રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રૂ.૯૫ કરોડના કરબોજ સાથે કુલ રૂ.૩૫૯૫.૭૦ કરોડનું ડ્રાફ્ટ બજેટ આજે સવારે ૯:૩૦ કલાકે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં ચેરમેન જયમીનભાઇ ઠાકરને સુપ્રત કર્યું હતું. આગામી નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭ના બજેટમાં કમિશનરે પાણી વેરો અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં તોતિંગ વધારો સુચવ્યો છે. મ્યુનિ.કમિશનરે સૂચવેલા વેરા વધારાની તદન સરળ ગણતરી કરીએ તો તેમણે પાણી વેરા અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જમાં રહેણાંક મિલકતોમાં ઘર દીઠ ૧૩૩૫ અને કોમર્શિયલ મિલકતોમાં ૩૫૪૦નો વેરા વધારો કરવા સૂચવ્યું છે. એકંદરે બજેટમાં કોઇ નવા મોટા પ્રોજેક્ટ્સ મુકવામાં આવ્યા નથી અને નળ, ગટર, રસ્તા જેવા કામો ઉપર જ ધ્યાન કેન્દ્રિત કરાયું છે.
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ રજૂ કરેલા ડ્રાફ્ટ બજેટમાં હાલ ઘર દીઠ પાણી વેરો ૧૫૦૦ છે તેમાં ૯૦૦ વધારી ૨૪૦૦ કરવા સૂચવ્યું છે અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ ૩૬૫ છે તેમાં ૪૩૫ વધારી ૮૦૦ કરવા સૂચવ્યું છે, આ મુજબ રાજકોટમાં પ્રતિ ઘર દીઠ વેરાબિલમાં રૂ.૧૩૩૫નો વધારો સૂચવ્યો છે.
જ્યારે દુકાન અને કારખાના સહિતની કોમર્શિયલ મિલકતોમાં મિલકત દીઠ પાણી વેરો ૩૦૦૦ છે તેમાં ૧૮૦૦ વધારી ૪૮૦૦ કરવા સૂચવ્યું છે અને ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન ચાર્જ ૧૪૬૦ છે તેમાં ૧૭૪૦ વધારી ૩૨૦૦ કરવા સુચવ્યું છે.
બજેટમાં કમિશનરે રજૂ કરેલા મુખ્ય ૯ પ્રોજેક્ટ
1. આવાસ
પીએમ આવાસ યોજના હેઠળ ૩૧૭૦ આવાસ ૪૬,૪૩૯ લાખ
2.ફાયર
૫૦ મીટરની ઉંચાઈ સુધીનું ટર્ન ટેબલ લેડરની ખરીદી ૨૦૦ લાખ
ડાયલ ૧૧૨ ૮૦૦ લાખ
3.આઈ.ટી.
આઇવે પ્રોજેક્ટ ૨.૦ ૩૭૦૦ લાખ
થ્રીડી જીઆઈએસ અપડેશન ૩૦૦૦ લાખ
ઇ મેડિકેર (હેલ્થ મેનેજમેન્ટ સિસ્ટમ) ૦૫ લાખ
4.સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ
નાકરાવાડી સાઇટ ખાતે સોલિડ વેસ્ટનું સેગ્રીગેટેડ પ્રોસેસિંગ ૧૯૯૧ લાખ
આઇકોનિક સ્કલ્પચર બનાવવાનું કામ ૧૪૪ લાખ
૧૦ વેક્યુમ સ્વીપિંગ મશીનની ખરીદી ૧૦૦૦ લાખ
5.રમત ગમતની સુવિધા
પીપીપી ધોરણે રમત ગમત ગ્રાઉન્ડ ડેવલપ કરવા સૈધ્ધાંતિક જોગવાઇ
6.બાગ બગીચા
શહેરમાં ગ્લો ગાર્ડન વિકસાવવાનું કામ ૧૦૦ લાખ
લાયન સફારી પાર્ક એન્ટ્રેન્સ પ્લાઝામાં ગાર્ડનિંગ અને બ્યુટિફિકેશન ૨૦૦ લાખ
7.રોશની
સી.સી.એમ.એસ સ્ટ્રીટલાઇટ કન્ટ્રોલ ૩૦૦ લાખ
નવા વિકસતા રોડ ઉપર સેન્ટ્રલ એલ ઇડી લાઈટિંગ ૩૦૦ લાખ
8. ડ્રેનેજના કામ
ડ્રેનેજ ક્લિનિંગ માટે જેટિંગ મશીન ખરીદી ૨૫૦ લાખ
વાવડી, ઘંટેશ્વર, પોપટ પરામાં નવી ડીઆઇ ડ્રેનેજ લાઇન નાખવા સહિતના ડ્રેનેજના કામો ૧૦૫૫ લાખ
9. વોટર વર્કસના કામો
આજી ડેમે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ ૫૬૩૨ લાખ
ન્યારી ડેમથી કણકોટ ચોકડી સુધી અને પુનિત નગર ૮૦ ફૂટ રોડથી પુનિત હેડ વર્કસ સુધી એમએસ પાઇપલાઇન નાખવા ૭૦૦ લાખ