BREAKING NEWS

દિગ્વિજયસિંહજીને મરણોત્તર ભારત રત્ન આપવા જામનગરમાં સર્વ સમાજની માંગ

  • December 29, 2025 06:36 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જામનગરના પૂર્વ રાજવી જામસાહેબ દિગ્વિજયસિંહજીને મરણોત્તર ભારત રત્નનું રાષ્ટ્રીય સન્માન આપવા માટે આજે જામનગરની તમામ મુખ્ય જ્ઞાતિના અગ્રણીઓએ જિલ્લા કલેકટર કચેરી ખાતે જઇને નવાનગર સ્ટેટના આ રાજવીને યોગ્ય સન્માન મળે તે માટે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને ઉદેશીને એક આવેદનપત્ર અપાયું હતું. 


આજે બપોરે દિગ્વિજયસિંહજીને મરણોત્તર ભારત રત્ન એવોર્ડ આપવા માટે રાજપૂત સમાજ, પટેલ, લોહાણા, બ્રાહ્મણ, ઓશવાળ મહાજન, જૈન, સિંધી, શીખ, ભાનુશાળી, સતવારા સહિતના સમાજના આગેવાનોએ પોતાના લેટરપેડ ઉપર આવેદનપત્ર આપીને આ એવોર્ડ દિગ્વિજયસિંહજીને મળે તે માટે આવેદનપત્રમાં માંગણી કરી છે. 


આ કાર્યક્રમમાં પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા), લોહાણા સમાજના ગુજરાતના પ્રમુખ જીતુભાઇ લાલ, પટેલ સમાજના પ્રમુખ મનસુખભાઇ રાબડીયા, બ્રહ્મસમાજના જિલ્લા પ્રમુખ આશીષ જોશી, જૈન મહાજન સમાજના ઓતમચંદ શાહ, સિંધી સમાજના ઘનશ્યામદાસ ગંગવાણી, ભરતભાઇ મોદી, ચેમ્બરના પૂર્વ પ્રમુખ બિપેન્દ્રસિંહ જાડેજા, માજી સૈનિક મંડળના પ્રમુખ ભરતસિંહ જાડેજા સહિતના લગભગ મોટાભાગના સમાજના આગેવાનો જોડાયા હતાં. ઉપરાંત ભાનુશાળી સમાજના અગ્રણીઓ પણ આ કાર્યક્રમમાં જોડાયા હતાં. 

​​​​​​​

મહારાજા દિગ્વિજયસિંહજી સ્ટેટના રાજવી અને પ્રિન્સલી સ્ટેટના વડા હતાં, અખંડ ભારતની રચનામાં તેમનો સહયોગ ખુબ જ હતો, તેઓ સ્ટેટના વડા હોવાના નાતે ૪૫૪ રજવાડાઓને એક તાંતણે બાંધવાના હતાં અને ગાંધીજી તેમજ સરદાર પટેલની કુનેહને કારણે કાશ્મીર, હૈદરાબાદ અને જુનાગઢનો પ્રશ્ર્ન પેચીદો બન્યો હતો, ત્યારબાદ આ કામ ઉકેલાયું હતું તેથી તેમને ભારત રત્ન આપવા માંગણી છે. પોલેન્ડમાં ગુડ મહારાજા નામની સ્ટ્રીટ આવેલી છે ત્યાં મહારાજા જામસાહેબનું સ્ટેચ્યુ મુકવામાં આવ્યું છે, તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ આ સ્થળની મુલાકાત લીધી હતી, ત્યારબાદ મન કી બાતમાં પણ ઉલ્લેખ કર્યો હતો. 


મહારાજા દિગ્વિજયસિંહ ૧૪ એપ્રિલ ૧૯૩૩માં ગાદીએ આવ્યા હતાં અને પૂર્વ કાળમાં બ્રિટીસ લશ્કરમાં પણ તેઓ ઉચ્ચ હોદો ધરાવતાં હતાં, સંસ્કૃત પાઠશાળા તેમજ શિક્ષણ ક્ષેત્રે પણ તેમનું આર્થિક યોગદાન હતું, તેમને તમામ પ્રાચીન દેવાલયોનો ર્જીણોઘ્ધાર કર્યો હતો અને લગભગ ૪૦ હજાર જેટલા નવા કુવા ખોદવામાં પણ રાજવી પરીવારથી આર્થિક મદદ મળી હતી. આમ તેઓના આ યોગદાનને કારણે મરણોત્તર ભારત રત્નનું રાષ્ટ્રીય સન્માન આપવા તમામ જ્ઞાતિના અગ્રણીઓએ માંગણી કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application