રાજકોટ સહિત સૌરાષ્ટ્રના કુલ ૮૩માંથી પાંચ ડેમમાં નવા નીરની આવક નોંધાઇ છે જેમાં રાજકોટ જિલ્લાના આજી-૨માં ૦.૧૬ ફૂટ, આજી-૩માં ૦.૧૬ ફૂટ, મોતીસરમાં ૦.૩૩ ફૂટ, કર્ણુકીમાં ૦.૩૩ ફૂટ અને કંકાવટી ડેમમાં ૦.૩૩ ફૂટ નવા નીરની આવક થતા જળ સપાટીમાં વધારો નોંધાયો છે. આજથી આગામી તા.૧૨ ઓક્ટોબર સુધી વરસાદની આગાહી છે. રાજકોટ જિલ્લાના કુલ ૨૭ ડેમમાંથી રાજકોટ શહેરના ન્યારી-૧ સિવાયના તમામ ડેમ ઓવરફ્લો થઇ ચૂક્યા છે.
રાજકોટ જિલ્લામાં આજથી તા.૧૨ ઓક્ટોબર દરમિયાન છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા થવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.ભારત સરકારના હવામાન ખાતા તરફથી મળેલી હવામાન માહિતી અનુસાર જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ગ્રામીણ કૃષિ મોસમ સેવા વિભાગ, તરઘડીયા દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજકોટ જિલ્લામાં ૮થી ૧૨ ઓક્ટોબર દરમિયાન ભેજવાળું અને આંશિક વાદળછાયું હવામાન રહેવાની શક્યતા છે. આ સાથે છૂટાછવાયા વિસ્તારમાં હળવા વરસાદી ઝાપટા વરસી શકે છે.આ સમયગાળામાં દિવસ દરમિયાન મહત્તમ તાપમાન ૩૩થી ૩૪ ડિગ્રી જ્યારે લઘુતમ તાપમાન રાત્રિ તાપમાન ૨૪-૨૬ ડિગ્રી જેટલું રહેવાની સંભાવના છે.મહત્તમ ભેજનું પ્રમાણ ૬૦-૯૦ ટકા તથા લઘુતમ ભેજનું પ્રમાણ ૩૦-૫૦ ટકા રહી શકે છે. પવનની દિશા પશ્ચિમ, વાયવ્ય, ઉત્તરની રહેવાની અને પવનની ઝડપ ૪થી ૯ કિલોમીટર પ્રતિ કલાક રહેવાની શક્યતા છે.
રાજકોટ સિંચાઇ વર્તુળના ફ્લડ સેલનો કંટ્રોલ રૂમ જૂન મહિનાના પ્રારંભથી શરૂ થતો હોય છે અને તા.૩૦ સપ્ટેમ્બર સુધીમાં વિધિવત ચોમાસુ પૂર્ણ થવા સાથે બંધ થતો હોય છે પરંતુ આ વર્ષે સપ્ટેમ્બર માસ પછી પણ સતત વરસાદ ચાલુ રહેતા આજે તા.૮ ઓક્ટોબરે હજુ પણ કન્ટ્રોલરૂમ ધમધમી રહ્યો છે.