દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાજેતરમાં બે દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા હતા. આ પ્રવાસ દરમિયાન વડોદરામાં સરદારધામ ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાને અહીં મધ્ય ગુજરાતના વડોદરા ખાતે રૂ.150 કરોડના ખર્ચે નિર્મિત 'ડો. દુષ્યંત એન્ડ દક્ષા પટેલ સંકુલ'નું લોકાર્પણ કર્યું હતું, જે 2000 દીકરા-દીકરીઓ માટે સુવિધાજનક છાત્રાલય તરીકે કાર્ય કરશે. આ પ્રસંગે પીએમ મોદીએ ભૂતકાળના સંસ્મરણો વાગોળી સભાને મંત્રમુગ્ધ કરી દીધી હતી.

‘અમે બધા નવનિર્માણની ઓલાદો છીએ’
કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્ટેજ પર બિરાજમાન મહાનુભાવોનો ઉલ્લેખ કરતા નરહરિ અમીન અને પંકજભાઈ પટેલ સાથેના પોતાના જૂના સંબંધોને યાદ કર્યા હતા. પીએમ મોદીએ રમૂજી અંદાજમાં જણાવ્યું હતું કે, "અહીં સ્ટેજ પર અમે એવા ત્રણ લોકો બેઠા છીએ જેમનો એક વિશેષ અને જૂનો નાતો છે. એક પંકજભાઈ, બીજા નરહરિ અમીન અને ત્રીજો હું... અમે બધા 'નવનિર્માણ આંદોલન'ની ઓલાદો છીએ." વડાપ્રધાનનો આ અણધાર્યો અને વિનોદી અંદાજ જોઈને હાજર રહેલા તમામ લોકો ખડખડાટ હસી પડ્યા હતા.

નરહરિ અમીન સાથેના જૂના નાતાનો સ્વીકાર
વડાપ્રધાને 1974ના ઐતિહાસિક નવનિર્માણ આંદોલનના સમયને યાદ કર્યો હતો, જ્યારે ગુજરાતના યુવા શક્તિએ ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવ્યો હતો. રાજ્યસભાના સાંસદ નરહરિ અમીન તે સમયે વિદ્યાર્થી નેતા તરીકે સક્રિય હતા. પીએમ મોદીએ આ જૂના દિવસોને યાદ કરીને નરહરિ અમીનના નેતૃત્વ અને કાર્યશક્તિની પરોક્ષ રીતે પ્રશંસા કરી હતી. પીએમ મોદીએ પોતે પણ હસતા હસતા આ વાત કહી હતી, જે દર્શાવે છે કે જૂના સંબંધો અને લડતના દિવસો આજે પણ તેમના હૃદયમાં જીવંત છે.

શિક્ષણ અને સંસ્કાર પર ભાર
પોતાના સંબોધનમાં વડાપ્રધાને પાટીદાર સમાજ અને સરદારધામ દ્વારા કરવામાં આવી રહેલી શૈક્ષણિક પ્રવૃત્તિઓની પ્રશંસા કરી હતી. તેમણે જણાવ્યું કે વડોદરામાં નિર્મિત નવું સંકુલ આવનારી પેઢીને માત્ર શિક્ષણ જ નહીં પરંતુ શ્રેષ્ઠ સંસ્કાર પણ આપશે. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા, જેમણે વડાપ્રધાનના આત્મીય સંવાદને વધાવ્યો હતો.