BREAKING NEWS

ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય, ટેકાના ભાવે બાજરી, મકાઈ અને જુવારની ખરીદી મર્યાદામાં વધારો

  • June 10, 2026 04:30 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં રાષ્ટ્રસેવાના સફળ દિવસોની ઉજવણીના અવસરે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના વ્યાપક હિતમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણી, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણ સોલંકી તથા કિસાન સંઘના પ્રતિનિધિઓ વચ્ચે યોજાયેલી એક ઉચ્ચ સ્તરીય બેઠક બાદ બાજરી, મકાઈ અને જુવારની પ્રતિ ખેડૂત ખરીદી મર્યાદામાં માતબર વધારો જાહેર કરાયો છે.


કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ આ નિર્ણયની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, રાજ્યના ખેડૂતોની રજૂઆતોને હકારાત્મક વાચા આપતા રાજ્ય સરકારે આ નિર્ણય કર્યો છે. બાજરીની ખરીદી મર્યાદા અગાઉ જે ૨,૦૦૦ કિલો (૧૦૦ મણ) હતી, તેને વધારીને હવે ૩,૫૦૦ કિલો (૧૭૫ મણ) પ્રતિ ખેડૂત કરવામાં આવી છે. 


આ જ રીતે, મકાઈની ખરીદી મર્યાદા પણ ૧,૫૦૦ કિલો (૭૫ મણ)થી વધારીને હવે ૨,૫૦૦ કિલો (૧૨૫ મણ) અને જુવારની ખરીદી મર્યાદા ૧,૦૦૦ કિલો (૫૦ મણ)થી વધારીને ખેડૂત દીઠ ૧,૭૦૦ કિલો (૮૫ મણ) કરી છે. આમ, રાજ્ય સરકારે બાજરીમાં ૧,૫૦૦ કિલો (૭૫ મણ), મકાઈમાં ૧,૦૦૦ કિલો (૫૦ મણ) તેમજ જુવારમાં ૭૦૦ કિલો (૩૫ મણ)નો વધારો કર્યો છે. 


કૃષિ મંત્રીએ ઉમેર્યું હતું કે, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા હવે આ નવી નિર્ધારિત મર્યાદા મુજબ ખેડૂતો પાસેથી ખરીદીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. સરકારના આ નૂતન અભિગમથી રાજ્યના હજારો ખેડૂતોને સીધો આર્થિક લાભ થશે અને તેઓ પોતાની વધુ ઉપજ ટેકાના ભાવે વેચાણ કરી શકશે.

રાજ્ય સરકારની ખેડૂત કલ્યાણ પ્રત્યેની પ્રતિબદ્ધતા દોહરાવતા મંત્રી વાઘાણીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા ટેકાના ભાવમાં વધારો કરીને ખેડૂતોને જે આર્થિક સુરક્ષા આપવામાં આવી છે, તેને આગળ ધપાવતા રાજ્ય સરકારે ખેડૂતોની લાગણી અને માંગણીઓને માન આપીને આ સુધારો કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application