રાજકોટમાં છેલ્લા કેટલાક સમયથી બેંકમાં ગીરો મૂકેલું સોનું ગુમ થયા અંગે અહેવાલો વહેતા થયા હતા, પરંતુ ફરિયાદ નોંધાઇ ન હતી. દરમિયાન રાજકોટની રાજમોતી ઓઇલ મિલ પરિવારના શ્યામ શાહ અને તેમના પત્નીએ અગાઉ બે લોન માટે ઇન્ડિયન બેંકમાં ગીરો મુકેલા રૂ.1.15 કરોડના સોનાના દાગીના બેંકની કસ્ટડીમાંથી ગુમ કરી દેવામાં આવ્યા બાબતે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે, જેમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે બે લોન માટે ગીરવે રાખેલા રૂ. ૧.૧૫ કરોડના સોનાના દાગીના બેંકની કસ્ટડીમાંથી ગુમ થઈ ગયા હતા, છતાં તેમને જણાવવામાં આવ્યું ન હતું અને તેમની પાસેથી વ્યાજ પણ વસૂલાતું હતું.
અરજદાર સંગીતા શાહ અને શ્યામ શાહ દ્વારા દાખલ કરાયેલી અરજીમાં જણાવાયું છે કે તેમણે ૨૦૨૩માં ૧,૦૦૪.૧ ગ્રામ ૨૨ કેરેટ સોનું ગીરવે મૂકીને બે એમએસએમઈ જ્વેલરી લોન લીધી હતી. ૨૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ જ્યારે તેમણે રિન્યુઅલ માટે બેંકનો સંપર્ક સાધ્યો ત્યારે બેંકે તેમને બીજા દિવસે જાણ કરી કે દાગીના ગુમ છે અને તેમને પ્રતિ ગ્રામ (૨૪ કેરેટ) રૂ. ૧૦,૮૧૩ ના દરે વળતર આપવાની ઓફર કરી હોવાનું એક અહેવાલ દ્વારા જાણવા મળ્યું હતું. પરંતુ બેંકે પાછળથી કહ્યું કે માર્ચ ૨૦૨૫થી દાગીના ગુમ છે અને જુલાઈમાં લેખિત પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, પરંતુ એફઆઇઆર દાખલ થઈ ન હતી અને તે અંગે કોઈ માહિતી પણ બેંક પાસે ન હતી.
આ દરમિયાન બેંક દ્વારા શાહ દંપતીને એનપીએમાં મૂકી દેવાની ધમકી આપવામાં આવી હતી, દંડ લાદવામાં આવ્યો હતો. જેના કારણે દંપતીએ કોર્ટનો સંપર્ક કર્યો હતો.
આ ઉપરાંત દંપતીએ કેન્દ્ર સરકાર અને આરબીઆઈને બેંક સામે કાર્યવાહી કરવા અને વળતરનો આદેશ આપવા અથવા સ્વતંત્ર તપાસ નિયુક્ત કરવા માટે નિર્દેશ આપવાની માંગ કરી છે. પ્રારંભિક સુનાવણી પછી, કોર્ટે કેન્દ્ર, આરબીઆઈ અને ઇન્ડિયન બેંકને નોટિસ જારી કરીને 27 જાન્યુઆરી સુધીમાં જવાબ માંગ્યો હોવાનું જણાવાયું છે.