BREAKING NEWS

મનપાનું બજેટ વર્તમાન શાસકો જ મંજુર કરે તેવા નિર્દેશ: તૈયારી શરૂ

  • December 08, 2025 03:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ મહાપાલિકાનું આગામી નાણાકીય વર્ષ ૨૦૨૫-૨૦૨૬નું બજેટ પણ વર્તમાન શાસકોની ટીમ જ મંજૂર કરે તેવા નિર્દેશ મળી રહ્યા છે અને તેની તૈયારીના ભાગરૂપે જ હાલમાં એકાઉન્ટ બ્રાન્ચ દ્વારા બજેટ તૈયાર કરવાની તડામાર તૈયારી આજથી શરૂ કરવામાં આવી હોવાનું જાણવા મળે છે. સંભવત: આગામી ફેબ્રુઆરી માસમાં બજેટ બોર્ડ મળે તેવી શક્યતા છે.

રાજકોટ મહાપાલિકાની વર્તમાન બોડીની મુદ્દત આગામી ૧૧મી માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે. હાલ રાજ્યભરમાં મતદાર યાદી સુધારણા ઝુંબેશ ચાલી રહી છે. ચૂંટણી પંચ દ્વારા આખરી મતદાનયાદી ૧૪ ફેબ્રુઆરી માસમાં પ્રસિદ્ધ કરવામાં આવનાર છે. જેના કારણે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પાછી ઠેલાઈ અને કોર્પોરેશનમાં બે થી ત્રણ મહિના વહીવટદાર આવે તેવી શક્યતા પ્રબળ બની જવા પામી છે.જેને ધ્યાનમાં રાખીને કોર્પોરેશનનું બજેટ વર્તમાન બોડી જ મંજુર કરશે તે લગભગ ફાઈનલ મનાય રહ્યું છે. હિસાબી શાખા દ્વારા બજેટલક્ષી તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. આ ઉપરાંત અમુક મુદે શહેરી વિકાસ વિભાગ પાસે પણ જરૂરી માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.

સામાન્ય રીતે જ્યારે બોર્ડની મુદ્દત પૂર્ણ થવાની હોય ત્યારે અંતિમ વર્ષે બજેટ આપવામાં આવતું નથી. નવા શાસકો પોતાની વિઝન મુજબ બજેટ આપી શકે તે માટે અંતિમ વર્ષનું બજેટ નવી બોડી મંજૂર કરતી હોય છે.પરંતુ હાલ મતદાર યાદી સુધારણા કાર્યક્રમના કારણે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી બે મહિના પાછી ફેલાય તેવી શક્યતા પ્રબળ બની જવા પામી છે. કોર્પોરેશનની વર્તમાન બોડીની મુદ્દત ૧૧ માર્ચના રોજ પૂર્ણ થઈ રહી છે નિયમ મુજબ ૨૦ ફેબ્રુઆરી સુધીમાં જનરલ બોર્ડમાં બજેટ મંજૂર કરી સરકારમાં મોકલવું પડે છે. જો આવું ન થાય તો મ્યુનિસિપલ કમિશનરે દરખાસ્ત સ્વરૂપે રજુ કરેલું બજેટ ફાઈનલ મનાય છે.ચૂંટણી એપ્રિલ કે મે માસમાં યોજાશે તે લગભગ નિશ્ચિત મનાઈ રહ્યું છે. આ સ્થિતિમાં વર્તમાન શાસકો જ કોર્પોરેશનના વર્ષ ૨૦૨૫-૨૦૨૬નું બજેટ મંજુર કરશે તે પણ ફાઇનલ જેવું છે. હિસાબી શાખા દ્વારા આજથી બજેટની પ્રાથમિક તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તમામ શાખાઓને નવા નાણાકીય વર્ષ દરમિયાન થનારા ખર્ચ અને આવકના આંકડાઓ આપવા માટેની પ્રાથમિક સુચના આપી દેવામાં આવી છે. મ્યુનિ.કમિશનર ડ્રાફ્ટ બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજુ કરવામાં આવશે. જેનો એક સપ્તાહ સુધી ઝીણવટભર્યો અભ્યાસ કર્યા બાદ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા બજેટને બહાલી આપવામાં આવે છે. ત્યારબાદ જનરલ બોર્ડમાં બજેટને આખરી મંજૂરી મળે છે.અંદાજ પત્ર મંજૂર થયા બાદ આ વર્ષે માત્ર બે મહિના બાદ જ ચૂંટણી યોજવાની હોય બજેટમાં અનેક સારી યોજનાઓ મૂકવામાં આવે તેવી શક્યતા પણ જણાય રહી છે. બીજી તરફ શહેરી વિકાસ વિભાગ પાસે કેટલું માર્ગદર્શન માંગવામાં આવ્યું છે. જેમાં વર્તમાન બોર્ડના સભ્યોના નામ રાજ્ય સરકારના ગેજેટમાં તા.૭ માર્ચના રોજ પ્રસિદ્ધ થયા હતા. જ્યારે પ્રથમ બોર્ડ તા.૧૨ માર્ચના રોજ મળ્યું હતું તો બોર્ડની મુદ્દત કઈ ગણવી તેને લઈને માર્ગદર્શન માંગ્યું છે. જોકે સામાન્ય રીતે જે દિવસે બોર્ડ મળ્યું હોય તે દિવસને જ પ્રથમ દિવસ માની પાંચ વર્ષની ગણતરી કરવામાં આવતી હોય છે. આવામાં વર્તમાન બોર્ડની મુદ્દત તા.૧૧ માર્ચ સુધીની મનાઈ રહી છે.પરંતુ ભવિષ્યમાં કોઈ વિષય ઉભો ન થાય તે માટે ખાસ શહેરી વિકાસ વિભાગ પાસેથી માર્ગદર્શન માંગવામાં આવ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application