અયોધ્યાના શ્રી રામ મંદિરમાં કરોડો રૂપિયાની દાનચોરીનો મુદ્દો હજુ સમગ્ર દેશમાં ચર્ચાનો વિષય બનેલો છે, ત્યાં ગુજરાતના સુપ્રસિદ્ધ શક્તિપીઠ યાત્રાધામ અંબાજીમાં પણ દાનચોરી થઈ હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. ગુજરાતના પવિત્ર યાત્રાધામોમાં શ્રદ્ધાળુઓ દ્વારા અર્પણ કરવામાં આવતું દાન પણ સલામત રહ્યું નથી. આ ઘટનાને પગલે સમગ્ર રાજ્યના માઈભક્તો અને શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને દાનચોરીના ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓને કડક સજા કરવાની માંગ ઉગ્ર બની છે.
યાત્રાધામ અંબાજી મંદિરમાં દાન ચોરીનો આ ગંભીર કિસ્સો એપ્રિલ મહિનામાં પ્રકાશમાં આવ્યો હતો. આ કેસની તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજની ચકાસણી કરતા મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર ગત 21 એપ્રિલના રોજ નોટોના બંડલ છુપાવીને ચોરી કરતો સ્પષ્ટ જોવા મળ્યો હતો. ત્યારબાદ, સાત મેના રોજ પણ આરોપી ચિરાગ ઠાકોર અંદાજે રૂ. 1.04 લાખની રોકડનું બંડલ પોતાના ખિસ્સામાં છુપાવી, બાથરૂમ જવાના બહાને ભંડાર કક્ષની બહાર નીકળી ગયો હતો. આ સમગ્ર મામલે બનાસકાંઠાના અધિક કલેક્ટરની ફરિયાદના આધારે અંબાજી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો, જેમાં પોલીસે તત્કાલીન સમયે ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી. જોકે, હાલમાં આ આરોપીઓ કોર્ટમાંથી જામીન મેળવી મુક્ત થઈ ચૂક્યા છે.
અંબાજી મંદિરમાં બનેલી આ ઘટના બાદ મંદિરની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઉભા થયા હતા. જેને પગલે આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા તંત્ર સફાળું જાગ્યું હતું અને એક તદ્દન નવી કડક વ્યવસ્થા અમલમાં મૂકી દીધી છે. હવેથી દાન ગણતરીની પ્રક્રિયામાંથી વર્ગ-4 અને તમામ આઉટસોર્સિંગ (કોન્ટ્રાક્ટ) કર્મચારીઓને સંપૂર્ણપણે દૂર કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, ભંડાર કક્ષમાં અત્યંત આધુનિક અને 20 જેટલા હાઇટેક સીસીટીવી કેમેરા ગોઠવી દેવાયા છે જેથી દરેક પ્રવૃત્તિ પર બારીકાઈથી નજર રાખી શકાય.
દાન ચોરીની આ ઘટના બાદ મોડે મોડે પણ જ્ઞાન લાધતા તંત્ર દ્વારા પારદર્શિતા લાવવા માટે મોટો નિર્ણય કરાયો છે. હવે દાન ગણતરીની સમગ્ર પ્રક્રિયાનું મંદિર પરિસરમાં મૂકવામાં આવેલી મોટી એલઇડી સ્ક્રીન પર ભક્તો માટે લાઈવ પ્રસારણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે મંદિરના વહીવટદાર અને મામલતદાર દ્વારા દર અઠવાડિયે રૂબરૂ નિરીક્ષણ, કર્મચારીઓ માટે ફરજિયાત બાયોમેટ્રિક કે સાઈન હાજરી રજિસ્ટર અને ઉચ્ચ અધિકારીઓની પૂર્વ મંજૂરી વગર રાત્રિ રોકાણ કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ સહિતના અનેક કડક નિયમો તાકીદની અસરે લાગુ કરી દેવાયા છે.
અંબાજી મંદિરમાં ગરમાયેલા આ રાજકીય અને સામાજિક વિવાદો વચ્ચે ભક્તો એ વાત પણ યાદ કરી રહ્યા છે કે વર્ષ 2023માં અહીં પ્રસાદને લઈને પણ મોટો હોબાળો થયો હતો. એપ્રિલ 2023માં અંબાજી મંદિરમાં વર્ષોથી ચાલતી પરંપરાગત મોહનથાળની પ્રસાદી બંધ કરીને તેના સ્થાને ચીક્કી આપવાનો વિવાદ ઉભો થયો હતો. આ વિવાદ દસ દિવસથી વધુ સમય સુધી ચાલ્યો હતો અને મોહનથાળનો પ્રસાદ બનાવવામાં ભારે કાપ મૂકાયો હતો. આખરે ભક્તોના ભારે આક્રોશ બાદ સરકારે આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો હતો અને અંતે મોહનથાળ તથા ચીક્કી બંને પ્રસાદ ચાલુ રાખવાની સત્તાવાર જાહેરાત કરવી પડી હતી.
આ ઘટના સામે આવ્યા બાદ મંદિર ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટરે હંગામી કર્મચારી ચિરાગ ઠાકોર સામે કડક વલણ અપનાવી પોલીસ ફરિયાદ નોંધાવવા આદેશ કર્યો હતો. મંદિરના અધિક કલેક્ટર દ્વારા નોંધાવવામાં આવેલી ફરિયાદના આધારે પોલીસે મુખ્ય આરોપી ચિરાગ ઠાકોર ઉપરાંત સહ-આરોપી વિવેક શર્મા અને નિકુંજ પટેલની ધરપકડ કરી હતી. કોર્ટે સહ-આરોપીઓના પાંચ દિવસના રિમાન્ડ પણ મંજૂર કર્યા હતા. પોલીસે ચોરાયેલા બંડલમાંથી 500 રૂપિયાની 208 નોટો રિકવર કરી હતી.