BREAKING NEWS

કેન્દ્રીય બજેટમાં અમેરિકન ટેરિફ સામે ટકવા નિકાસ પ્રોત્સાહનની ઉદ્યોગોને આશા

  • January 29, 2026 05:34 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વર્તમાન સમયમાં અમેરિકન ટેરિફની દેશના ઉદ્યોગો પર માઠી અસર પડી રહી છે. તેની વચ્ચે આગામી ફેબ્રુઆરીમાં નાણામંત્રી નિર્મલા સીતારામન દ્વારા કેન્દ્રીય બજેટ 2026ની જાહેરાત થવા જઈ રહી છે. આ બજેટને ઉદ્યોગ લક્ષી બજેટ હોવાનું માનવામાં આવી રહ્યું છે. ત્યારે રાજકોટના ઉદ્યોગકારો તેમજ ઔદ્યોગિક સંગઠનો બજેટમાં રોજગાર સર્જન, નિકાસ વૃદ્ધિ અને માળખાગત રોકાણને પ્રાથમિકતા આપવાની અપેક્ષા રાખે છે. શહેરના ઔદ્યોગિક સંગઠનો સાથે 'આજકાલ' દ્વારા બજેટ પાસેની અપેક્ષા વિશે ચર્ચા કરવામાં આવતા મોટાભાગના ઉદ્યોગકારો દ્વારા વૈશ્વિક વેપાર અસ્થિરતા વચ્ચે મજબૂત નિકાસ સમર્થન, ઉચ્ચ રોડ મેપ અને કરલક્ષી સુધારાઓમાંની અપેક્ષા દર્શાવવામાં આવી છે. જેમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ, એન્જિનિયરિંગ એસોસિયેશન, બિલ્ડર્સ એસોસિયેશન તથા સિરામિક એસોસિએશન સહિતના વ્યાપારી સંગઠનો અને એસોસિએશન દ્વારા કેન્દ્રીય બજેટ 2026 પાસે સ્પષ્ટ અપેક્ષાઓ દર્શાવવામાં આવી છે.


સરળ અને પારદર્શક કર પ્રણાલી અને રોજગારને પ્રોત્સાહન મળે : વી.પી. વૈષ્ણવ, પાર્થ ગણાત્રા

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ અને ઉપપ્રમુખ વી.પી. વૈષ્ણવ અને પાર્થ ગણાત્રાના જણાવ્યા પ્રમાણે મધ્યમ વર્ગને ફાયદો થાય તે માટે તાજેતરના કર ઘટાડા પછી પણ આગામી બજેટમાં મુક્તિ મર્યાદામાં વધારો અને કર દરમાં ઘટાડો કરવાની જરૂરિયાત છે. સરળ અને પારદર્શક કર પ્રણાલીની આવશ્યકતા છે. આરોગ્ય શિક્ષણ અને એમ.એસ.એમ.ઈ, ટેકનોલોજી તથા રોજગારને પ્રોત્સાહન મળે તેવી અપેક્ષા.


શેર, મ્યુચ્યુઅલ ફંડ અને મિલકત જેવા સંપતિ વર્ગો પરના વેરાના નિયમ સરળ કરવા જરૂરિયાત

જીએસટી રિટર્નની પ્રક્રિયા સમયસર અને કસ્ટમ સંબંધિત વિવાદોનું ઝડપી નિવારણ જરૂરી, વરિષ્ઠ નાગરિકો પેન્શન અને વ્યાજ વિષયક લાભ વધુ મજબૂત કરવાની જરૂર, આવકવેરો ચૂકવતા પગાર કરદાતાઓ માટે ગેરેન્ટી કૃત પેન્શન પૂરું પાડતી ટેક્સ પેન્શન યોજના જરૂરી, શેર મ્યુચલ ફંડ અને મિલકત જેવા વિવિધ સંપત્તિ વર્ગો પર લાગતા વેરાના નિયમો સરળ બનાવવા જરૂરી છે.


