ઈરાન અને અમેરિકા વચ્ચે સીઝફાયર (યુદ્ધવિરામ) માટે શનિવારે (11 એપ્રિલ) પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં એક મહત્વપૂર્ણ બેઠક યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં અમેરિકા તરફથી ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાન તરફથી સ્પીકર મોહમ્મદ બઘેર ગાલિબાફ ભાગ લેશે. જોકે, આ નેતાઓની સુરક્ષા માટે પાકિસ્તાન સરકારે જે પગલાં લીધા છે તેણે ઈસ્લામાબાદના હજારો નાગરિકોને પોતાના જ ઘરમાં કેદી બનાવી દીધા છે.
બેઠક સ્થળ હોટલ સેરેનાની આસપાસના 3 કિલોમીટરના વિસ્તારને સંપૂર્ણપણે સીલ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અને સેનાની ભારે નાકાબંધીને કારણે શાહ ખાલિદ કોલોની, ગુલઝાર-એ-કાયદ અને એરપોર્ટ હાઉસિંગ સોસાયટી જેવા રહેણાંક વિસ્તારોમાં લોકોના ઘરો સુધી આવશ્યક ચીજવસ્તુઓ પહોંચી શકતી નથી.
પાકિસ્તાની અખબાર 'ડૉન' ના અહેવાલ મુજબ નાકાબંધી એટલી કડક છે કે રહેણાંક વિસ્તારોમાં પાણીના ટેન્કર પણ જવા દેવામાં આવતા નથી. શાહ ખાલિદ કોલોનીના રહેવાસીઓએ ફરિયાદ કરી છે કે પીવાના પાણીના ટેન્કરને અટકાવી દેવામાં આવ્યા છે, જેના કારણે લોકો તરસ્યા રહેવા મજબૂર છે. માત્ર કરિયાણાની દુકાનો જ નહીં, પરંતુ હોસ્પિટલો અને દવાની દુકાનો પણ બંધ કરાવી દેવામાં આવી છે. ગંભીર દર્દીઓ માટે પણ ઘરની બહાર નીકળવું અશક્ય બની ગયું છે.
આખા શહેરમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે અને ઈસ્લામાબાદ પોલીસના સત્તાવાર હેન્ડલ પરથી જારી કરવામાં આવેલા વીડિયોમાં પોલીસ જવાનો બળજબરીથી દુકાનો બંધ કરાવતા જોવા મળી રહ્યા છે.
અભેદ સુરક્ષા કવચ
પાકિસ્તાન સરકારે આ બેઠકની સુરક્ષા માટે કોઈ કસર બાકી રાખી નથી. ઈસ્લામાબાદ પોલીસની સાથે પંજાબ અને સિંધ પોલીસ તેમજ પાકિસ્તાની સેનાના કુલ 11,000 જવાનો તૈનાત છે. પાકિસ્તાની સુરક્ષા દળોની સાથે અમેરિકી સુરક્ષા સેવાના જવાનો પણ એક્ટિવ છે અને 'બ્લૂ બુક' ગાઈડલાઈન્સ મુજબ સુરક્ષાની દેખરેખ રાખી રહ્યા છે.
વિશ્વ સ્તરે પોતાની છબી સુધારવા માટે પાકિસ્તાન આ બેઠકનું સફળ આયોજન કરવા માંગે છે, પરંતુ જે રીતે સામાન્ય લોકોની પાયાની જરૂરિયાતો રોકી દેવામાં આવી છે તેનાથી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. લોકોનું કહેવું છે કે શાંતિ મંત્રણાના નામે તેમના માટે જીવન નરક જેવું બની ગયું છે.