બ્રિટિશ સંસદમાં 'ગ્રુમિંગ ગેંગ્સ' (બાળકો અને કિશોરીઓને જાળમાં ફસાવીને શારીરિક શોષણ કરતી ટોળકી)ના મામલે લાંબા સમયથી ચાલી આવતો વિવાદ ફરી એકવાર ઉગ્ર બન્યો છે. બ્રિટિશ સાંસદ રુપર્ટ લોવે સંસદ ગૃહમાં એક અત્યંત ચોંકાવનારું અને હૃદયદ્રાવક ભાષણ આપ્યું હતું. તેમણે આ ભયાનક દુર્વ્યવહારનો ભોગ બનેલા અને તેમાંથી જીવતા બચી ગયેલા બહાદુર પીડિતોના સત્તાવાર નિવેદનો અને પુરાવાઓ સંસદ સમક્ષ વાંચી સંભળાવ્યા હતા. સાંસદે જ્યારે આ ગેંગનો ભોગ બનેલી પીડિતાની જુબાની સંભાળી કે પાંજરામાં બંધ કરી છોકરી પર 700 શખ્સોએ બળાત્કાર ગુજાર્યો હતો. જેને સાંભળીને સમગ્ર ગૃહ સ્તબ્ધ થઈ ગયું હતું.
સાંસદ લોવે તમામ લોકપ્રતિનિધિઓને આ પીડિતોની પીડાદાયક વાર્તાઓ સાંભળવા અને આ અમાનવીય કૃત્યો સામે તાત્કાલિક કડક પગલાં લેવા માટે જોરદાર અપીલ કરી હતી. તેમણે ગૃહને જણાવ્યું હતું કે, ગયા વર્ષે તેમના નેતૃત્વ હેઠળ હાથ ધરવામાં આવેલી એક ખાનગી અને સ્વતંત્ર તપાસમાં બ્રિટનના ઓછામાં ઓછા ૮૫ જુદા જુદા વિસ્તારોમાં આવી ગેંગ-આધારિત બાળ જાતીય શોષણની પ્રવૃત્તિઓ ચાલતી હોવાની સત્તાવાર ઓળખ થઈ છે.
સાંસદ લોવેના સત્તાવાર અહેવાલ મુજબ, આ બળાત્કાર ગેંગમાં મુખ્યત્વે પાકિસ્તાની મૂળના પુરુષો સામેલ છે અને આ નેટવર્ક છેલ્લા કેટલાક દાયકાઓથી બ્રિટનમાં સક્રિય છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, આ સમગ્ર કૌભાંડમાં ગુનેગારોની એક ચોક્કસ પેટર્ન જોવા મળી છે, જેમાં મુખ્યત્વે પાકિસ્તાની પુરુષોની સંડોવણી અને સરકારી એજન્સીઓની ઘોર બેદરકારી સ્પષ્ટપણે સાબિત થાય છે. વહીવટીતંત્રની ઉદાસીનતાને કારણે આ દૂષણ આટલા લાંબા સમય સુધી ફૂલ્યું-ફાલ્યું હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો.
સંસદમાં સાંસદ દ્વારા વાંચવામાં આવેલા પીડિતોના નિવેદનો એટલા ભયાનક હતા કે સાંભળનાર કોઈ પણ વ્યક્તિની કંપારી છૂટી જાય. એક પીડિતાએ જણાવ્યું કે જ્યારે તે માત્ર ૧૨ કે ૧૩ વર્ષની નાની ઉંમરની હતી, ત્યારે એક નરાધમે તેના પર જાતીય હુમલો કર્યો હતો. એટલું જ નહીં, ક્રૂરતાની હદ વટાવીને તેના શરીરમાં કાચની ખાલી બોટલ દાખલ કરવામાં આવી હતી, જે અંદર જ તૂટી જતાં તેને ગંભીર આંતરિક ઈજાઓ થઈ હતી.
અન્ય એક પીડિત મહિલાએ જુબાની આપતા કહ્યું કે, આ નરક જેવી જિંદગી ત્યારે શરૂ થઈ જ્યારે તે માત્ર ૧૩ વર્ષની હતી. ત્યારબાદના સતત ત્રણ વર્ષના ગાળા દરમિયાન આશરે ૬૦૦ થી ૭૦૦ જેટલા જુદા જુદા પુરુષો દ્વારા તેના પર અવારનવાર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો.
