રાજકોટ ગ્રામ્ય એલસીબીની ટીમે ગોંડલના ઉમવાડા ચોકડી પાસે શંકાસ્પદ કારને અટકાવી હતી. પોલીસે આ કારમાં તપાસ કરતા તેમાં ખાસ ચોરખાનું બનાવ્યું હોય જેમાંથી રૂપિયા ૩.૧૧ લાખની કિંમતની મોંઘીદાટ શરાબની 84 બોટલ મળી આવી હતી. પોલીસે દારૂના આ જથ્થા સાથે જુનાગઢ પંથકના બે શખસોને ઝડપી લીધા હતા. દારૂનો આ જથ્થો કાર સહિત કુલ રૂપિયા 7.29 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો. પોલીસની તપાસમાં દારૂનો આ જથ્થો દિલ્હી હરિયાણા બોર્ડર પર ગુડગાંવ પાસેથી કારમાં ભરી જુનાગઢ તરફ લઈ જઈ રહ્યા હતા. મુખ્ય સૂત્રધાર તરીકે જૂનાગઢના જોશીપરામાં રહેતા ભરતનું નામ ખુલ્યું હતું જેથી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.
રાજકોટ રેન્જ આઇ.જી અશોકકુમાર યાદવ, રાજકોટ જિલ્લા પોલીસવડા વિજયસિંહ ગુર્જર દ્વારા જિલ્લામાં દારૂ-જુગારની પ્રવૃત્તિ સદંતર બંધ કરાવવા સૂચના આપવામાં આવી હોય આ સૂચનાના અનુસંધાને રાજકોટ ગ્રામ્ય એલસીબી પીઆઈ વી.વી. ઓડેદરાની રાહબરી હેઠળ પીએસઆઇ એચ.સી.ગોહિલ તથા આર.વી. ભીમાણી અને ટીમ પેટ્રોલિંગમાં હતી.દરમિયાન ગોંડલ ચોકડી પાસે રાજકોટ જેતપુર નેશનલ હાઈવે રોડ પર બાતમીના આધારે એક શંકાસ્પદ સિયાઝ કાર નંબર જીજે 18 બીજી 5984 અટકાવી હતી.
પોલીસે આ કારમાં તપાસ કરતાં પ્રથમ કાંઈ મળી આવ્યું ન હતું. પરંતુ બાતમી દ્રઢ હોવાથી પોલીસે કારમાં વિશેષ તપાસ કરતા તેમાં એક ખાસ ચોરખાનું બનાવવામાં આવ્યું હોય જેમાંથી ઈમ્પોર્ટેડ ઇંગ્લિશ દારૂની 84 બોટલ કિં.રૂ. 3,11,280 નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દારૂના આ જથ્થા સાથે જુનાગઢમાં ગાંધીગ્રામ લીરબાઈપરામાં રહેતા રમેશ પરબતભાઈ ઓડેદરા (ઉ.વ. 27) અને જુનાગઢના જુના ડુંગરપુર ગામે રહેતા રાજેશ કાનજીભાઈ ડાભી(ઉ.વ. 29) ને ઝડપી લીધા હતાં. પોલીસે દારૂનો આ જથ્થો કાર બે મોબાઈલ ફોન રોકડ સહિત કુલ રૂપિયા 7,29,280 નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
દારૂના જથ્થા સાથે ઝડપાયેલા આ બંને શખસોની પૂછતાછ કરતા તેઓ દિલ્હી હરિયાણા બોર્ડર પર આવેલા ગુડગાંવથી દારૂનો આ જથ્થો કારમાં ભરીને જુનાગઢ જતા હોવાનું જણાવ્યું હતું તેમજ દારૂ જૂનાગઢના જોશીપરામાં રહેતા નામચીન બુટલેગર ભરત બસોતાનીનો હોવાની કબુલાત આપતા પોલીસે બુટલેગર ભરતને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે. દારૂના દરોડાની આ કામગીરીમાં એલસીબીના એએસઆઇ બાલકૃષ્ણભાઈ ત્રિવેદી, ઇન્દ્રજીતસિંહ જાડેજા, જયવીરસિંહ રાણા, ભગીરથસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ મનોજભાઈ બાયલ, કોન્સ્ટેબલ મહિપાલસિંહ ચુડાસમા અને ભાવેશભાઈ મકવાણા સાથે રહ્યા હતાં.