BREAKING NEWS

વડોદરામાં ઈસ્કોન હાઇટ્સ ફ્લેટમાં ભીષણ આગ, રહીશોમાં નાસભાગ, ધૂમાડાના ગોટેગોટા, ફાયરબ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો

  • April 15, 2026 05:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સંસ્કારી નગરી વડોદરાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ગોત્રી રોડ પર આજે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. 15 એપ્રિલના રોજ બપોરના સમયે 'ઇસ્કોન હાઈટ્સ' નામની 10 માળની રહેણાંક બિલ્ડિંગમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગ એટલી વિકરાળ હતી કે જોતજોતામાં તેણે આખી બિલ્ડિંગને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી.


ધુમાડાના ગોટેગોટાથી રહીશોમાં ફફડાટ

આગ લાગવાની ઘટનાને પગલે બિલ્ડિંગમાંથી નીકળતા કાળા ધુમાડાના ગોટેગોટા 2 થી 3 કિલોમીટર દૂરથી પણ જોઈ શકાતા હતા. રહેણાંક બિલ્ડિંગ હોવાથી અનેક લોકો અંદર ફસાયા હોવાની આશંકા વચ્ચે લોકો જીવ બચાવવા માટે અગાશી અને બાલ્કની તરફ દોડી ગયા હતા. સ્થાનિક રહીશોમાં ગભરાટ ફેલાતા લોકો પોતાના ઘરોની બહાર નીકળી રસ્તા પર આવી ગયા હતા, જેના કારણે ગોત્રી વિસ્તારના મુખ્ય માર્ગો પર ભારે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.


ફાયર બ્રિગેડ દ્વારા 'મેજર કોલ' જાહેર

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા તાત્કાલિક 'મેજર કોલ' જાહેર કરવામાં આવ્યો હતો. શહેરના વિવિધ ફાયર સ્ટેશનો પરથી 10થી વધુ ફાયર ફાઈટરો અને એમ્બ્યુલન્સનો કાફલો ઘટનાસ્થળે રવાના કરવામાં આવ્યો હતો. 10 માળની બિલ્ડિંગ હોવાથી ઉપરના માળે લાગેલી આગને કાબૂમાં લેવા અને લોકોના રેસ્ક્યુ માટે અત્યાધુનિક હાઈડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.


રેસ્ક્યુ ઓપરેશન અને વર્તમાન સ્થિતિ

હાલમાં ફાયર વિભાગની પ્રથમ પ્રાથમિકતા બિલ્ડિંગમાં ફસાયેલા બાળકો, વૃદ્ધો અને અન્ય રહીશોને સુરક્ષિત રીતે બહાર કાઢવાની છે. પોલીસનો મોટો કાફલો પણ ઘટનાસ્થળે તૈનાત કરી દેવાયો છે, જે ભીડને નિયંત્રિત કરી રહ્યો છે જેથી બચાવ કામગીરીમાં કોઈ અવરોધ ન આવે.

જોકે, આગ કયા કારણોસર લાગી શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ કારણ તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી. અત્યાર સુધીની માહિતી મુજબ, ફાયર ફાઈટરો આગ પર કાબૂ મેળવવા માટે યુદ્ધના ધોરણે મહેનત કરી રહ્યા છે. સદનસીબે હજુ સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ માલમિલકતને મોટાપાયે નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. વડોદરામાં વધતી જતી હાઈરાઈઝ બિલ્ડિંગોમાં ફાયર સેફ્ટીના સાધનોની સજ્જતા સામે ફરી એકવાર આ ઘટનાએ મોટા સવાલો ઉભા કર્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News