આમ તો છેલ્લા ઘણાં વર્ષોથી ચૂંટણીના ઉમેદવારની પસંદગી હોય કે સંગઠનમાં નિમણૂંકો હોય ભાજપ મહદઅંશેનો રીપીટ થીયરી અપનાવી રહ્યું છે. ત્યારે ભાજપ શાસીત જામનગર મહાનગરપાલીકાના વર્ષ ૨૦૨૬-૨૭ના ડ્રાફટ બજેટમાં દર વખતની જેમ ઘણા વિકાસકામો રીપીટ કરી શહેરીજનોને વધુ એક વખત ઉંઘા ચશ્મા પહેરવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે. કરોડોના ખર્ચે આયોજન અને પ્રગતિના ઓઠા હેઠળ એકને એક કામોનું બજેટમાં પુનરાવર્તન કરી શહેરીજનોને ઉલ્લું બનાવાની પરંપરા યથાવત રાખવામાં આવી હોવાનું ડ્રાફટ બજેટમાં દર્શાવેલા કામના આયોજન પરથી સ્પષ્ટ પુરવાર થાય છે. આટલું જ નહીં આગલા બજેટમાં દર્શાવેલા અધૂરા કામોની સ્થિતિ શું છે તે છૂપાવી નવા આયોજનના મુંગેરીલાલ જેવા સપનો બતાવી ગેરમાર્ગે દોરવાનો કારસો કરવામાં પણ પાછી પાની કરવામાં આવી નથી.
જામનગર મહાનગરપાલીકાનું વર્ષ ૨૦૨૫-૨૬નું રીવાઇઝડ અને વર્ષ ૨૦૨૬-૨૭નું ડ્રાફટ અંદાજપત્ર કમિશ્ર્નરે સ્ટેન્ડીંગ કમીટીમાં ત્રણ દીવસ પહેલા રજૂ કર્યું છે. પરંતુ આ બજેટ આંકડાની માયાજાળ અને વિકાસકાર્યોના દીવા સ્વપ્નો સમાન હોવાનું તજજ્ઞોએ જણાવ્યું છે. નવાઇની વાત તો એ છે કે, અગાઉના બજેટમાં દર્શાવેલા ઘણાં વિકાસકાર્યો પુન: રીપીટ કરાયા છે. જો કે, આ વિકાસકાર્યોની એક ઇંટ મૂકાઇ છે કે કેમ તેનો ઉલ્લેખ સુઘ્ધા કરવામાં આવ્યો નથી. રીપીટ વીકાસ કાર્યોની વણઝાર જોઇએ તો વિજયનગર જકાતનાકાથી બાયપાસ રોડ ઉપર હીન્દુસ્તાન એનીમલ ફીડ પાસે એલસી નં.૨૦૨ પર ફોરલેન રેલવે અન્ડર બ્રીજ રૂ.૧૯.૬૦ કરોડના ખર્ચે બનાવવાનું આયોજનનો સમાવેશ થાય છે.
