રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોનું વિશાળ કાર્યક્ષેત્ર ધરાવતા રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં મહા શિવરાત્રિ બાદ નવા ઘઉંની આવક પૂરજોશમાં શરૂ થઇ છે, દરમિયાન આજે ૧૦ હજાર નવા ઘઉંની આવક સામે પ્રતિ ૨૦ કિલોના ગુણવત્તા અનુસાર રૂ.૪૫૦થી ૫૨૫ના ભાવે સોદા થયા હતા. આજે યાર્ડમાં ખેડૂતોના કુલ ૧૧૫૦ વાહનોને એન્ટ્રી અપાઇ હતી.
વિશેષમાં રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરાએ જણાવ્યું હતું કે, ૧૦ હજાર મણ નવા ઘઉં, ૮૦૦૦ મણ કપાસ, ૧૧ હજાર મણ મગફળી, ૧૪૦૦ મણ સોયાબીન, ૮૫૦૦ મણ તુવેર, ૬૦૦ મણ અળદ, ૭૫૦૦ મણ ચણા, ૩૦૦ મણ મગ, ૨૨૦૦ મણ લસણ, ૨૦૦૦ મણ સિંગફાડા, ૧૩૦૦ મણ સફેદ તલ, ૪૦૦૦ મણ જીરું, ૩૦૦ મણ કાળા તલ સહિતની જણસીઓની આવક નોંધાઇ હતી.
ખેડૂતોના જણસીઓ ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી.