BREAKING NEWS

પ્રયાગરાજમાં મોટી રેલ દુર્ઘટના: ટ્રેનની અડફેટે આવતા 5ના મોત; પાટા પર મૃતદેહ જોઈને ઉભી રહેલી ટ્રેનમાંથી નીચે ઉતરેલા 4 મુસાફરો પણ બીજી ટ્રેનની લપેટમાં આવ્યા

  • April 15, 2026 10:33 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

બુધવારે સાંજે આશરે સવા છ વાગ્યે દિલ્હી-હાવડા રેલ લાઇન પર પચદેવરા ગામ પાસે એક યુવકની લાશ પાટા પર પડી હતી. કાલકા એક્સપ્રેસના લોકો પાઇલટે પાટા પર મૃતદેહ જોતાની સાથે જ સમયસૂચકતા વાપરીને ટ્રેન થોભાવી દીધી હતી અને કંટ્રોલ રૂમને જાણ કરી હતી. જોકે, ટ્રેન ઉભી રહેતા જ સર્જાયેલી કુતૂહલવશ પરિસ્થિતિમાં ટ્રેનમાંથી કેટલાક મુસાફરો નીચે ઉતરી ગયા હતા, જે તેમના માટે જીવલેણ સાબિત થયું.


એક મૃતદેહ જોવા ઉતરેલા 4 મુસાફરો કાળનો કોળિયો બન્યા
કાલકા એક્સપ્રેસ ઉભી રહી ત્યારે ટ્રેનમાંથી ચાર યુવકો નીચે ઉતરીને ટ્રેક પર પહોંચ્યા હતા. દરમિયાન, કાલકા એક્સપ્રેસનો હોર્ન વાગ્યો એટલે આ યુવકો પરત ટ્રેનમાં ચઢવા માટે આગળ વધ્યા. બરાબર તે જ સમયે, બીજી દિશામાંથી પુરુષોત્તમ એક્સપ્રેસ પુરપાટ ઝડપે આવી પહોંચી હતી. પાટા પર ઉભેલા ચારેય યુવકો પુરુષોત્તમ એક્સપ્રેસની અડફેટે આવી ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમના મોત નિપજ્યા હતા. આમ, એક લાશ જોવા ઉતરેલા અન્ય ચાર લોકોએ પણ પોતાનો જીવ ગુમાવ્યો હતો.


મૃતકોની ઓળખ અને પોલીસ તપાસ

ઘટનાની જાણ થતા જ એડિશનલ પોલીસ કમિશનર ડૉ. અજય પાલ શર્મા અને જીઆરપીના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. પોલીસે તમામ પાંચ મૃતદેહોને ટ્રેક પરથી હટાવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા છે. અત્યાર સુધીમાં ત્રણ મૃતકોની ઓળખ થઈ છે:

બલિરામ ભગત (36 વર્ષ): બિહારના સિવાનના રહેવાસી (તેમનો મૃતદેહ સૌથી પહેલા પાટા પર મળ્યો હતો).

આકાશ (19 વર્ષ): ફિરોઝાબાદના રહેવાસી (માતા સાથે કોલકાતા લગ્નમાં જઈ રહ્યો હતો).

સુનીલ કુમાર (20 વર્ષ): મિર્ઝાપુરના રહેવાસી.
બાકીના બે મૃતકોની ઓળખ કરવાના પ્રયાસો ચાલુ છે.


મુસાફરો નીચે કેમ ઉતર્યા હતા?
અધિકારીઓના જણાવ્યા અનુસાર મુસાફરો નીચે કેમ ઉતર્યા હતા તે હજુ સ્પષ્ટ નથી. કેટલાક પ્રત્યક્ષદર્શીઓના મતે તેઓ કુદરતી હાજતે ગયા હતા, જ્યારે કેટલાકનું કહેવું છે કે તેઓ પાટા પર પડેલી લાશ જોવા માટે નીચે ઉતર્યા હતા. આ અકસ્માતને કારણે દિલ્હી-હાવડા રૂટ પર ટ્રેન વ્યવહારને પણ માઠી અસર પહોંચી હતી.


​​​​​​​રેલવે તંત્ર દ્વારા તપાસના આદેશ

યમુનાનગરના ડીસીપી વિવેક યાદવે જણાવ્યું કે, કાલકા એક્સપ્રેસ અકસ્માતને કારણે ઉભી રહી હતી અને તે દરમિયાન નીચે ઉતરેલા મુસાફરો બીજી ટ્રેનની અડફેટે આવી ગયા હતા. રેલવે દ્વારા આ સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે જેથી અકસ્માતનું સચોટ કારણ જાણી શકાય.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News