ઈરાને અમેરિકાને આપેલી ચેતવણીનો અમલ શરૂ કરી દીધો છે. રોયટર્સના અહેવાલ મુજબ, ઈરાને બહેરીનમાં આવેલા અમેરિકી કંપની એમેઝોનના ડેટા સેન્ટર પર મોટો હુમલો કર્યો છે. બહેરીનના ગૃહ મંત્રાલયે આ સમાચારની પુષ્ટિ કરતા જણાવ્યું છે કે આ હુમલાને કારણે એમેઝોનનું ક્લાઉડ કમ્પ્યુટિંગ ઓપરેશન ખોરવાઈ ગયું છે અને સુવિધા કેન્દ્રમાં ભારે નુકસાન થયું છે.
ડેટા સેન્ટરમાં આગ અને નુકસાન
બહેરીનના ગૃહ મંત્રાલયના જણાવ્યા અનુસાર હુમલા બાદ એમેઝોનના સેન્ટરમાં ભીષણ આગ ફાટી નીકળી હતી. સિવિલ ડિફેન્સની ટીમોએ ઘટનાસ્થળે પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો. જોકે, આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ છે કે કેમ અને ડેટાને કેટલા અંશે નુકસાન થયું છે તે અંગે હજુ સુધી સત્તાવાર વિગતો બહાર આવી નથી.
IRGC ની અમેરિકી ટેક જાયન્ટ્સને ચેતવણી
ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ મંગળવારે જ અમેરિકાને કડક ચેતવણી આપી હતી. ઈરાને સ્પષ્ટ કર્યું હતું કે જો અમેરિકા અને ઈઝરાયેલ તેમના નેતાઓને નિશાન બનાવવાનું ચાલુ રાખશે, તો 1 એપ્રિલથી ખાડી દેશોમાં કાર્યરત અમેરિકી કંપનીઓ જેવી કે Microsoft, Google અને Apple ને પણ નિશાન બનાવવામાં આવશે. એમેઝોન પર થયેલો આ હુમલો ઈરાનની આ શ્રેણીબદ્ધ ધમકીઓનો જ એક ભાગ હોવાનું માનવામાં આવે છે.
ડોનાલ્ડ ટ્રમ્પની મજાક અને ઈરાનનો જવાબ
આ હુમલા પહેલા જ્યારે પત્રકારોએ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ઈરાનની ધમકી વિશે પૂછ્યું હતું, ત્યારે તેમણે વ્હાઇટ હાઉસમાં ઈરાનની મજાક ઉડાવી હતી. ટ્રમ્પે કટાક્ષ કરતા કહ્યું હતું કે, "તેઓ કોનાથી ધમકાવશે? શું તેમની પાસે 'બીબી ગન' (પ્લાસ્ટિકના છર્રાવાળી રમકડાની બંદૂક) છે? તેમની પાસે હવે ધમકાવવા માટે ખાસ કંઈ બચ્યું નથી."
જોકે, ટ્રમ્પની આ ટિપ્પણીના ગણતરીના કલાકોમાં જ એમેઝોનના ડેટા સેન્ટર પર થયેલા હુમલાએ અમેરિકાની સુરક્ષા એજન્સીઓને દોડતી કરી દીધી છે. નિષ્ણાતો માને છે કે ઈરાન હવે સૈન્ય હુમલાની સાથે સાથે અમેરિકાના આર્થિક અને ટેકનિકલ હિતોને નુકસાન પહોંચાડવાની રણનીતિ અપનાવી રહ્યું છે.