BREAKING NEWS

સૌરાષ્ટ્રના અમુક જિલ્લામાં વરસાદની આગાહી, દ.ગુજરાતમાં વરસાદી માહોલ

  • June 23, 2026 10:39 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ 40.3 ડિગ્રી સાથે ગરમાયું, વરસાદ માટે ખેડૂતોની નજર આકાશ પર : ગાંધીનગર 41 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર




દક્ષિણ પશ્ચિમ (નૈઋત્યનું) ચોમાસું દેશના અનેક વિસ્તારોમાં આગળ વધી રહ્યું હોવા છતાં સૌરાષ્ટ્ર-કચ્છના મોટા ભાગના વિસ્તારોમાં હજુ ચોમાસાની સત્તાવાર એન્ટ્રીની રાહ યથાવત્ રહી છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ દરમિયાન  માત્ર અમુક જિલ્લાઓમાં જ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના બાકીના વિસ્તારોમાં હવામાન મુખ્યત્વે શુષ્ક રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.


હવામાન વિભાગ અનુસાર ગઈકાલે દક્ષિણ પશ્ચિમ ચોમાસું મધ્ય અરબી સમુદ્રના કેટલાક ભાગો, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટકના બાકીના વિસ્તારો તેમજ ઓડિશા, ઝારખંડ અને બિહારના કેટલાક ભાગોમાં આગળ વધ્યું હતું. આગામી 24 કલાક દરમિયાન મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો અને પશ્ચિમ તથા મધ્ય ભારતના વધુ વિસ્તારોમાં ચોમાસું આગળ વધવા માટે પરિસ્થિતિ અનુકૂળ બની રહી છે.

હાલ દરિયાઈ સપાટી પર મોસમી ટ્રફ રાજસ્થાનથી બિહાર સુધી વિસ્તરેલી છે. ઉત્તર ગુજરાતથી પશ્ચિમ મધ્ય અરબી સમુદ્ર સુધી ટ્રફ સક્રિય છે અને સૌરાષ્ટ્ર ઉપર સમુદ્ર સપાટીથી આશરે 3.1 કિલોમીટર ઊંચાઈએ પણ તેની અસર જોવા મળી રહી છે. નીચલા સ્તરે દક્ષિણ-પશ્ચિમ તથા પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા હોવાથી અમુક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને છૂટાછવાયા વરસાદી ઝાપટાંની સ્થિતિ સર્જાઈ શકે છે.

હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. ત્યારબાદ 24થી 29 જૂન દરમિયાન મુખ્યત્વે અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવ જિલ્લામાં જ છૂટાછવાયા વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની શક્યતા છે.

આજે માટે હવામાન વિભાગે ઉત્તર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં વીજળીના કડાકા-ભડાકા સાથે 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની ચેતવણી આપી છે. જોકે સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદ અંગે કોઈ વિશેષ આગાહી કરવામાં આવી નથી.

બીજી તરફ રાજકોટ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ગરમીનો પ્રકોપ યથાવત્ રહ્યો હતો. રાજકોટમાં ગઈકાલે મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જ્યારે આજે વહેલી સવારે લઘુતમ તાપમાન 26.2 ડિગ્રી રહ્યું હતું. સવારે 8:30 વાગ્યે તાપમાન 30.4 ડિગ્રી નોંધાયું હતું. હવામાં ભેજનું પ્રમાણ 69 ટકા અને પવનની સરેરાશ ગતિ 14 કિલોમીટર પ્રતિ કલાક નોંધાઈ હતી.

રાજ્યમાં સૌથી વધુ 41 ડિગ્રી તાપમાન ગાંધીનગરમાં નોંધાયું હતું. અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં 40.5, રાજકોટમાં 40.3, ડીસામાં 39.7, અમરેલી અને કંડલામાં 38.5, વડોદરામાં 38.4 તથા ભુજમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાતા ઉનાળાની ગરમી હજુ પણ અનુભવાઈ રહી છે.





ભાવનગરમાં બે ઇંચ વરસાદ છતાં સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદના એંધાણ નહીં


છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભાવનગરમાં આશરે બે ઇંચ વરસાદ નોંધાયો હતો. જેસરમાં પોણો ઇંચ તેમજ ઘોઘા, મહુવા અને ગારીયાધાર વિસ્તારમાં ઝાપટાંથી માંડીને અડધો ઇંચ સુધી વરસાદ પડ્યો હતો. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી વિસ્તારમાં પણ અડધો ઇંચ વરસાદ નોંધાયો હતો. રાજકોટ જિલ્લાના વીંછિયા, અમરેલી જિલ્લાના ખાંભા તથા બોટાદ અને રાણપુર પંથકમાં પણ ઝાપટાંથી અડધો ઇંચ સુધી વરસાદ વરસ્યો હતો.

આજે સવારે નવસારી, વલસાડ અને છોટાઉદેપુર વિસ્તારમાં હળવો વરસાદ નોંધાયો હતો.

એકંદરે હવામાનની વર્તમાન સ્થિતિ જોતા દક્ષિણ ગુજરાતમાં વરસાદી પ્રવૃત્તિ યથાવત્ રહેવાની શક્યતા છે, જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી થોડા દિવસો સુધી માત્ર છૂટાછવાયા વરસાદી ઝાપટાંથી સંતોષ માનવો પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News