૪૦૦૦ કિલોમીટર દુર આવેલા ઇથિયોપિયામાં ફાટેલા જ્વાળામુખીની રાખ ગુજરાત થઈને દિલ્હી સુધી પહોંચી ગઈ છે, સમગ્ર પશ્ચિમ ભારત પર રાખનું વાદળ છવાયું છે જેને લીધે અનેક આંતરરાષ્ટ્રીય ફ્લાઇટનો રૂટ બદલવો પડ્યો છે. અમુક ફ્લાઇટમાં મોડું થઈ રહ્યું છે અને અમુકને બીજા રસ્તેથી મોકલવામાં આવી રહી છે જેથી વિમાન રાખના વાદળોથી દૂર રહે.
ઇથિયોપિયાના હાયલી ગુબ્બી જ્વાળામુખી ફાટ્યા બાદ ઉત્પન્ન થયેલો વિશાળ રાખનો ગુબ્બાર સોમવારે બપોરે ગુજરાત પર અને રાત્રે 11 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી ગયો. હવામાનના જાણકારો છેલ્લાં એક દિવસથી આ રાખના વાદળને જોઈ રહ્યા હતા. આ રાખનું વાદળ લાલ સાગર પાર કરીને આશરે 130 કિ.મી પ્રતિ કલાકની ઝડપે ભારત તરફ વધી રહ્યું હતું. સૌથી પહેલાં આ રાખનું વાદળ ભારતમાં પશ્ચિમી રાજસ્થાનના જોધપુર અને જેસલમેરની ઉપરથી આવ્યું. બાદમાં ધીમે-ધીમે આ રાખનું વાદળ દિલ્હી, હરિયાણા અને રાજસ્થાનના મોટા ભાગોમાં ફેલાઇ ગયું.
મળતી માહિતી મુજબ. ઇથિયોપિયાના જ્વાળામુખીથી નીકળેલું રાખનું વાધળ મોટાભાગે સલ્ફર ડાયોક્સાઇડથી બનેલું છે. આ વાદળમાં જ્વાળામુખીની રાખની માત્રા ઓછાથી મધ્યમ છે. આ રાખનું વાદળ હવે ઓમાન-અરબ સસાગરના રસ્તેથી મધ્ય ગુજરાતના મેદાની વિસ્તારો સુધી ફેલાઇ ગયું છે.
નોંધનીય છે કે, આ વાદળની AQI પર કોઈ અસર થશે નહીં. જોકે, નેપાળ, હિમાલયના વિસ્તાર અને ઉત્તર પ્રદેશના તરાઈ પ્રદેશમાં સલ્ફર ડાયોક્સાઇડનું સ્તર થોડું વધી શકે છે, કારણ કે રાખના કેટલાક વાદળ પર્વતો સાથે અથડાઈને ચીન તરફ આગળ વધશે. મેદાનોમાં રાખ પડવાની શક્યતા ખૂબ ઓછી છે, જોકે કેટલાક વિસ્તારોમાં થોડી અસર થઈ શકે છે. આ આખું રાખનું વાદળ વાતાવરણના મધ્ય-સ્તરમાં છે, તેથી જમીન પર હવાની ગુણવત્તા પર કોઈ અસર થશે નહીં. રાખનું વાદળ ધીમે ધીમે દિલ્હી, હરિયાણા અને રાજસ્થાન તરફ પણ જશે, પરંતુ સપાટી પર કોઈ પ્રતિકૂળ અસર નહીં થાય. ફક્ત ફ્લાઇટ રિરુટિંગ અથવા વિલંબ થવાની સંભાવના છે, કારણ કે આ વાદળ વિમાનની સલામતીને અસર કરી શકે છે. સપાટી પર કણો પડવાની શક્યતા ખૂબ ઓછી છે.
નિષ્ણાતોએ જણાવ્યું કે, આ રાખનું વાદળ જમીનથી 25,000થી 45,000 ફૂટ ઊંચાઈ પર છે. તેથી, હાલ લોકોના સ્વાસ્થ્યને જોખમ નથી. પરંતુ, એવું બની શકે કે, અનેક જગ્યાએ થોડી-થોડી રાખની પરત નીચે પડે.
સૂર્યનો રંગ બદલાઈ ગયો
હવામાન વિભાગનું માનવું છે કે, મંગળવારે (25 નવેમ્બર) સવારનો સૂરજ અલગ અને ચમકીલા રંગમાં જોવા મળ્યો. રાખના કારણે પ્રકાશ પર આવી અસર પડી હતી.
અનેક ફ્લાઇટ કરાઇ રદ
નોંધનીય છે કે, ઇથિયોપિયાના જ્વાળામુખીની રાખના કારણે સોમવારે અનેક એરલાઇન્સે પોતાની ફ્લાઇટ રદ કરી દીધી હતી. જેમાં અકાસા એર, ઇન્ડિગો અને કેએલએમ જેવી એરલાઈન્સનો સમાવેશ થાય છે.
ડીજીસીએની એડવાઇઝરી
રવિવારે ઇથિયોપિયાના હેઇલ ગબ્બિન જ્વાળામુખીના વિસ્ફોટ બાદ, ભારતના નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય (ડીજીસીએ) એ બધી એરલાઇન્સને એક એડવાઇઝરી જાહેર કરી હતી, જેમાં તેમને ઊંચાઈ પર અને જ્વાળામુખીની રાખ ફેલાતી હોય તેવા વિસ્તારો પર ઉડાન ટાળવાની સલાહ આપવામાં આવી હતી. રાખના વાદળ વિમાનના એન્જિન અને ફ્લાઇટ સલામતી માટે જોખમ ઊભો કરી શકે છે, તેથી એરલાઇન્સને તેમના રૂટ અને ઊંચાઈ બદલવાની સલાહ આપવામાં આવી છે.