રાજકોટ શહેરમાં સામા કાંઠા વિસ્તારના રણછોડનગરમાં રહેતા વૃદ્ધા અને તેના બહેને સોખડા ખાતે સહિયારી ભાગીદારીની કીમતી બે એકર બે ગુઠા જમીન આવેલી હોય જે જમીન પચાવી પાડવા માટે મોટા બેનના પુત્ર એવા વકીલે માસીની જાણ બહાર 17 વર્ષ પૂર્વે માસીના નામે કુલમુખત્યારનામુ ઊભૂ કરી આ જમીનનો બારોબાર વેચાણ દસ્તાવેજ બનાવી નાખ્યાનું ધ્યાને આવતા આ કૌભાંડ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા ત્રણ સામે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ રાજકોટ શહેરના સામા કાંઠા વિસ્તારમાં આવેલા રણછોડ નગર માં રહેતા સવિતાબેન કેશવભાઈ લીંબાસીયા ઉ.વ. 66 વાળા એ રાજકોટ ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદી સવિતાબેન લીંબાસીયા એ જણાવ્યા મુજબ તેઓની સોખડા ગામે બે એકર બે ગુઠા જમીન તેના મોટા બહેન મંજુલાબેન પરસોતમભાઈ લીલા સાથે ભાગીદારીમાં ખરીદ કરેલ હતી આ જમીન તેના સગાભાઈ રવજીભાઈ નંદાણી પાસેથી વર્ષ 1996માં ખરીદ કરી હતી અને આ જમીન બંને બહેનો નામે સંયુક્ત દસ્તાવેજ કરવામાં આવ્યો હતો.
આ જમીન બહેન સાથે ભાગીદારીમાં હોય જેથીતે જમીન બાબતે ક્યારેય ધ્યાન આપ્યું ન હતું પરંતુ ત્રણ વર્ષ પૂર્વે આ જમીન બાબતે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે વર્ષ 2008માં મોટા બહેન મંજુલાબેહેને કુલમુખત્યારનામુ દામજીભાઈ પેથાભાઈ ચૌહાણને કરી આપેલ હતું અને તેનો વેચાણ દસ્તાવેજ પણ કરી આપ્યું હતું પરંતુ આ અંગે તેઓને કોઈ જાણ કરવામાં આવીન હતી.
જેથી આવું કેમ બન્યું તે અંગે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મોટા બહેન મંજુલાબહેનનો પુત્ર ભાણેજ પરેશ પરસોતમભાઈ લીલા જે વકીલ હોય અને તેને જમીન અંગે અગાઉથી જ સ્ટેમ્પ પેપર ખરીદ કરી કુલમુખત્યારનામાં માં લખાણ કરી માસી સવિતાબેન ની ખોટી સહીઓ કરી વેચાણ દસ્તાવેજ કરી કૌભાંડ આચર્યું હોવાનું ધ્યાને આવ્યું હતું.
જેથી સવિતાબેન એ આ અંગે ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ ડોક્યુમેન્ટની ચકાસણી કર્યા બાદ સહી સહિતના નમુના નું પરીક્ષણ એફએસએલમાં મોકલી આપ્યા હતા. જે અંગેનો એફએસએલ રિપોર્ટ આવતા સહી ખોટી હોવાનો રિપોર્ટ આવતા ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ એમઆર ગોંડલીયા ની સૂચનાથી ડીસીબીના પી.એસ.આઇ ચંદ્રસિંહ જાડેજા અને ટીમે ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.
ક્રાઈમ બ્રાન્ચે આરોપી એવા વકીલ પરેશ પરસોત્તમભાઈ લીલા તેના માતા મંજુલાબેન પરસોતમભાઈ લીલા અને તેના ભાઈ અશ્વિન પરસોતમભાઈ લીલા સામે ગુનો દાખલ કરી આરોપી એવા વકીલ પરેશ લીલાની ધરપકડ કરી અન્ય આરોપીઓની શોધખોળ શરૂ કરી છે તેમજ ઝડપાયેલા આરોપીના રિમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી છે.