જામનગરનો એક યુવાન મુંબઇના એરપોર્ટ પર ૬ કરોડના ગાંજાના જથ્થા સાથે ઝડપાતા ચકચાર મચી ગઇ છે, કસ્ટમ અધિકારીઓના ચેકીંગમાં યુવાનના સામાનમાંથી ૧૨ પેકેટ ગાંજાના મળી આવ્યા હતા, હાઇડ્રોપોનીક ગાંજો જંગી કમિશનની લાલચે લાવ્યો હોવાની કબુલાત કરતા આ દિશામાં તપાસના ચક્રો ગતીમાન કરવામાં આવ્યા છે.
મુંબઇ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર કસ્ટમ અધિકારીઓએ બેંગકોકથી આવેલ જામનગરના એક યુવાન કે.એમ. ત્રિવેદી પાસેથી ૬ કરોડ રૂપિયાની કિંમતો છ કિલોગ્રામ હાઇડ્રોપોનિક ગાંજો જપ્ત કર્યો હતો, આ ઘટના બાદ કસ્ટમ અધિકારીઓએ વ્યાપક ડ્રગ નેટવર્કને શોધવા માટે તપાસ શરૂ કરી છે.
આ બાબતે કસ્ટમ્સ સુત્રોના જણાવ્યા અનુસાર રવિારે બેંકોકથી મુંબઇના છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ (સીએમએમઆઇ) એરપોર્ટ પર પહોચ્યા બાદ ત્રિવેદીને અટકાવવામાં આવ્યો હતો. તેના સામાનની તપાસ કરવામાં આવતા ૧૨ પેકેટ મળી આવ્યા હતા.
આ પેકેટમાંથી સેમ્પલ કાઢી તપાસ કરવામાં આવતા તે હાઇડ્રોપોનિક ગાંજો હોવાનું પરીક્ષણમાં બહાર આવ્યુ હતું, અધિકારીઓએ જપ્ત કરેલ ગાંજો લીલા રંગના સૂકા પાંદડાવાળા ગઠ્ઠાના સ્વરૂપમાં હતો, આ પદાર્થ પ્રતિબંધિત હોય અનેડીપીએસ એકટની વિવિધ કલમો હેઠળ ત્રિવેદી સામે ગુનો નોંધી તેની ધરપકડ કરવામાં આવી હતી, ત્રિવેદીએ પોતે ટૂંકા સમયમાં જંગી કમિશનની લાલચે આ કૃત્ય કર્યુ હોવાનું કબુલ્યુ હતું.
એજન્સીના અધિકારીઓ તપાસ કરી રહયા છે કે ત્રિવેદીને બેંગકોકમાં કોણે ડ્રગ્સ પુરું પાડયું હતું અને મુંબઇમાં આ ક્ધસાઇનમેન્ટ કોને મળવાનું હતું. આ ઉપરાંત ત્રિવેદી ભુતકાળમાં આવી કોઇ પ્રવૃતિમાં સંડોવાયેલો હતો કે કેમ તેની પણ તપાસ હાથ ધરી છે. અધિકાીઓએ આ બાબતે જણાવ્યુ હતું કે અત્યા સુધી કરવામાં આવેલી પ્રાથમિક તપાસ અને આરોપી દ્વારા આપવામાં આવેલા નિવેદનમાં અન્ય વ્યકિતઓની સંડોવણીનો ખુલાસો થયો છે.
આ કેસમાં તપાસ ખૂબ જ પ્રારંભિક તબકકામાં હોવાથી આરોપીઓના મુખ્ય સહયોગીઓને ઓળખવા અને પકડવાના પ્રયાસો પણ કરવામાં આવી રહયા છે તેવું અધિકારીઓએ જણાવ્યુ હતું.