અમદાવાદમાં ખ્યાતિકાંડના સમગ્ર ગુજરાતમાં પડઘા પડ્યા હતા. ત્યારે ખ્યાતિકાંડ જેવો જ વધુ એક કાંડ જામનગરમાંથી સામે આવ્યો છે. જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટે 105 દર્દીની જરૂર વિના કાર્ડિયાક સર્જરી કરી નાખ્યાની રાજ્યના આરોગ્ય વિભાગને જાણ થતા તાબડતોબ કાર્યવાહી કરી છે. આરોગ્ય વિભાગે આ હોસ્પિટલને પીએમજેએવાય યોજનામાંથી સસ્પેન્ડ કરી નાખી છે. તેમજ હોસ્પિટલને છ લાખથી વધુનો દંડ અને ડો. ડો.પાર્શ્વ વ્હોરાને સસ્પેન્ડ કરી દીધા છે.
આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાના નેતૃત્વમાં આરોગ્ય વિભાગ દ્વારા સરકારી યોજનામાં ગેરરીતિ આચરતી હોસ્પિટલો સામે સતત કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જે અંતર્ગત જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટમાં પીએમજેએવાયમાં યોજનાની માર્ગદર્શિકાનું પાલન થતું ન હોવાથી અને ગેરરીતિ આચરતી હોવાથી આ યોજનાની કામગીરીમાંથી સસ્પેન્ડ કરવામાં આવી છે. આ હોસ્પિટલને કુલ ૧૦૫ કાર્ડિયાક પ્રોસિઝરમાં ગેરરીતિ બદલ રૂ. ૬ લાખથી વધુનો દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
આ અંગે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયાએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર આરોગ્ય સેવાઓને વધુ સુચારૂ, પારદર્શક અને લોકહિતકારી બનાવવા સતત પ્રયત્નશીલ છે. પીએમજેએવાય યોજના એ ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો માટે આશીર્વાદ સમાન છે, આથી કોઈપણ પ્રકારની ગેરરીતિ કે માનવતા વિરોધી બેદરકારી સહન કરવામાં નહીં આવે.
આરોગ્ય મંત્રી પાનશેરીયાએ કહ્યું હતું કે, જામનગરની જેસીસી હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ડો.પાર્શ્વ વ્હોરા દ્વારા કાર્ડિયોલોજી અને કાર્ડિઓવાસ્ક્યુલર થોરાસિક સર્જરીમાં કરવામાં આવતી ક્ષતિના કારણે તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ હોસ્પિટલ દ્વારા પીએમજેએવાયના કેસમાં લેબોરેટરી રિપોર્ટમાં અને એક કેસમાં ઈસીજી રિપોર્ટમાં છેડછાડ કરી લાભાર્થીઓને કાર્ડિયાક પ્રોસીજરની જરૂરિયાત હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ ઉપરાંત રાજ્ય કક્ષાએથી આ હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા ૨૬૨ કેસની વધુ તપાસ કરાવતા ૫૩ કેસમાં વિસંગતા જોવા મળી હતી. જેમાં જરૂર ના હોય તેવા કેસમાં પણ કાર્ડિયાક પ્રોસીજર કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.
વધુમાં, આરોગ્ય મંત્રીએ ઉમેર્યું હતું કે, આકસ્મિક નિરીક્ષણ દરમિયાન યોજનાની માર્ગદર્શિકાનું પાલન ન થતું હોવાનું જણાતાં રાજ્યની બે ખાનગી હોસ્પિટલોને દંડ કરીને તાકીદ કરવામાં આવી હતી. આ હોસ્પિટલો પૈકી પાલનપુરની સદભાવના હોસ્પિટલમાં એમ્પેનલ્ડ ડોક્ટર સિવાયના ડોક્ટર દ્વારા સર્જરી કરવામાં આવતા અને જૂનાગઢની સમન્વય હોસ્પિટલને નિયત કરેલ પેકેજ કરતાં દર્દી પાસે વધુ રૂપિયાની લાલચે અન્ય પેકેજ બુક કરવા બદલ રૂ. ૫૦-૫૦ હજારનો દંડ કરવામાં આવ્યો છે.