રાજકોટ જિલ્લા પંચાયતની 36 અને રાજકોટ જિલ્લામાં આવતી 11 તાલુકા પંચાયતની 202 બેઠકો માટે ઉમેદવારોના નામ અને તેને ફાળવવામાં આવેલા પ્રતીક મુજબના સ્ટીકરો જે તે ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીનમાં ચીપકાવીને તેનું ટેસ્ટિંગ કરીને સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવાયા છે.
જિલ્લા પંચાયત, 11 તાલુકા પંચાયતો અને ગોંડલ નગરપાલિકાની ચૂંટણી માટે કુલ ૩૯૭ ઈવીએમ ટેસ્ટ કરવામાં આવ્યા છે. આ માટેની કાર્યવાહી એટલે કે કમિશનીગની પ્રક્રિયા સરકારી પોલીટેકનીક કોલેજ ખાતે પૂરી કરવામાં આવી હતી.
ચૂંટણી અધિકારી અને મદદનીશ ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ એકસો જેટલા અધિકારીઓ અને કર્મચારીઓએ આ પ્રક્રિયામાં ભાગ લીધો હતો. બેલેટ યુનિટ અને કંટ્રોલ યુનિટનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 26 ના રોજ યોજાનારી મતદાનની પ્રક્રિયાના 48 કલાક અગાઉ જે તે મતદાન મથકમાં આ તમામ ઈવીએમ રવાના કરવામાં આવશે. અત્યારે તો તમામ ઇવીએમ તાલુકા મથકના સ્ટ્રોંગ રૂમમાં રાખી દેવાયા છે
ગોંડલ નગરપાલિકાની ચૂંટણીના અનુસધાને ભગવતસિંહજી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ઇવીએમ તૈયાર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગોંડલમાં વોર્ડ નંબર 1,6,9 અને 11માં તમામ બેઠકો બીનહરીફ જાહેર થઈ છે. ગોંડલની કુલ બેઠકોમાંથી 20 બેઠક બિન જાહેર થઈ છે. હવે બાકી રહેલા વોર્ડ નંબર 2,3,4,5,7,8 અને 10 સહિત કુલ સાત વૉર્ડ માટે ચૂંટણી યોજાશે અને તેમાં 55 મતદાન મથકો રાખવામાં આવ્યા છે. ગોંડલની ચૂંટણીમાં રિઝર્વ સ્ટાફ અને ઇવીએમ પણ પૂરતા પ્રમાણમાં રાખવામાં આવ્યા છે.
ચૂંટણી પૂરી થાય અને પરિણામ જાહેર થાય ત્યારે ઈવીએમ પર પરાજયનું ઠીકરૂ ફોડવામાં ન આવે તે માટે જ્યારે ઇવીએમ જે તે મતદાન મથકે મોકલવામાં આવશે તે પહેલા સ્ટ્રોંગ રૂમમાં દરેક રાજકીય પક્ષોના આગેવાનો અને ઉમેદવારોની હાજરીમાં તે કામગીરી હાથ ધરાશે.