરી કાર્યવાહી કરી હતી.
જે બાદ ત્રણ દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીએ ફાયરિંગ કર્યા બાદ ઉપયોગમાં લીધેલ ફોર્ચ્યુનર કાર અને એક રિવોલ્વર તેમજ ૧૪ જીવતા કાર્ટિસ પણ એસઓજની ટીમે કબ્જે કરી આરોપીને જેલ હવાલે કર્યો હતો.