અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે ઈરાનને કડક ચેતવણી આપી છે. એક નિવેદનમાં, હેગસેથે કહ્યું કે, અમેરિકા યમનના હુથી બળવાખોરોને ઈરાન દ્વારા આપવામાં આવતા ઘાતક સમર્થન અને મદદથી સંપૂર્ણપણે વાકેફ છે. તેમણે કહ્યું કે ઈરાને આના પરિણામો ભોગવવા પડશે.
હેગસેથે એ પણ સ્પષ્ટ કર્યું કે, અમેરિકા પોતે જ નક્કી કરશે કે ક્યારે અને ક્યાં કાર્યવાહી કરવી. હેગસેથે કહ્યું, તમે (ઈરાન) હુથીઓને જે ઘાતક સમર્થન આપી રહ્યા છો તેનાથી અમે સંપૂર્ણપણે વાકેફ છીએ. અમે જાણીએ છીએ કે તમે શું કરી રહ્યા છો અને તમે એ પણ સારી રીતે જાણો છો કે યુએસ સૈન્ય શું કરી શકે છે. તમને ચેતવણી આપવામાં આવી છે. હવે પરિણામોનો સામનો કરવા તૈયાર રહો.
આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે લાલ સમુદ્રના ક્ષેત્રમાં હુથી બળવાખોરો દ્વારા વેપારી જહાજો પર હુમલા વધી રહ્યા છે. અમેરિકાનો આરોપ છે કે, આ હુમલાઓ પાછળ ઈરાનનો વ્યૂહાત્મક અને લશ્કરી ટેકો છે. અમેરિકાનો આ ગુસ્સો એ સ્પષ્ટ સંકેત છે કે, તે હવે ફક્ત ચેતવણી આપવાની સ્થિતિમાં નથી, પરંતુ કાર્યવાહી કરવાની પણ યોજના બનાવી રહ્યું છે.
પીટ હેગસેથના આ નિવેદનને આંતરરાષ્ટ્રીય રાજદ્વારીમાં એક વળાંક તરીકે જોવામાં આવી રહ્યું છે. અગાઉ, અમેરિકાએ ઈરાનને ઘણી વખત ચેતવણી આપી હતી કે તે આ ક્ષેત્રમાં અસ્થિરતા પેદા કરતી શક્તિઓને ટેકો આપવાનું બંધ કરે, પરંતુ ઈરાનની ગતિવિધિઓમાં કોઈ ખાસ ફેરફાર થયો નથી. ઉલ્લેખનીય છે કે, આ પહેલા સોમવારે અમેરિકાએ યમનમાં આફ્રિકન સ્થળાંતર કરનારાઓના અટકાયત કેન્દ્ર પર મોટો હવાઈ હુમલો કર્યો હતો. આ હુમલામાં 68 સ્થળાંતર કરનારાઓ માર્યા ગયા હતા.
વિશ્લેષકો માને છે કે જો ઈરાન તેની નીતિ નહીં બદલે તો અમેરિકાનો લશ્કરી પ્રતિભાવ ટૂંક સમયમાં નિર્ણાયક કાર્યવાહીમાં ફેરવાઈ શકે છે. આનાથી ફક્ત પશ્ચિમ એશિયા જ નહીં પરંતુ વૈશ્વિક ભૂરાજકીય સમીકરણો પર પણ અસર પડશે.
હુથીનો દાવો છે કે, આ હુમલો અમેરિકાએ કર્યો હતો. ઈરાન સમર્થિત હુથીઓ એક મોટું સશસ્ત્ર જૂથ છે જે ઉત્તરી યમનમાં કબજો કરે છે. પેલેસ્ટિનિયનોના સમર્થનમાં, તેઓ લાલ સમુદ્રમાં વેપારી જહાજોને સતત નિશાન બનાવી રહ્યા છે. આ માટે અમેરિકાએ તેને 'પરિણામો ભોગવવાની' ચેતવણી પણ આપી છે અને ભૂતકાળમાં અનેક હુમલાઓ પણ કર્યા છે.