વડાપ્રધાન નરેન્દ્ર મોદીના બે દિવસીય ઈઝરાયેલ પ્રવાસનો આજે સમાપન દિવસ છે. આ મુલાકાત દરમિયાન બંને દેશોએ સંરક્ષણ સિવાય આર્થિક અને ડિજિટલ કનેક્ટિવિટી પર વિશેષ ભાર મૂક્યો છે. પ્રવાસના બીજા દિવસે પીએમ મોદીએ યરૂશલેમમાં ભાવુક શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને ત્યારબાદ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન સાથે મહત્વની બેઠકો કરી હતી.
60 લાખ યહૂદીઓને શ્રદ્ધાંજલિ
દિવસની શરૂઆતમાં પીએમ મોદી યરૂશલેમ સ્થિત હોલોકોસ્ટ મેમોરિયલ ‘યાદ વાશેમ’ પહોંચ્યા હતા. અહીં તેમણે હિટલરના નાઝી શાસન દરમિયાન કૂરતાનો ભોગ બનેલા અને જીવ ગુમાવનારા 60 લાખ યહૂદીઓને શ્રદ્ધાંજલિ આપી હતી. આ મુલાકાત બંને દેશો વચ્ચેના સંવેદનશીલ અને ગાઢ સંબંધોનું પ્રતીક બની રહી હતી.
ભારતીય અર્થતંત્રની પ્રશંસા અને આમંત્રણ
ત્યારબાદ પીએમ મોદીએ ઈઝરાયેલના રાષ્ટ્રપતિ ઈસાક હર્ઝોગ સાથે મુલાકાત કરી હતી. રાષ્ટ્રપતિ હર્ઝોગે ભારતની ઝડપથી વધતી અર્થવ્યવસ્થાના વખાણ કરતા કહ્યું કે, ભારતની આર્થિક પ્રગતિ આજે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચી રહી છે. વળતા પ્રતિસાદમાં વડાપ્રધાન મોદીએ ઈઝરાયેલી રાષ્ટ્રપતિને ભારત આવવા માટે સત્તાવાર આમંત્રણ આપ્યું હતું.
ઈઝરાયેલમાં UPI નો પ્રવેશ
સૌથી મહત્વની જાહેરાત પીએમ મોદી અને વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુની દ્વિપક્ષીય બેઠક બાદ થઈ હતી. હવે ઈઝરાયેલમાં પણ ભારતની UPI પેમેન્ટ સિસ્ટમ કાર્યરત થશે, જે ભારતીય પ્રવાસીઓ અને વેપારીઓ માટે મોટી રાહત સાબિત થશે. પીએમ મોદીએ જાહેરાત કરી હતી કે ભારત અને ઈઝરાયેલ ટૂંક સમયમાં ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) પર હસ્તાક્ષર કરશે, જેનાથી બંને દેશો વચ્ચેના વેપારમાં અનેકગણો વધારો થશે.
સંસદમાં ઐતિહાસિક સન્માન
બુધવારે ઈઝરાયેલ પહોંચેલા પીએમ મોદીનું તેલ અવીવ એરપોર્ટ પર વડાપ્રધાન નેતન્યાહુ અને તેમના પત્ની સારાએ ભવ્ય સ્વાગત કર્યું હતું. ત્યારબાદ તેઓ ઈઝરાયેલની સંસદ 'નેસેટ'ને સંબોધિત કરનારા પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા હતા. આ પ્રસંગે તેમને સંસદનું સર્વોચ્ચ સન્માન ‘સ્પીકર ઓફ ધ નેસેટ મેડલ’ આપીને નવાજવામાં આવ્યા હતા.