BREAKING NEWS

અભી બોલા અભી ફોક: શાંતિ કરારના કલાકોમાં જ ઇઝરાયલનો ગાઝા પર બોમ્બમારો

  • October 10, 2025 10:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઇઝરાયલ અને ગાઝા વચ્ચે પ્રારંભિક શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હોવાની ટ્રમ્પની જાહેરાતના કલાકોમાં જ આ શાંતિ કરારની પીપુડી બેસૂરી બની ગઈ હતી અને ઇઝરાયલે ગાઝા પર બોમ્બમારો શરુ કરી દીધો હતો જેમાં એક બહુમાળી ઇમારત ધરાશાયી થતા 30ના મોત થયા હતા જયારે અનેક લોકો કાટમાળ હેઠળ દટાયા હોવાની આશંકાએ બચાવ કાર્ય ચાલી રહ્યું હોવાનું સુત્રોએ જણાવ્યું છે.

ગુરુવારે રાત્રે ઇઝરાયલે ગાઝા શહેર પર મોટો હવાઈ હુમલો કર્યો. આ હુમલો ત્યારે થયો જ્યારે ઇઝરાયલી કેબિનેટ યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની "ગાઝા શાંતિ યોજના" પર મતદાન કરવા માટે બેઠક કરી રહી હતી, જેનો હેતુ ગાઝા યુદ્ધને કાયમી ધોરણે સમાપ્ત કરવાનો છે.

હમાસ-નિયંત્રિત સુરક્ષા એજન્સીએ અહેવાલ આપ્યો છે કે ગાઝા શહેરના સાબ્રા વિસ્તારમાં થયેલા હુમલાને કારણે એક બહુમાળી ઇમારત ધરાશાયી થઈ હતી, જેમાં કાટમાળ નીચે આશરે 40 લોકો દટાઈ ગયા હતા. ઇઝરાયેલી સૈન્યએ હુમલાની પુષ્ટિ કરી હતી અને કહ્યું હતું કે લક્ષ્ય હમાસના આતંકવાદીઓ હતા.

ગાઝાની નાગરિક સંરક્ષણ એજન્સીએ અહેવાલ આપ્યો છે કે અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે ડઝનેક હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા છે. દરમિયાન, અલ-શિફા હોસ્પિટલના ડિરેક્ટર મોહમ્મદ અબુ સલ્મિયાએ અહેવાલ આપ્યો છે કે બુધવાર સાંજથી 30 પેલેસ્ટિનિયન માર્યા ગયા છે. આઈડીએફના નિવેદન અનુસાર, "અમે હમાસના આતંકવાદીઓને નિશાન બનાવ્યા હતા જે ઇઝરાયેલી સૈનિકોની નજીક હતા અને તેમના માટે તાત્કાલિક ખતરો હતા.

ગાઝામાં યુદ્ધવિરામનું નિરીક્ષણ કરવા માટે આશરે 200 યુએસ સૈનિકોની એક ટીમ તૈનાત કરવામાં આવશે. ઇઝરાયેલ અને હમાસ વચ્ચે તાજેતરના યુદ્ધવિરામ કરારની સફળતા સુનિશ્ચિત કરવા અને બંધકોને મુક્ત કરવાની પ્રક્રિયામાં મદદ કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે.


ટ્રમ્પે યુદ્ધવિરામ કરારની જાહેરાત કરી હતી

હુમલાના થોડા કલાકો પહેલા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ઇઝરાયલ અને હમાસ યુદ્ધવિરામના પ્રથમ તબક્કા પર સંમત થયા છે. તેમના મતે, "ઇઝરાયલી સરકાર આ કરારને મંજૂરી આપતાની સાથે જ યુદ્ધ તાત્કાલિક સમાપ્ત થઈ જશે." ટ્રમ્પે કહ્યું કે આ કરાર બંધકોની મુક્તિ માટેનો માર્ગ પણ મોકળો કરશે અને આશા વ્યક્ત કરી કે બધા બંધકોને 1-2 દિવસમાં મુક્ત કરવામાં આવશે.

ઇઝરાયલી વડા પ્રધાન કાર્યાલયે એક નિવેદનમાં જણાવ્યું હતું કે વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે વાત કરી હતી. બેઠક દરમિયાન, વડા પ્રધાન મોદીએ નેતન્યાહૂને તમામ બંધકોને મુક્ત કરવાના કરાર પર અભિનંદન આપ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application