તદઉપરાંત ગત વર્ષના બજેટમાં દર્શાવેલા પબ્લીક સ્ટ્રીટ લાઇટ હેઠળના કામોમાં સમર્પણ સર્કલથી બેડી રીંગ રોડ ખાતે રૂ.૮૦ લાખના ખર્ચે સેન્ટ્રલ લાઇટ વર્ક, ગુલાબનગર ઓવરબ્રીજથી ધુંવાવ સુધી રૂ.૫૦ લાખના ખર્ચે સેન્ટ્રલ લાઇટ વર્ક, ખંભાળીયા બાયપાસથી એરપોર્ટ ગેઇટ સુધી રૂ.૫૦ લાખના ખર્ચે સેન્ટ્રલ-ક્ધવેન્સનલ લાઇટ વર્કના કામ કોપી પેસ્ટ એટલે કે રીપીટ કરાયા છે. આ કામ કયારે શરૂ પૂર્ણ થશે તે દર્શાવાને બદલે ૪૯ દિગ્વીજય પ્લોટથી જ્ઞાન શકિત સર્કલ સુધી સેન્ટ્રલ લાઇટીંગ વર્ક રૂ.૩૦ લાખ, આર્શીવાદ દીપ બ્રીજથી રાજકોટ રોડ સુધી સેન્ટ્રલ લાઇટીંગ વર્ક રૂ.૩૦ લાખ તથા રાજકોટ રોડથી ઘોરીવાવ સુધી સેન્ટ્રલ લાઇટીંગ વર્ક રૂ,૪૦ લાખના ખર્ચે કરવાના દીવા સ્વપ્નો બતાવામાં આવ્યા છે. આટલું ઓછું હોય તેમ ૭૮ અને ૭૯ વિધાનસભા વિસ્તારમાં રૂ.૧૫-૧૫ કરોડના ખર્ચે ઇ-લાયબ્રેરી બનાવાનું આયોજન અને વીલીંગ્ટન ક્રેસન્ટ(દરબારગઢ), એક ડાંડીયો મહેલ, બર્ધન ચોક તથા માંડવી ટાવર જેવા ઐતીહાસીક સ્મારકોના રેસ્ટોરેશન ક્ધઝર્વેશન રૂ.૨૦ કરોડના ખર્ચે કરવાનું આયોજનનું પણ પુનરાવર્તન કરવામાં આવ્યું છે. ખાસ કરીને આ બજેટમાં પણ શહેરના જુદા-જુદા ઝોનમાં દાદા-દાદી ગાર્ડન બનાવવાનું સ્વપ્ન વધુ એક વખત શેહેરીજનોને બતાવાયું છે. ખાસ કરીને ત્રીજું નવું સ્મશાન અને સ્પોર્ટસ કોમ્પલેકસના કામનો પણ પુન: કરી લીંબડ જશ ખાટવામાં આવ્યો છે.
આ તો થઇ બજેટમાં વિકાસકાર્યોનું પુનરાવર્તન કરી શહેરીજનોને મૂરખ બનાવવાની વાત. બીજી બાજુ દર વખતની જેમ મનપાના આ વર્ષના ડ્રાફટ બજેટમાં પણ ઘણા કામો આયોજન અને પ્રગતિમાં છે તેમ દર્શાવી શહેરીજનોના ઉલ્ટા ચશ્મા પહેરાવામાં આવ્યા છે. આ કાર્યોમાં સાયન્સ નોલેજ પાર્ક રૂ.૧૨.૫૦ કરોડ, રણમલ લેઇટ ફેઇઝ-૨ રૂ.૩૬.૪૩ કરોડ, મલ્ટી પરપઝ ઓડીટોરીયમ રૂ.૩૬.૫૭ કરોડ, ક્રીકેટ ગ્રાઉન્ડ બનાવવાનું અને બાકી રહેતા અન્ય કામો પ્રગતિ હેઠળ હોય જે આયોજન અનુસાર પૂર્ણ કરવામાં આવશે તેમ દર્શાવાયું છે. પરંતુ કેટલા ટકા કામગીરી પૂર્ણ થઇ છે અને સમગ્ર કામ પૂર્ણ કયારે થશે તે ન દર્શાવી છટકબારી રાખી શહેરીજનોને વધુ એક વખત ઉંઘી ટોપી પહેરવામાં આવી છે. ગત વર્ષના બજેટમાં શહેરમાં પાંચ સ્થળે ગૌરવ પથ બનાવાની જાહેરાત કરાઇ હતી. જયારે આ વર્ષના ડ્રાફટ બજેટમાં તે પાંચ સ્થળના નામ જાહેર કરી શરૂ સેકશન રોડ ગૌરવપથનું કામ રૂ.૧૭ કરોડના ખર્ચે પૂર્ણ કરાયું છે. જયારે બાકી રહેતા ચાર ગૌરવપથ સાત રસ્તા સર્કલથી સુમેર કલબ રોડ, સુમેર કલબ રોડથી પવનચકકી સર્કલ, પવનચકકી સર્કલથી લાલપુર બાયપાસ, ડીકેવી સર્કલથી પાયલોટ બંગલા સર્કલ સુધી અંદાજે રૂ.૧૦૦ કરોડના ખર્ચે બનાવવાનું કામ પ્રગતિ હેઠળ હોવાનું દર્શાવામાં આવતા અનેક સવાલ ઉઠ્યા છે.
