જામનગરમાં પ્રતિબંધિત પ્લાસ્ટીકનું ફરી ધુમ વેંચાણ: જામ્યુકોનું તંત્ર મૌન!
૧૨૦ માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટીક પ્રતિબંધિત છે છતાં પણ શાકમાર્કેટ, અનાજ કરિયાણાની દુકાન તથા અનેક જગ્યાએ વેંચાણ થાય છે: છેલ્લા કેટલાક સમયથી મહાપાલિકાના અધિકારીઓ કોઇ કાર્યવાહી કરતા ન હોવાની રાવ
જામનગર શહેરમાં નાની મોટી પ્લાસ્ટીકની કોથળીઓમાં શાકભાજી, કરિયાણુ, તથા અન્ય ચીજવસ્તુઓ ભરવામાં આવે છે, જો કે ડોકટરના કહેવા મુજબ આ પ્લાસ્ટીકમાં ચીજવસ્તુઓ ભરવાથી શરીરમાં નુકશાન થાય છે, પરંતુ જામનગર શહેરમાં શાકમાર્કેટ, અનાજ કરિયાણાની દુકાનો સહિત અન્ય સ્થળોએ બેફામ રીતે પ્લાસ્ટીકનો ઉપયોગ થાય છે. ૨૦૨૨ થી ૧૨૦ માઇક્રોનથી નીચેનું પ્લાસ્ટીક વાપરવા ઉપર સરકારે પ્રતિબંધ ફરમાવી દીધો છે છતાં પણ આ હુકમનો ઉલાળીયો કરીને વેપારીઓ તેમાં ચીજવસ્તુઓ ભરે છે. નવા આવેલા મ્યુ.કમિશનર આ અંગે ઘટતુ કરીને તાત્કાલિક પ્રતિબંધિત પ્લાસ્ટીકનો થતો ઉપયોગ રોકવાની કાર્યવાહી કરવી જોઇએ એવું લોકોમાં બોલાઇ રહ્યું છે.
જામ્યુકોની સુભાષ માર્કેટ, રણજીતનગર શાક માર્કેટ, ખોડીયાર કોલોની અને ગુલાબનગર શાકમાર્કેટ, સાધના કોલોની શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં જે શાકભાજી વેંચાય છે તેમાં વપરાતી કોથળીઓ ૫૦ થી ૬૦ માઇક્રોનની હોય છે, જેમાં શાકભાજીને પણ નુકશાન થાય છે. થોડા સમય પહેલા કોર્પોરેશનના અધિકારીઓએ આ પ્રકારનું ઝુંબેશ ઉઠાવ્યું હતું અને કોથળીઓ જપ્ત કરવાનું શરૂ કર્યું હતું. દરેક ઝુંબેશની જેમ આ ઝુંબેશ થોડો સમય ચાલી હતી પરંતુ પાછળથી સુરસુરિયુ થઇ ગયું હતું.
રાજય સરકારે ૨૦૨૨ પહેલા કોથળી બનવાનું માપ ૭૦ માઇક્રોન રાખી ત્યારબાદ ૨૦૨૨થી ૧૨૦ માઇક્રોન રાખવાનું શરૂ કર્યુ અને હવે આ કાયદો અમલમાં છે. જામનગરમાં ગ્રેઇન માર્કેટ, તથા અન્ય મોટી દુકાનોમાં પણ છૂટથી સસ્તુ અને પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરવામાં આવે છે. કોઇ કોઇને કહેનાર નથી, અને લોકો પણ કપડાની થેલી સાથે રાખતા ન હોય, તેઓ પણ હોંશે હોંશે આવા પ્લાસ્ટીકમાં ભરેલી ચીજવસ્તુઓ લઇ લે છે.
સરકારનો પ્રતિબંધ હોવા છતાં આ પ્રકારનું પ્લાસ્ટીક વાપરવુ ગુનો પણ બને છે, મહિલાઓ આ ઉતરતી કક્ષાની પ્લાસ્ટીકની થેલીમાં ભરેલી શાક સહિતની ચીજવસ્તુઓ ફ્રીજમાં રાખે છે જેનાથી હવા પરિભ્રમણ અને ભેજનું સંતુલન જળવાતુ ન હોવાને કારણે સીલબંધ પ્લાસ્ટીકમાં મુકાયેલી ચીજવસ્તુઓ બગડી જાય છે અને કયારેક દુર્ગંધ પણ આવે છે. કોઇક વખત એવુ બને છે કે આ પ્રકારનું પ્લાસ્ટીક ખરાબ હોય, શાકભાજી તરત જ ફ્રીજમાં રાખ્યા હોવા છતાં પણ સડી જાય છે.
આ અગાઉ કોર્પોરેશનની ટીમ શાકમાર્કેટ, ગ્રેઇન માર્કેટ, અને અન્ય મોટા વેપારીઓને ત્યાં ચેકીંગ કરવા જતી હતી અને થોડી ઘણી પ્લાસ્ટીકની બેગો જપ્ત પણ કરતી હતી અને રૂ. ૧૦૦૦ સુધીનો દંડ લેતી હતી. તેમજ વેપારીઓમાં કડક સુચના આપી હતી કે બીજી વખત આ પ્રકારનું પ્લાસ્ટીક વાપરશો તો તમને વધુ દંડ કરવામાં આવશે. હવે તો આ બધુ બંધ થઇ ગયું છે ચેકીંગ કરવામાં આવતું નથી, ખુલ્લેઆમ પ્લાસ્ટીક વપરાય છે, આરોગ્યને નુકશાન પણ થાય છે પરંતુ કોઇ કડક પગલા લેવામાં આવતા નથી. ગામડાઓમાં પણ પ્લાસ્ટીકનો બેફામ ઉપયોગ થાય છે, પરંતુ ત્યાં તો કોઇ ચેકીંગ કરવાવાળુ હોતુ નથી તેને કારણે છૂટથી ઉપયોગ થાય છે.
પ્રતિબંધિત પ્લાસ્ટીક કોર્પોરેશન શા માટે જપ્ત કરતા નથી?
જામનગર શહેરમાં શાક માર્કેટ, ગ્રેઇન માર્કેટ, અને અન્ય મોટી માર્કેટમાં આવેલી દુકાનોમાં ૧૨૦થી નીચેનું માઇક્રોન બેફામ વપરાય છે. કોઇ આ બધુ ચેક કરતુ નથી, પહેલા આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી હતી હવે તો કોઇ જ કાર્યવાહી બંધ થઇ ચુકી છે. પ્રતિબંધિત પ્લાસ્ટીકનું ધોમ વેંચાણ થાય છે, વેપારીઓ કે શાક વેચતા લોકો ઉપર કોર્પોરેશનનો કોઇ અંકુશ નથી તેવુ લાગી રહ્યું છે, ત્યારે નવા આવેલા મ્યુ. કમિશનર દીપેશ કેડીયાએ આ અંગે અધિકારીઓને પ્રતિબંધિત પ્લાસ્ટીક વાપરનારાઓ સામે કડક કાર્યવાહી કરવા આદેશ આપવો જોઇએ અને શહેરમાં ફરીથી પ્લાસ્ટીક જપ્ત કરવાની ઝુંબેશ શરૂ કરી દેવી જોઇએ.