BREAKING NEWS

રાજકોટમાં પીએમ મોદીના રોડ શો પૂર્વે રિવ્યૂ કરતા પ્રભારી મંત્રી જીતુ વાઘાણી

  • January 02, 2026 10:11 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા આગામી તા.૧૧ જાન્યુઆરીના રોજ મારવાડી યુનિવર્સિટી ખાતે સૌરાષ્ટ્ર કચ્છની વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનો શુભારંભ કરાશે. રાજકોટ માટે ગૌરવપ્રદ ઘટના સમાન આ કોન્ફરન્સના આયોજન અંગે રાજકોટ જિલ્લા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે જિલ્લાના વરિષ્ઠ પદાધિકારીઓ અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીએ સમગ્ર આયોજનને લોકભોગ્ય અને વિકાસના રોડમેપ સમાન બનાવવા જિલ્લા વહિવટી તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાને જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. પ્રભારી મંત્રીએ સૌરાષ્ટ્ર-કચ્છની ભાતીગળ સંસ્કૃતિની ઝાંખી, સ્વદેશી અને આત્મનિર્ભર ભારતની થીમ રજૂ કરતાં કાર્યક્રમોના આયોજન અંગે વિગતો જાણતા જનકલ્યાણકારી યોજનાઓ અંગેના બેનર્સ, થીમ બેઈઝ્ડ લાઈટીંગ, પ્રાકૃતિક કૃષિના વેચાણ કેન્દ્રોના સ્ટોલ ગોઠવવા સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

પ્રભારી મંત્રીએ ઉમેર્યું હતું કે, આ કોન્ફરન્સમાં ભાગીદાર દેશો યુક્રેન, જાપાન, કોરીયા, રવાન્ડા સહિત વિવિધ દેશોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહેશે. ૪૪૦૦ ચોરસ મીટરના વિસ્તારમાં યોજાનારા વિશાળ એક્ઝિબિશનમાં ઉદ્યમી મેળા, સ્વદેશી મેળા, વિવિધ સ્ટાર્ટ અપ માટેના આશરે ૬ ડોમ તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં સૌરાષ્ટ્ર કચ્છના ઔદ્યોગિક એકમોને વિકાસ અને નિકાસ માટેની વિપુલ તકો પ્રાપ્ત થશે.

વાઈબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સનું મહત્વ સામાન્ય નાગરીકો પણ સમજે અને સહભાગીતા વધે તે માટે તેના આયોજન સહિતની વિગતો વિવિધ માધ્યમો થકી જનસમુદાય સુધી પહોંચાડવા પર મંત્રીએ ભાર મુક્યો હતો. મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા અને જિલ્લા કલેકટર ડૉ.ઓમપ્રકાશે પ્રેઝન્ટેશનના માધ્યમથી મંત્રીશ્રીને સમગ્ર આયોજન અંગે વિગતો આપી હતી. મંત્રીએ બેઠક બાદ સમગ્ર આયોજન અંગે પ્રેસ મીડિયાને સંબોધન કરી વિગતો આપી હતી.

કલેક્ટર કચેરી ખાતે યોજાયેલી આ બેઠકમાં ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણમંત્રી ત્રિકમભાઈ છાંગા, મેયર નયનાબેન પેઢડીયા, જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રવિણાબેન રંગાણી, ધારાસભ્યો દુર્લભજીભાઈ દેથરીયા, રમેશભાઈ ટીલાળા, ઉદયભાઇ કાનગડ, દર્શિતાબેન શાહ તથા ડો.મહેન્દ્ર પાડલીયા, સંસદ સભ્ય પરષોત્તમ રૂપાલા, રામભાઈ મોકરીયા, અગ્રણી માધવ દવે, જૈમીન ઠાકર, લીલુબેન જાદવ, અલ્પેશ ઢોલરીયા તથા પ્રશાંત કોરાટ સહિતના અગ્રણીઓ, રેન્જ આઈ.જી અશોકકુમાર યાદવ, શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, કલેકટર ડો.ઓમ પ્રકાશ, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, પોલીસ અધિક્ષક વિજયસિંહ ગુર્જર, પ્રાદેશિક મ્યુનિસિપલ કમિશનર મહેશ જાની, આસિસ્ટન્ટ કલેક્ટર મહેક જૈન, નિવાસી અધિક કલેકટર એન. કે. મુછાર, રૂડાના સી.ઈ.ઓ. ગૌતમ મિયાણી, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એ. કે.વસ્તાણી, અધિક કલેક્ટર ઇલાબેન ચૌહાણ, સંયુક્ત માહિતી નિયામક મિતેશ મોડાસિયા, પ્રાંત અધિકારીઓ તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application