વર્ષ 2022માં જ્યારે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની, ત્યારે રાઘવ ચઢ્ઢાને પંજાબના 'ડી-ફેક્ટો સીએમ' માનવામાં આવતા હતા. એવી ચર્ચા હતી કે ભગવંત માન મુખ્યમંત્રી હોવા છતાં, સરકારનું સંચાલન અને મહત્વના નિર્ણયો દિલ્હીથી રાઘવ ચઢ્ઢા લેતા હતા. આ વર્ચસ્વની લડાઈ જ રાઘવ ચઢ્ઢાના પતનની શરૂઆત બની હતી.
ભગવંત માન સાથેનો ટકરાવ
રાઘવ ચઢ્ઢા પંજાબ સરકારના અધિકારીઓની બેઠકો લેતા અને નિર્ણયો લેતા હોવાના આરોપો વારંવાર લાગ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુખ્યમંત્રી ભગવંત માને આ અંગે અરવિંદ કેજરીવાલ સમક્ષ અનેકવાર નારાજગી વ્યક્ત કરી હતી. જોકે લાંબો સમય કેજરીવાલે રાઘવનો પક્ષ લીધો, પરંતુ પંજાબના સ્થાનિક નેતૃત્વમાં રાઘવ પ્રત્યે રોષ સતત વધતો રહ્યો.
મુશ્કેલ સમયમાં પાર્ટીથી અંતર
રાઘવ ચઢ્ઢા અને હાઈકમાન્ડ વચ્ચે ખરાબ સબંધોની શરૂઆત ત્યારે થઈ જ્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી. તે સમયે ભગવંત માન અને અન્ય નેતાઓ દિલ્હીની સડકો પર ઉતરી આવ્યા હતા, પરંતુ રાઘવ ચઢ્ઢા લાંબો સમય વિરોધ પ્રદર્શનથી દૂર રહ્યા હતા. તેમની ગેરહાજરીએ પાર્ટી નેતૃત્વને શંકામાં નાખી દીધું હતું. કેજરીવાલ જેલમાંથી બહાર આવ્યા બાદ રાઘવને પંજાબના રાજકારણથી સંપૂર્ણ રીતે દૂર કરી દેવામાં આવ્યા હતા.
પાર્ટી લાઇનથી અલગ ચાલવાનો પ્રયાસ
રાજ્યસભામાં પણ રાઘવ ચઢ્ઢાનું વલણ બદલાતું જોવા મળ્યું હતું. પાર્ટીએ જે મુદ્દાઓ રાજ્યસભામાં ઉઠાવવા માટે કહ્યા હતા, તેના બદલે રાઘવ મિડલ ક્લાસ, ટેક્સ અને ગિગ વર્કર્સ જેવા મુદ્દાઓ પર વધુ ધ્યાન આપી રહ્યા હતા. પાર્ટીને લાગ્યું કે રાઘવ ચઢ્ઢા પોતાની એક અલગ અને સ્વતંત્ર નેતા તરીકેની છબી ઉભી કરવા માંગે છે, જે પાર્ટીના શિસ્તની વિરુદ્ધ હતી. આ કારણોસર રાઘવને રાજ્યસભામાં 'આપ'ના ડેપ્યુટી લીડર પદેથી હટાવી દેવામાં આવ્યા હતા.
ભગવંત માનની આકરી પ્રતિક્રિયા
રાઘવ ચઢ્ઢાના બળવા બાદ પંજાબના સીએમ ભગવંત માને આકરા પ્રહારો કર્યા છે. તેમણે રાઘવને 'કોમ્પ્રોમાઇઝ્ડ' નેતા ગણાવ્યા છે. હવે જ્યારે રાઘવ ભાજપમાં જોડાઈ રહ્યા છે, ત્યારે દિલ્હી અને પંજાબના રાજકારણમાં મોટા ફેરફારો આવવાની શક્યતા છે. રાઘવનો દાવો છે કે તેઓ એકલા નથી, પણ સાંસદોનું આખું જૂથ તેમની સાથે છે, જે આમ આદમી પાર્ટી માટે અસ્તિત્વની લડાઈ સમાન બની શકે છે.