રાજકોટ શહેરમાં નબીરાઓ અને સગીર વયના ચાલકો દ્વારા બેફામ વાહન ચલાવવાના કિસ્સાઓ સતત વધી રહ્યા છે, ત્યારે રાજકોટના જાણીતા રૈયા રોડ પર એક સગીર વયના ચાલકે પૂરપાટ ઝડપે કાર દોડાવીને ગમખ્વાર અકસ્માત સર્જ્યો હોવાની ઘટના સામે આવી છે. રૈયા રોડ જેવા વ્યસ્ત માર્ગ પર સગીરે પોતાની વર્ના કાર પરથી કાબૂ ગુમાવતા રસ્તા પરથી પસાર થઈ રહેલા અન્ય બેથી ત્રણ વાહનોને જોરદાર ટક્કર મારી હતી. બાદમાં ઝાડ સાથે ટકરાઈ હતી. આ અકસ્માતને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે નાસભાગ અને ચકચાર મચી ગઈ હતી.
સ્કૂટર ચાલકને ગંભીર ઇજા, હોસ્પિટલ ખસેડાયાપ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, પૂરપાટ ઝડપે ધસી આવેલી વર્ના કારે એક સ્કૂટર સહિત બે થી ત્રણ વાહનોને જોરદાર અડફેટે લીધા હતા. કારની સ્પીડ એટલી વધારે હતી કે રસ્તા પર આવેલા સ્પીડ બ્રેકર પરથી કાર હવામાં ફંગોળાઈને ધડાકાભેર વાહનો સાથે અથડાઈ હતી. આ ગંભીર અકસ્માતમાં સ્કૂટર ચાલકને શરીરે અને માથાના ભાગે ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. અકસ્માત થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને રાહદારીઓ તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત સ્કૂટર ચાલકને લોહીલુહાણ હાલતમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જી ભાગવા જતાં લોકોએ ઘેરી લીધી
પ્રાથમિક વિગતો મુજબ, સગીર વયનો કાર ચાલક અકસ્માત સર્જ્યા બાદ ઘટનાસ્થળેથી કાર ભગાડીને નાસી છૂટવાનો પ્રયાસ કરી રહ્યો હતો. પરંતુ અકસ્માતને જોઈને રોષે ભરાયેલા લોકોના ટોળેટોળાં ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા અને કાર ચાલકને ભાગતા અટકાવ્યો હતો. લોકોએ કારને ઘેરી લીધી હતી અને ઘટના અંગે પોલીસને જાણ કરી હતી. પ્રાથમિક તપાસમાં કાર ચલાવનાર સગીર વયનો હોવાની હકીકત સામે આવતા લોકોમાં સગીરના વાલીઓ સામે પણ ભારે આક્રોશ જોવા મળ્યો હતો. હાલ આ મામલે સ્થાનિક પોલીસે ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.