રાજસ્થાનના સાચોરની હોટલના માલિકે રાજકોટ મોકલેલ વિદેશી દારૂ સુરેન્દ્રનગર એલસીબી ટીમે વીરમગામ-લખતર હાઈવે પરથી પીકઅપની પાછળ સ્ટીલના પાઈપમાં નવતર સીસ્ટમ બનાવી લાવતા દારૂની ૮૦૨ બોટલ, વાહન, મોબાઈલ સહિત રૂપીયા ૮ લાખથી વધુની મત્તા સાથે બે રાજસ્થાની શખ્સોને ઝડપી લઈ ચાર સામે ફરિયાદ નોંધવામાં આવી છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ સુરેન્દ્રનગર એલસીબી ટીમને મળેલ બાતમીના આધારે પેટ્રોલીંગ દરમીયાન વિરમગામથી રાજકોટ આવતી પીકઅપમાં વિદેશી દારૂ હોવાની ચોક્કસ હકીકત મળતા પોલીસે લખતર તાલુકાના વિઠ્ઠલગઢથી વિઠ્ઠલાપરા જવાના રસ્તે વોચ ગોઠવી હતી.
તે વેળાએ શંકાસ્પદ પીકઅપ આવતા તેને રોકી તપાસ કરાતા પીકઅપની પાછળ સ્ટીલના પાઈપમાં સીસ્ટમ બનાવી દારૂની હેરફેર કરાતી હતી. પોલીસે રાજસ્થાનના ઝાલોરના કૌટુંબીક ભાઈઓ પીકઅપ ચાલક પ્રકાશ મોહનભાઈ સારણ અને મનોહર લાડુરામભાઈ સારણને ઝડપી લીધા હતા.
ઝડપાયેલા શખ્સોની પુછપરછમાં આ દારૂ રાજસ્થાનના સાંચોરના માકાપુરા ખાતે હોટલ ચલાવતા રાહુલે આ દારૂ રાજકોટ મોકલવા પીકઅપ સહિત ભરીને આપ્યો હતો. અને રાજકોટથી ૧૦ કીમી અગાઉ તેને જાણ કરવાથી કોઈ માણસ આવીને પીકઅપ લઈ જવાનો હતો.
પોલીસે રૂપીયા ૮ લાખની પીકઅપ, દારૂની નાની મોટી ૮૦૨ બોટલ, બીયરના ૭૨ ટીન, ૨ મોબાઈલ સહિત બન્ને આરોપીઓની રૂપીયા ૮,૧૦,૭૬૮ની મત્તા સાથે ધરપકડ કરી હતી. અને દારૂ મોકલનાર રાહુલ, પીકઅપના માલીક સહિત ૪ સામે લખતર પોલીસ મથકે ગુનો નોંધી વધુ તપાસ એચસી વાય.જી.રાઠોડ ચલાવી રહ્યા છે.