જામનગર સહિત સમગ્ર હાલારમાં બપોરના ગરમી અને સવાર સાંજ ઠંડીના માહોલથી લોકો હેરાન પરેશાન થઇ રહ્યા છે. હોળી ધુળેટીને માત્ર ૩ દિવસ બાકી છે ત્યારે હાલારમાં મિશ્ર વાતાવરણથી થોડો ઘણો રોગચાળો પણ ફેલાયો છે. ખાસ કરીને હજુ સવાર સાંજ શિયાળાની અસર રહે છે. ગઇકાલે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને મહતમ તાપમાન એકે ડીગ્રી વધીને ૩૦ ડીગ્રી થઇ ગયું છે. તેની સાથે ૨૦ કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો.
ગામડામાં ગરમીની કારણે ખેતરમાં કામ કરતા મજુરોને પણ હાલાકીનો સામનો કરવો પડયો હતો. બપોરના ૧૨ વાગ્યે તરતજ ઉનાળા જેવી ગરમી શરૂ થઇ જાય છે. જો કે સાંજે ૭ વાગ્યા બાદ ગરમીમાં રાહત જોવા મળે છે. આ વર્ષે વધુ ગરમી પડશે તેવી પણ હવામાન ખાતાએ પહેલેથી જ આગાહી કરી દીધી છે. પરંતુ હાલ તો ઠંડી ગરમીનું મિશ્રણ જોવા મળે છે.
કલેકટર કચેરીનાં કંટ્રોલરૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન ૨૦.૫ ડીગ્રી, મહતમ તાપમાન ૩૦ ડીગ્રી, હવામાં ભેજ ૭૭ ટકા, પવનની ગતિ ૧૫ થી ૨૦ પ્રતિકલાક જોવા મળી હતી.
ચાર-પાંચ દિવસથી ઓચિંતુ વાતાવરણ ફરી ગયુ છે. અને સવારે ફરીથી પહેલાની જેમ જ ઠંડો પવન ફુંકાઇ રહ્યો છે. હવામાન ખાતુ જણાવે છે કે હજુ એકવાર ઠંડીનું રાઉન્ડ આવશે. પરંતુ હજુ જે રીતે પવન ફુંકાઇ રહ્યો છે તે જોતાં હજુ ૧૫-૨૦ દિવસ હાલારમાં મિશ્ર ઋતુ જોવા મળશે.
રાજયના કેટલાક શહેરોમાં જાણે કે ઉનાળો શરૂ થઇ ગયો હોય તેવુ વાતાવરણ જોવા મળે છે. રાજકોટ, અમરેલી, જુનાગઢ, સુરેન્દ્રનગર જેવા શહેરોમાં મહતમ તાપમાન ૩૫ ડીગ્રી આસપાસ પહોંચી ગયુ છે અત્યારથી જ ઉનાળો શરૂ થઇ ગયો છે ત્યારે જામનગર જેવા અનેક શહેરોમાં મિશ્ર ઋતુના કારણે તાવ, શરદી, ઉધસરનાં કેસોમાં ઉછાળો જોવા મળે છે.
ગામડાઓમાં પણ ઠંડી ગરમીનાં મિશ્ર માહોલથી લોકો પરેશાન થઇ રહ્યા છે. કાલાવડ, ખંભાળીયા, દ્વારકા, ભાટીયા, રાવલ, કલ્યાણપુર, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર સહિતનાં ગામોમાં પણ ઠંડી અને ગરમીનો મિશ્ર વાતાવરણ જોવા મળ્યું છે. મિશ્ર ઋતુનાં કારણે ગામડાઓમાં સીએચસી અને પીએચસી કેન્દ્રોમાં પણ દર્દીની સંખ્યામાં વધારો થયો છે. જામનગરની જી.જી. હોસિપટલમાં ઓપીડીમાં પણ શરદી, ઉધરસ, તાવનાં કેસો વઘ્યા છે. લાલપુર વિસ્તારમાં પણ કોલેરાના સાત જેટલા કેસ થઇ ગયા છે ત્યારે આરોગ્ય તંત્ર પણ દોડધામ કરી રહી છે.