જામનગરમાં છેલ્લા કેટલાક સમયથી રસ્તાઓ ઉપર રઝળતા ઢોરને કારણે લોકોને ખુબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મહાપાલિકા દ્વારા કાર્યવાહી કરવામાં આવે છે પરંતુ જોરદાર કાર્યવાહી કરવાને બદલે અમુક અમુક સ્થળોથી ઢોર પકડે છે પરંતુ પશુઓ લોકોને પરેશાન કરી ઇજા પહોંચાડે છે. આવો જ એક બનાવ નવાગામ ઘેડમાં બન્યો છે અને આ યુવાનને ઇજા થતા કોર્પોરેશનના સંચાલકોએ ગાયને ઢોરના ડબ્બામાં મોકલી દીધી હતી.
જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતા કિશનભાઈ રાઠોડ નામના ૩૭ વર્ષના યુવાનને ઢીંકે ચડાવનાર ગાયને મહાનગરપાલિકાની સોલિડ વેસ્ટ વિભાગની ટીમે શોધી કાઢયા બાદ પકડી પાડવામાં આવી છે, અને તેને ઢોરના ડબ્બામાં મોકલી દેવામાં આવી છે.
નવાગામ ઘેડ વિસ્તારમાં ગઇકાલે બપોરે ૧૨.૦૦ વાગ્યાના અરસામાં કિશન રાઠોડ નામના યુવકને ગાય દ્વારા ઢીંકે ચડાવી હડફેટમાં લેવાયા પછી ૧૦૮ ની ટુકડી દોડી ગઈ હતી, અને ઇજાગ્રસ્તને સારવાર માટે જીજી હોસ્પિટલમાં પહોંચાડી દેવાયા હતા, જયાં સઘન સારવાર મળી ગઈ હોવાથી તેઓની હાલત સુધારા પર છે. અને સ્વસ્થ છે.
આ બનાબ બાદ લોકોના ટોળાએ એકત્ર થઈને મહાનગરપાલિકાની ટુકડીને પણ જાણ કરી હતી, જેથી સોલીડવેસ્ટ શાખાની ટુકડી દોડતી થઈ હતી, અને બપોરે ચાર વાગ્યાના અરસામાં નવાગામ ઘેડના એક ચોકમાંથી ગાયને શોધી કાઢી હતી, અને તેને દોરડેથી બાંધી વાહન મારફતે રણજીતસાગર વિસ્તારમાં આવેલા ઢોરના ડબામાં પહોંચાડી દેવામાં આવી છે.