રાજકોટમાં આઠ વર્ષ પૂર્વેના ચકચારી અને રહસ્યમય બનાવ પરથી અંતે પડદો ઉંચકાયો છે. વર્ષ 2018માં ભગવતીપરા પાસે આજી નદીના પટમાંથી બાળકનું ધડ વગરનું માથું મળી આવ્યું હતું. જે ઘટના બાદ પોલીસે મહિનાઓ સુધી તપાસ કરી હતી પરંતુ કોઈ પગેરું મળ્યું ન હતું. દરમિયાન હવે આ હત્યાનો ભેદ ઉકેલાવાની અણી પર છે. આ માથું પશ્ચિમ બંગાળના બાળમજૂરનુ હોવાનું માલુમ પડ્યું છે.
અહીં રાજકોટમાં પશ્ચિમ બંગાળના ઠેકેદાર આજીત મૌલા અજમત મૌલાએ તેના પર અસહ્ય દમન ગુજારી હત્યા કર્યા બાદ માથાને ધડથી અલગ કરી દીધું હતું. એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટની ડ્રાઇવ દરમિયાન ગત વર્ષે બાળમજૂરોને મુક્ત કરવામાં આવ્યા હતા. દરમિયાન મહત્વની કડી મળ્યા બાદ આ રહસ્યમય બનાવનો ભેદ ઉકેલાયો હતો. બાળકની હત્યા કરનાર ઠેકેદાર હાલ કલકત્તા જેલમાં બંદીવાન હોય બાળક અવશેષોના ડીએનએ ટેસ્ટના સેમ્પલના મેચિંગ બાદ ખરેખર ઠેકેદારે જે બાળકની હત્યા કરી તે આ જ છે કેમ? તે સ્પષ્ટ થશે.
જાણવા મળતી વિગતો મુજબ, રાજકોટમાં આઠ વર્ષ પૂર્વે આજી નદીના પટમાંથી બાળકનું ધડ વગરનું માથું મળી આવ્યું હતું. આ બનાવનો ભેદ ઉકેલવા માટે જે તે સમયે પોલીસ દ્વારા અલગ અલગ દિશામાં તપાસ કરવામાં આવી હતી. પરંતુ બાળકની ઓળખ થઈ શકે તેવી એક પણ કડી પોલીસને મળી ન હતી દરમિયાન હવે આ બનાવનો ભેદ ઉકેલવાની અણી પર છે.
ગત વર્ષે જૂન 2025 માં રાજકોટના બેડી ચોકડી નજીક ગોપાલ રેસીડેન્સીમાંથી એસઓજી અને એન્ટી હ્યુમન ટ્રાફિકીંગ યુનિટની ટીમે 19 બાળમજૂરોને મુક્ત કરાવ્યા હતા. આ બાળકો પાસેથી ઇમિટેશનનું કામ કરવામાં આવતું હતું અને છેલ્લા બે વર્ષથી રાજકોટમાં બંધક જેવી સ્થિતિમાં રહેતા હતા. બાદમાં આ બાળકોને તેમના વતન મોકલવામાં આવ્યા હતા. દરમિયાન અહીં એક પરિવારે કહ્યું હતું કે બાળમંજૂરને બંધક બનાવનાર ઠેકેદાર અજીત મૌલા અમારા બાળકને પણ લઈ ગયો હતો પરંતુ આ 19 બાળકોમાં તે નથી. જેથી પોલીસે ઠેકેદાર અજીત મૌલા આજમત મૌલાની સઘન પૂછતાછ કરતા તેણે બાળકની હત્યા કરી હોવાની કબુલાત આપી હતી.
કોલકત્તાની જેલમાં બંધ ક્રૂર ઠેકેદાર અજીત મોલા આઝમત મોલાની પોલીસે કડક પૂછપરછ કરતા તેણે એવી ચોંકાવનારી કબુલાત આપી હતી કે, આ સગીર પાસે તે બાળમજૂરી કરાવતો હતો અને તેના પણ ખૂબ જ દમન ગુજારતો હતો. દરમિયાન કામ ન કરવા કે અન્ય કોઈ કારણસર તેણે સગીરને બેફામ મારતા તેનું મોત થયું હતું બાદમાં પોતાનું આ પાપ છુપાવવા માટે સગીરનું મોત માથું કાપી તેને નદીના પટમાં ફેંકી દીધું હતું.
આ ચકચારી પ્રકરણમાં હવે પોલીસ દ્વારા પશ્ચિમ બંગાળ ખાતે રહેતા બાળકના પરિવારજનોનો સંપર્ક કરવામાં આવ્યો છે અને તેના ડીએનએ સેમ્પલ મેળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.આ રિપોર્ટ આવ્યા બાદ આ નદીના પટમાંથી મળેલુ માથું પ.બંગાળના બાળમજૂરનું જ હતું કે કેમ? તે સ્પષ્ટ થશે જે સ્પષ્ટ થયા બાદ અન્ય ગુના હેઠળ કલકત્તાની જેલમાં સજા કાપી રહેલા મુખ્ય આરોપીનો કબજો મેળવી તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
જે તે સમયે માથું કુબલીયાપરાના બાળકનું હોવાની દ્રઢ શંકા હતી
શહેરની આજી નદીના પટમાંથી વર્ષ ૨૦૧૮ ના જુન માસમાં બાળકનું માથું મળી આવવાની ચકચારી ઘટનામાં જે તે સમયે કુબલિયાપરા વિસ્તારમાંથી ગુમ થઇ ગયેલો અજય ઉર્ફે સમોસો મનસુખભાઇ રાઠોડનું આ માથું હોવાની દ્રઢ શંકાએ અજયના ભાઇ ફરિયાદીના લોહીના સેમ્પલ લઇ તેને ડીએનએ માટે મોકલી દેવાયા છે. શંકા ખુબ જ દ્રઢ હતી અને ભેદ ઉકેલાઇ જવાનો આશાવાદ પોલીસનો હતો. દરમિયાન અજય ઉર્ફે સમોસો આટકોટ પાસેથી મળી આવ્યો હતો. પરિવારજનોએ મારમાર્યો હોવાથી તે ઘરેથી ચાલ્યો ગયો હોવાનું કહ્યું હતું. જે હકીકત સામે આવ્ય બાદ પોલીસને તપાસમાં ફરી એકડો ઘુંટવો પડે તેવો તાલ સર્જાયો હતો.
હત્યાની કોશિશ, પોક્સો એક્ટના ગુનામાં ઠેકેદારને કોલકત્તા જેલહવાલે કરાયો’તો
ઠેકેદાર અજિત મૌલાના બંગાળથી અવાર નવાર બાળકોને રાજકોટ લાવી અમાનવીય ત્રાસ આપી મજૂરી કરાવતો હતો. દરમિયાન એક બાળક યેનકેન પ્રકારે અજિતના કબ્જામાંથી નાસી છૂટ્યો હતો અને વતન બંગાળ પહોંચ્યો હતો. જયા તેણે પરિવારને આપવીતી વર્ણવતા પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો. બાદમાં પરિવારે કોલકાતામાં ફરિયાદ આપતા પોલીસે બાળકની હત્યાની કોશિશ તેમજ શ્રુષ્ટિ વિરુદ્ધના કૃત્ય બદલ પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અજિત મૌલાનાની ધરપકડ કરી હતી. જે બાદ કોલકાતા પોલીસની પૂછપરછમાં આરોપી રાજકોટ ખાતે આચરેલા જધન્ય અપરાધની કબૂલાત આપી હતી.