જામનગરમાં પટેલોકોલોની-૯ નંબર સહિતના આજુબાજુના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ગટરનું દુર્ગંધયુકત પાણી નળની લાઇન સાથે ભળી જતાં ૪થી વધુ લોકો બિમાર થયા છે, લોકોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો છે, ગઇકાલે આ વિસ્તારના લોકોએ કોર્પોરેશનમાં સામુહીક રજૂઆત કરતા કોર્પોરેશન હરકતમાં આવ્યું છે અને જુના પાઇપ બદલાવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ દુષીત પાણીને કારણે કેટલાક લોકોને બિમારી થઇ હોવાની ચોંકાવનારી વિગતો બહાર આવી છે.
પટેલકોલોની જેવા પોસ વિસ્તારમાં લોકોના કહેવા મુજબ છેલ્લા કેટલાક સમયથી પીવાનું પાણી જે નળ વાટે આવે છે તેમાં દુર્ગંધ આવે છે અને પાણી પીવાલાયક નથી, આ દુષીત પાણીને કારણે લોકોના આરોગ્ય ઉપર પણ ખતરો ઉભો થયો છે, આ પ્રકારે પહેલા પણ કોર્પોરેશનમાં રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તંત્ર તરફથી કોઇ સાનુકુળ પગલા ન લેવાતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો હતો. ગઇકાલે કોંગ્રેસે અને આ વિસ્તારના લોકોએ આવેદનપત્ર આપ્યું હતું અને તાત્કાલીક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.
આ વિસ્તારમાં સ્વચ્છ પાણી મળે તે માટે કોર્પોરેશને ઝડપથી કાર્યવાહી કરવી જોઇએ, આજકાલ સાથેની વાતચીતમાં વોટર વર્કસ શાખાના કાર્યપાલક ઇજનેર નરેશ પટેલે જણાવ્યું હતું કે, પટેલકોલોની-૯ વિસ્તારમાં ખરાબ પાણી આવે છે તેવી ફરિયાદ મળી છે, કેટલીક જુની પાઇપલાઇન તુટી ગઇ હોય તેમાં ગટરનું પાણી ભળી જતું હોવાની પણ વાત ઘ્યાને આવી છે, એટલે આ જુની પાઇપલાઇન બદલવાની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે અને લોકોને પણ પાઇપ બદલાવવાની કાર્યવાહીમાં સહકાર આપવા જણાવાયું છે.
પટેલકોલોની જેવા વિસ્તારમાં દુષીત પાણી અંગે ખુદ લોકોએ અવારનવાર રજૂઆત કરી છે, પરંતુ વોટર વર્કસ વિભાગે તેની ગંભીરતા સમજી નથી, જેને કારણે લોકોને ખુબ જ મુશ્કેલી પડે છે, આ વિસ્તારમાં બે લાઇન છે જેમાં એક જુની લાઇન છે તેવા કનેકશનોમાંથી આવતું પાણી ખરાબ આવે છે તેવી વાત અધિકારીઓએ સ્વીકાર્યુ છે ત્યારે ઝડપથી આ વિસ્તારમાં જુની પાઇપ ખસેડીને નવી પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવે તે ખુબ જ જરૂરી છે. ખરાબ પાણીથી અમારા આરોગ્ય ઉપર પણ જોખમ છે તેવી વાત આ વિસ્તારના લોકોએ કરી છે.