વધુ એક ચોંકાવનારી જુબાનીમાં એક મહિલાએ જણાવ્યું કે તેણે પોતાની આંખોથી ૧૫ થી ૨૦ જેટલી અસહાય મહિલાઓને પાંજરામાં બંધ જોયેલી હતી. આ સિવાય પીડિતોને પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા કરવા મજબૂર કરવામાં આવતી હતી અને મદદ કરવાના બદલે લોકો હસીને તેનું શૂટિંગ કરતા હતા.
પીડિતોએ એવો પણ ગંભીર આરોપ લગાવ્યો છે કે આરોપીઓ તેમને માનસિક રીતે તોડી પાડવા માટે ધર્મ અને જાતિનો વ્યવસ્થિત ઉપયોગ કરતા હતા. એક શ્વેત પીડિતાએ જણાવ્યું કે આરોપીઓ સતત એવી સરખામણી કરતા કે શ્વેત અને ખ્રિસ્તી છોકરીઓનું કોઈ ચારિત્ર્ય કે મૂલ્ય હોતું નથી, જ્યારે મુસ્લિમ છોકરીઓ ઉચ્ચ દરજ્જો ધરાવે છે. આ માનસિકતાના સહારે તેઓ પોતાના કુકર્મોને યોગ્ય ઠેરવતા હતા. જ્યારે કોઈ છોકરી ગળામાં પવિત્ર ક્રોસ (ધાર્મિક પ્રતીક) પહેરતી, ત્યારે પણ તેની મજાક ઉડાવીને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવામાં આવતી હતી.
આ સમગ્ર મામલામાં બ્રિટનની કાયદો-વ્યવસ્થા અને આરોગ્ય પ્રણાલી સામે પણ ગંભીર આંગળી ચિંધાઈ છે. એક પીડિતાએ આરોપ લગાવ્યો છે કે આ નરક જેવી સ્થિતિ દરમિયાન દેશના અલગ-અલગ ભાગોમાં કેટલાક પોલીસ અધિકારીઓ દ્વારા પણ તેનું શોષણ કરવામાં આવ્યું હતું. અન્ય એક પીડિતાએ જણાવ્યું કે ૧૫ વર્ષની ઉંમરે ગંભીર રક્તસ્ત્રાવના કારણે જ્યારે તે હોસ્પિટલ ગઈ, ત્યારે તબીબોએ ડરના માર્યા સત્ય ન જણાવનારી આ કિશોરીની સ્થિતિ પાછળનું સાચું કારણ જાણવાનો કે કોઈ પ્રશ્ન પૂછવાનો પ્રયાસ સુદ્ધાં ન કર્યો અને માત્ર પ્રાથમિક દવા આપીને રજા આપી દીધી.
બ્રિટિશ કાયદાકીય સંદર્ભમાં 'ગ્રુમિંગ ગેંગ્સ' એટલે એવો ગુનાહિત ટ્રેન્ડ, જ્યાં આર્થિક કે સામાજિક રીતે નબળા અને અસુરક્ષિત બાળકો અથવા કિશોરોને ડ્રગ્સની લત લગાડીને, લાલચ આપીને કે ડરાવી-ધમકાવીને લાંબા સમય સુધી અનેક પુરુષો દ્વારા જાતીય શોષણનો ભોગ બનાવવામાં આવે છે. બ્રિટનના રોધરહામ, રોચડેલ અને ઓલ્ડહામ જેવા શહેરોમાં થયેલી સત્તાવાર તપાસ બાદ આ આખું કૌભાંડ ક્રમશઃ બહાર આવ્યું છે.
સાંસદ રુપર્ટ લોવે પોતાના ભાષણના અંતે ચેતવણી આપી હતી કે આગામી દિવસોમાં આ સ્વતંત્ર તપાસનો જે સંપૂર્ણ અહેવાલ સત્તાવાર રીતે જાહેર થવાનો છે, તે બ્રિટનના સામાજિક અને રાજકીય ચિત્રને હંમેશા માટે બદલી નાખશે. તેમણે દેશની સુરક્ષા અને દીકરીઓના રક્ષણ માટે તમામ પક્ષોને રાજનીતિથી પર રહીને તાત્કાલિક નક્કર કાયદાકીય પગલાં ભરવા આહ્વાન કર્યું છે.