આવકની વૃદ્ધિ થાય તેમ જ રોજગાર સર્જનને ટેકો

ઈક્વિટી માટે વર્તમાન 12.5 ટકા એલટીસીજી કરદરમાં ઘટાડો અશક્ય છે, ત્યારે મૂળભૂત વાર્ષિક મુક્તિ મર્યાદા 1.25 લાખથી વધારેને 20 લાખ થાય તેવી અપેક્ષા, કલમ 87Aમાં રીબેટ ગેપને ઘટાડવાની જરૂરિયાત છે. કારણ કે નાના કરદાતાના મૂડી લાભોને રિબેટ ગણતરી માંથી બાકાત રાખવામાં આવે છે. આર્થિક વિકાસને ટેકો આપવા માટે કલમ 54 અને 54 F હેઠળ મુક્તિનો વિસ્તાર કરવાની ભલામણ, પુનઃ રોકાણના નિયમોને સરળ બનાવવા કરનો બોજ ઘટાડે, પાલનને સરળ બનાવે અને આવકની વૃદ્ધિ અને રોજગાર સર્જનને ટેકો આપે તેવી બજેટ પાસે અપેક્ષા વ્યક્ત કરવામાં આવી છે.


નિકાસ પ્રોત્સાહન નીતિની આવશ્યકતા

આ ઉપરાંત નિકાસકારના દ્રષ્ટિકોણથી યુએસ દ્વારા લાદવામાં આવતી 50 ટકા આયાત ડ્યુટી અંગે વધતી જતી અનિશ્ચિતતા વચ્ચે નિકાસ ટકાવી રાખવા માટે નિકાસકારો પાસે પહેલાની જેમ આવકવેરા મુક્તિ મળે તેવી આશા ઉપરાંત ઈનવર્ટેડ ડ્યુટી સ્ટ્રક્ચર અપનાવવા, જીએસટી દરમાં વધુ તર્કસંગતતા લાવવા, મુડી ખર્ચ પર ધ્યાન કેન્દ્રિત કરવા, એઆઈ જેવી ટેકનોલોજીનો ઉપયોગ કરવા માટે એમએસએમઈને ટેકો આપવા અને સ્પષ્ટ નાણાકીય એકત્રીકરણ રોડ મેપ જાળવવા ફર ધ્યાન કેન્દ્રિત કરવા સૂચન કરવામાં આવ્યું છે. તેમજ નિકાસને પ્રોત્સાહન માટે આયાત-જકાત માળખાગત વિકાસ અને ટકાઉ ટેકનોલોજી પ્રોત્સાહનો માટે સંતુલિત અભિગમ, સ્થાનિક ઉત્પાદન અને સતત સમર્થન અને માર્ગ પરિવહન માળખા માટે નાણાકીય ફાળવણીમાં વધારો કરવાની જરૂરિયાત દર્શાવવામાં આવી છે.


સબમર્સીબલ પંપમાં લાગતો જીએસટી ઘટાડીને પાંચ ટકા થાય તેવી આશા : નરેન્દ્રભાઈ પાચાણી

એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ નરેન્દ્રભાઈ પાચણીએ આગામી બજેટમાં એન્જિનિયરિંગ ક્ષેત્રના વિકાસ માટે કેટલીક માગણીઓ કરી છે. જેમાં સબમર્સીબલ પંપનો ભાવ ઘટાડવા જીએસટી ઘટાડો હાલો, સરકારી બેંકોમાં લોન પરના વ્યાસ દર ઘટાડવા, ઉદ્યોગોના વિકાસ માટે ગેરેન્ટી ફ્રી લોન આપતી યોજના અમલી બનાવવા, આંતરરાષ્ટ્રીય વેપાર માટે વિશેષ યોજના અમલી બનાવવા, એમએસએમઈ ક્ષેત્રમાં ટેકનોલોજીના વિકાસ માટે પગલા ભરવા, રાજકોટ એરપોર્ટ પરથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ઉડાન વહેલી શરૂ કરવા સહિતની માંગણી કરી છે.

તેઓએ જણાવ્યું છે કે સબમર્સીબલ પંપનો ખેતીવાડીમાં બહોળા પ્રમાણમાં ઉપયોગ થાય છે. જેથી ખેડૂત વર્ગને ઉપયોગી થવા માટે સબમર્સીબલની કિંમતમાં ઘટાડો કરવા માટે તેના પર નો જીએસટી 18 માંથી ઘટાડીને 5 ટકા કરવામાં આવે. આ અંગે વડાપ્રધાન મોદીએ તેમના ભાષણમાં સબમર્સીબલ પંપ પર નો દર 0 થી 5 ટકા કરવા માટેની વિચારણા હોવાનું જણાવ્યું હતું પરંતુ હજી સુધી તેનો અમલ થયો નથી.

વર્તમાન વૈશ્વિક આર્થિક પરિબળો મુજબ આંતરરાષ્ટ્રીય વ્યાપાર પર ટેરીફને અસર પડી રહી છે. તેની વચ્ચે વેપાર ધંધાને ધંધો રાખવા માટે લોન પરના વ્યાજદરો સામાન્ય હોવા જોઈએ. તેમજ વેપાર ધંધાના વિકાસ માટે આંતરરાષ્ટ્રીય કોર્પોરેશન સ્કીમ હળવી કરીને અમલમાં મૂકવી જોઈએ. જેથી આંતરરાષ્ટ્રીય વ્યાપારમેળામાં બધાજ ક્ષેત્રના ધંધાર્થીઓ જોડાઈ શકે.

રાજકોટ એ એન્જિનિયરિંગ ક્ષેત્રે સમગ્ર દેશમાં મુખ્ય હબ છે. એમએસએમઈના વિકાસ માટે રાજ્ય સરકારે વર્ષ 2023માં નવી ટેકનોલોજી અને વિકાસ માટે 25 એકર જમીનની રાજકોટ નજીક ફાળવણી કરી છે. પરંતુ નવી ટેકનોલોજી ક્ષેત્રે જોઈએ તેટલો વિકાસ જોવામાં મળતો નથી. તેના વિકાસ થાય તેવા બધું પગલા ભરવામાં આવે.

એમ.એસ.એમીને વિકાસ માટે ક્રેડિટ લિંક કેપિટલ સબસીડી સ્કીમ હેઠળ બેંકોને ગેરેન્ટી ફ્રી લોન ધિરાણ સિક્યુરિટી અથવા ગેરેન્ટીની જોગવાઈ હોવા છતાં બેંકો દ્વારા અત્યંત જરૂરી હોય તેવા કેસમાં પણ સિક્યુરિટી અને ગેરંટીની માગણી કરવામાં આવે છે. ત્યારે આ જોગવાઈનું કડકાઈથી પાલન કરાવવામાં આવે.

આ ઉપરાંત રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર છેલ્લા બે વર્ષથી ડોમેસ્ટિક ફ્લાઈટ ઉડાન ભરી રહી છે. પરંતુ તે સમયસર ચાલી રહી નથી. જેના કારણે ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય વેપાર તક માટે બધા રોગ થાય છે. જેથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટની ઉડાન વહેલી શરૂ કરવા માટે માગણી કરવામાં આવી છે.


રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં સસ્તા આવાસ પ્રોજેક્ટ અને કર સુધારાની અપેક્ષા : પરેશભાઈ ગજેરા

રાજકોટ રિયલ એસ્ટેટ એસોસિએશનના પ્રમુખ પરેશભાઈ ગજેરાના જણાવ્યા પ્રમાણે વર્ષ 2025માં રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી જોવા મળી છે. ત્યારે આગામી કેન્દ્રીય બજેટ 2025-26માં તેઓને માળખાગત વિકાસ, સસ્તા આવાસ પ્રોજેક્ટ્સ અને કર સુધારાઓ દ્વારા રિયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળવાની અપેક્ષા છે. ગ્રામીણ વિકાસ અને માળખાગત રોકાણમાં વધારો થવાથી, બિલ્ડરો પ્રોજેક્ટ પૂર્ણતામાં વધારો અને માંગમાં સુધારો થવાની અપેક્ષા રાખે છે. આ ઉપરાંત મધ્યમ વર્ગના ખરીદદારોને આકર્ષવા માટે બિલ્ડરો કર પ્રોત્સાહનોમાં વધારો અને સસ્તા આવાસ માટે સરળ ધિરાણ ઇચ્છે છે.ગ્રામીણ સમૃદ્ધિ અને કૌશલ્ય વિકાસ પર બજેટનો ભાર ગ્રામીણ વિસ્તારોમાં પણ રિયલ એસ્ટેટ માટે નવી તકો ઊભી કરી શકે છે. નવા બજેટને "રોકાણ તરફી" પેકેજ તરીકે જોવામાં આવી રહ્યું છે. જેથી એકંદરે, બિલ્ડરો માને છે કે આ બજેટ રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં અનિશ્ચિતતાઓ ઘટાડશે અને રિયલ એસ્ટેટ ક્ષેત્રના વિકાસની ધીમી ગતિને વેગ આપશે.


સિરામિક ઉદ્યોગમાં નિકાસ પ્રોત્સાહક પોલીસી જાહેર થાય તેવી આશા : મનોજ એરવાડીયા

મોરબી સિરામિક એસોસિયેશનના પ્રમુખ મનોજ‌ એરવાડીયાના જણાવ્યા પ્રમાણે મોરબીને દેશભરમાં સીરામીકનું હબ માનવામાં આવે છે. દેશના કુલ સિરામિક ઉત્પાદનમાં 90 ટકા હિસ્સો માત્ર મોરબીનો હોય છે. તેમ છતાં છેલ્લા ત્રણ કે ચાર વર્ષથી સિરામિક ઉદ્યોગ મંદીનો સામનો કરી રહ્યો છે. ગત વર્ષના બજેટમાં સિરામિક ઉદ્યોગને કોઈ પ્રકારની મોટી રાહત મળી નથી. એવામાં આ વર્ષે અમેરિકાની એન્ટી ડમ્પિંગ ડ્યુટીમાં વધારો થવાના કારણે અનેક સિરામિક એકમો બંધ પડ્યા છે. ત્યારે આ વર્ષે જાહેર થનારા કેન્દ્રીય બજેટમાં સિરામિક ઉદ્યોગમાં નિકાસ વધારવા માટે ખાસ પોલીસી જાહેર કરવાની માગ કરી હતી.

તેમજ સિરામિક ઉદ્યોગમાં ઉત્પાદનને પ્રોત્સાહન માટે સિરામિક ઉદ્યોગમાં ઉપયોગમાં લેવામાં આવતતો કુદરતી ગેસ શર ગુજરાત ગેસ દ્વારા પૂરો પાડવામાં આવી આવી રહ્યો છે. જેના પર 6 ટકા વેટ લાગે છે, તેને હટાવી અને તેનો જીએસટીમાં સમાવેશ કરવામાં આવે તેવી આશા વ્યક્ત કરી છે. જેથી સિરામિક ઉદ્યોગને જીએસટીમાં રાહત થઈ શકે

આ ઉપરાંત સમગ્ર મોરબી શહેરમાં 700 થી 800 સિરામિક ફેક્ટરીઓ આવેલી છે. જેના ટ્રાન્સપોર્ટેશન માટે 10,000 જેટલા ટ્રકોની દૈનિક અવર-જવર માત્ર એક વિસ્તારમાં થાય છે. ત્યારે આ તમામ ટ્રકોના પાર્કિંગ માટે સમગ્ર શહેરમાં વિસ્તાર પ્રમાણે પાર્કિંગ વ્યવસ્થા સરકાર દ્વારા જાહેર કરવામાં આવે તો શહેરના ટ્રાફિકમાં મોટી રાહત થઈ શકે તેમ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News