ગત વર્ષે દર્શાવેલા આ કાર્યોનું શું થયું તે ચાલુ વર્ષના ડ્રાફટ અંદાજપત્રમાં ગાયબ, મનપાના અધિકારીઓ અને ભગવાન જાણે?
--સેનટરી લેન્ડ ફીલ સાઇટ રૂ.૪.૪૨ કરોડના ખર્ચે વીકસાવવાનું આયોજન હાથ ઉપર છે.
--કમ્પોસ્ટ પ્લાન્ટ(વેટ વેસ્ટ)રૂ.૮.૦૫ કરોડના ખર્ચે ડીપીઆર તૈયાર છે.ટેન્ડર કાર્યવાહી બાદ કામગીરી હાથ ધરાશે.
--એમ.આર.એફ કમ આર.ડી.એફ પ્લાન્ટ(ડ્રાઇ વેસ્ટ)રૂ.૧૩.૧૭ કરોડના ખર્ચે ડીપીઆર તૈયાર થયેલ છે. જેની ટેન્ડર કાર્યવાહી બાદ કામગીરી હાથ ધરાશે.
--સી એન્ડ ડી વેસ્ટ રૂ.૮.૫૦ કરોડના ખર્ચે ટેન્ડર કાર્યવાહી હાથ ઉપર હોય,ટેન્ડર એપ્રુવ થયે ટૂંક સમયમાં કામગીરી શરૂ કરવામાં આવશે.
--ડેડ એનીમલના સાયન્ટીફીક નિકાલ(ઇન્સીનરેશન)પ્લાન્ટનું કામ અંદાજે રૂ.૪ કરોડનું ટેન્ડર હાલ ઓનલાઇન હોય, ટૂંક સમયમાં શરૂ કરાશે.
--એનીમલ બર્થ ક્ધટ્રોલ રૂલ્સ અંતર્ગત ઇન્ફ્રાસ્ટ્રકચર ફેસેલીટી, સ્ટરીલાઇઝેશન અને વેકસીનેશન માટે અંદાજે રૂ .૬.૩૬ કરોડની દરખાસ્ત મંજૂર થયેલી કામગીરી ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે.
હવાઇકીલ્લા, બેડી મરીન પોલીસ ચોકીથી પોર્ટ સુધીનો માર્ગ નેકલેસ રોડ અને પીપીપી ધોરણે મીની એમ્યુઝમેન્ટ પાર્ક
જામનગર મહાનગરપાલીકાના વર્ષ ૨૦૨૫-૨૬ના ડ્રાફટ અંદાજપત્રમાં બેડી મરીન પોલીસ ચોકીથી વાલસૂરા નેવી થઇ રોઝી બેડી પોર્ટ સુધીના દરિયાઇ વિસ્તારમાં જતા રોડને નેકલેસ રોડ તરીકે ડેવલપ કરવાનું કામ, પીપીપી ધોરણે મીની એમ્યુઝમેન્ટ પાર્ક ડેવલેપ કરવા સહીતના અન્ય કામ કે જે આગલા બજેટમાં પણ દર્શાવાયા હતા તે રાજય સરકારમાંથી ગ્રાન્ટ મળ્યા બાદ પ્રાપ્ત થતા ક્રમશ: શરૂ કરવાનું દર્શાવી કેરી ફોરવર્ડ કરાયા હતાં. પરંતુ આ હવાઇકીલ્લા સમાન કામનું શું થયું તેનો તસુભાર પણ ઉલ્લેખ વર્ષ ૨૦૨૬-૨૭ના મનપાના ડ્રાફટ બજેટમાં કરવામાં આવ્યો નથી. આ પ્રકારના ગપગોળો સાબીત થાય તેવા તો ઘણા કામો દર વર્ષે બજેટમાં દર્શાવી શહેરીજનોને ઉલ્લું બનાવી પછીના બજેટમાં દર્શાવામાં આવતા નથી એટલે કે ગાયબ કરી લોકોને રીતસર ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે.