શનિવારે વહેલી સવારે ઇઝરાયેલના ફાઇટર વિમાનોએ ઈરાનની રાજધાની તેહરાન સહિત અનેક મહત્વના શહેરોને નિશાન બનાવ્યા હતા. આ હુમલા બાદ રોઇટર્સ અને ઇઝરાયેલી અધિકારીઓએ એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે ઈરાનના સુપ્રીમ લીડર અયાતુલ્લા અલી ખમેની આ હુમલામાં માર્યા ગયા છે.
ખમેનીના મોત અંગે ભારે સસ્પેન્સ
ઇઝરાયેલી અધિકારીઓના જણાવ્યા અનુસાર સર્ચ ઓપરેશન દરમિયાન ખમેનીનો મૃતદેહ મળી આવ્યો છે. આ પૂર્વે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પણ સંકેત આપ્યો હતો કે ખમેની ખતમ થઈ ચૂક્યા છે, જોકે તેમણે હજુ સુધી આ અંગેનો કોઈ નક્કર પુરાવો રજૂ કર્યો નથી. જો આ દાવો સાચો સાબિત થશે, તો ