નિમય પુરોહિતે દેશભરના 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા 16મો રેન્ક પ્રાપ્ત કરી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું
રાજકોટ ધોરણ-12 સાયન્સમાં એ ગ્રૂપના વિદ્યાર્થીઓની એન્જિનિયરિંગમાં પ્રવેશ માટેની જેઈઈ મેઈનનું બીજા અને ફાઇનલ તબક્કાનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં પ્રથમ સિઝનમાં ગુજરાતમાં રાજકોટ એલન ઇન્સ્ટિટ્યૂટનો વિદ્યાર્થી નિમય પુરોહિત ટોંચના સ્થાન પર રહ્યો હતો. પ્રાપ્ત વિગત મુજબ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા ગઈકાલે રાત્રે જેઈઈ મેઈન-2026નું ફાઈનલ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટે ફરી એકવાર શૈક્ષણિક ક્ષેત્રે દેશમાં પોતાની ધાક જમાવી છે. એલન રાજકોટના તેજસ્વી વિદ્યાર્થી નિમય પુરોહિતે જાન્યુઆરીના પ્રથમ સત્ર બાદ એપ્રિલમાં લેવાયેલી બીજા સત્રની પરીક્ષામાં પણ 100 પર્સેન્ટાઈલ પ્રાપ્ત કરી સમગ્ર ગુજરાતનું નામ રોશન કર્યું છે. નિમયે દેશભરના 15.38 લાખથી વધુ વિદ્યાર્થીઓ વચ્ચે ઓલ ઈન્ડિયા 16મો રેન્ક પ્રાપ્ત કરી રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ વર્ષે જેઈઈ મેઈન માટે દેશભરમાંથી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. જેમાંથી 15,38,468 વિદ્યાર્થીએ પરીક્ષા આપી હતી. ગુજરાતની વાત કરીએ તો આશરે 1,56,038 વિદ્યાર્થીઓ (એસસી, એસટી, ઓબીસી, ઈડબલ્યુએસ અને જનરલ કેટેગરી) મેદાનમાં હતા, જેમાં રાજકોટ સેન્ટર પરથી 2,000થી વધુ વિદ્યાર્થીએ જેઈઈ મેઈન્સની પરીક્ષા આપી હતી. આ સ્કોર સાથે દેશના ટોચના 2,50,000 વિદ્યાર્થી હવે જેઈઈ એડવાન્સ્ડ માટે લાયક ઠર્યા છે. રાજકોટના સફળ થયેલા વિદ્યાર્થીઓમાં અત્યારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.