BREAKING NEWS

સરકાર આવું કરશે તેવી કલ્પના નહોતી: ગવઈ

  • November 04, 2025 11:18 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારનો બરાબરનો ઉધ્ધો લીધો હતો અને સીજેઆઇ ગવઈએ ટીકા કરી હતી કેસ સરકાર આવું કરશે તેની તેમને કલ્પના ન હતી. સરકારે મધરાતે ટ્રિબ્યુનલ રિફોર્મ્સ એક્ટ કે જે વિવિધ ટ્રિબ્યુનલના અધ્યક્ષો અને સભ્યોની સેવા શરતો નક્કી કરે છે તે સંબંધિત અરજીઓ પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચને મોકલવાની માંગ કરી હતી. મુખ્ય ન્યાયાધીશ બી.આર. ગવઈની અધ્યક્ષતાવાળી બેન્ચ આ કેસની સુનાવણી કરી રહી હતી.અરજદારોની દલીલોને સંપૂર્ણ રીતે સાંભળ્યા પછી, એટર્ની જનરલ આર. વેંકટરામણીની વિનંતી પર સુનાવણી થોડા દિવસો માટે મુલતવી રાખવામાં આવી હતી, જેમને આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીનો ભાગ લેવો પડ્યો હતો. જો કે, જ્યારે કેન્દ્ર સરકારે આગામી સુનાવણી પહેલા મધ્યરાત્રિએ આ નવી અરજી દાખલ કરી, ત્યારે કોર્ટે નારાજગી વ્યક્ત કરી. સીજેઆઈ ગવઈએ કહ્યું, અમને અપેક્ષા નહોતી કે કેન્દ્ર સરકાર આવી રણનીતિ અપનાવશે અને કોર્ટ સાથે આવી યુક્તિ રમશે. અરજદારો દ્વારા દલીલો પૂર્ણ થયા પછી સરકાર હવે પાંચ ન્યાયાધીશોની બેન્ચની માંગ કરી રહી છે તે આઘાતજનક છે.તેમણે ઉમેર્યું, અમે આ અરજીને ફગાવી દઈએ છીએ અને એ પણ નોંધીએ છીએ કે કેન્દ્ર સરકાર આ પગલું ફક્ત એટલા માટે લઈ રહી છે કારણ કે હું ટૂંક સમયમાં નિવૃત્ત થવાનો છું.

એટર્ની જનરલે સ્પષ્ટતા કરી કે સરકારનો ઇરાદો કોર્ટને ગેરમાર્ગે દોરવાનો નહોતો, પરંતુ તેમને લાગ્યું કે બંધારણના અર્થઘટનને લગતા ગંભીર પ્રશ્નો છે જેનો મોટી બેન્ચ દ્વારા વિચાર કરવો જોઈએ. જોકે, સીજેઆઈગવઈએ સ્પષ્ટપણે કહ્યું, સરકારે મધ્યરાત્રિએ અરજી દાખલ કરી હતી; આ કોર્ટની પ્રક્રિયાનું ઉલ્લંઘન છે. જો અમને લાગે કે આ મામલો પાંચ ન્યાયાધીશોની બેન્ચને મોકલવો જરૂરી છે, તો અમે તે જાતે કરીશું.


આગામી સુનાવણી 7 નવેમ્બર સુધી મુલતવી

કોર્ટે એટર્ની જનરલની દલીલો સાંભળી અને આગામી સુનાવણી 7 નવેમ્બર સુધી મુલતવી રાખી. સરકારની અરજીમાં જણાવાયું હતું કે આ કેસ બંધારણના અર્થઘટન અંગે મહત્વપૂર્ણ પ્રશ્નો ઉભા કરે છે અને તેને બંધારણીય બેંચને મોકલવો જોઈએ. કેન્દ્ર સરકારે એ પણ પ્રશ્ન કર્યો હતો કે શું સુપ્રીમ કોર્ટ સંસદને ચોક્કસ રીતે કાયદો ઘડવાનો નિર્દેશ આપી શકે છે, કારણ કે આમ કરવાથી સત્તાના વિભાજનના બંધારણના સિદ્ધાંતનું ઉલ્લંઘન થઈ શકે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application