BREAKING NEWS

સુરતમાં ગર્ભપાતના ગોરખધંધાનો પર્દાફાશઃ ફાર્માસિસ્ટની ધરપકડ, હોસ્પિટલ સીલ, આરોપી રીઢો ગુનેગાર નીકળ્યો

  • May 06, 2026 12:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરતના વરાછા વિસ્તારમાં માનવતાને શરમાવે તેવી એક ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ગેરકાયદે ગર્ભપરીક્ષણ અને ભ્રૂણ હત્યાનું નેટવર્ક ફરી એકવાર સક્રિય થયું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. વરાછા રોડ પર આવેલી મમતા મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ પર આરોગ્ય વિભાગે ઓચિંતા દરોડા પાડીને આ આખા ગોરખધંધાનો પર્દાફાશ કર્યો છે. આ રેકેટનો મુખ્ય સૂત્રધાર રામગોપાલ ખંડેલવાલ હોવાનું સામે આવ્યું છે, જે વાસ્તવમાં કોઈ ક્વોલિફાઇડ ડોક્ટર નથી, પરંતુ માત્ર એક ફાર્માસિસ્ટ છે.


સૌથી વધુ આઘાતજનક બાબત એ છે કે રામગોપાલ ખંડેલવાલ નામનો આ શખ્સ રીઢો ગુનેગાર છે. તે વર્ષ 2025માં પણ વરાછાની શિવાય હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરાવતા રંગેહાથ ઝડપાઈ ચૂક્યો હતો. જેલમાંથી જામીન પર મુક્ત થયા બાદ તેણે કાયદાનો ડર રાખ્યા વિના મમતા હોસ્પિટલના નામે નવું કેન્દ્ર શરૂ કરી દીધું હતું અને માસૂમ જીવોની હત્યાનો વેપાર ફરી શરૂ કર્યો હતો.


મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. અનિલ પટેલની ટીમે બાતમીના આધારે હોસ્પિટલના પહેલા અને બીજા માળે જ્યારે ઓચિંતી રેડ પાડી ત્યારે ત્યાં ભારે અફરાતફરી મચી ગઈ હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી ત્રણ સગર્ભા મહિલાઓ મળી આવી હતી જેઓ ગેરકાયદે ગર્ભપાત કરાવવા માટે ત્યાં આવી હતી. હોસ્પિટલમાં સફાઈ કામ કરતી મહિલાની પૂછપરછમાં જાણવા મળ્યું કે, રામગોપાલ પોતે જ ડોક્ટર બનીને મહિલાઓના ઓપરેશનો અને ગર્ભપાત કરતો હતો. આ દરોડા દરમિયાન સર્જાયેલી અરાજકતાનો લાભ લઈ વ્યારાની એક 24 વર્ષીય સગર્ભા મહિલા ત્યાંથી ભાગી છૂટી હતી, જ્યારે અન્ય બે મહિલાઓની તબિયતને ધ્યાને રાખી તેમને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.


આરોગ્ય વિભાગે કડક હાથે કાર્યવાહી કરતા મમતા હોસ્પિટલને તાત્કાલિક અસરથી સીલ કરી દીધી છે. વરાછા પોલીસે ફાર્માસિસ્ટ રામગોપાલ ખંડેલવાલ વિરુદ્ધ પી.સી. એન્ડ પી.એન.ડી.ટી. એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલમાં આરોપી ફરાર હોવાથી તેને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસ હવે એ પાસા પર તપાસ કેન્દ્રિત કરી રહી છે કે આ ફાર્માસિસ્ટને કોનું રક્ષણ હતું અને મેડિકલ ક્ષેત્રના અન્ય કયા ડોક્ટરો કે સફેદપોશ લોકો આ પાપના ધંધામાં તેની સાથે સંડોવાયેલા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application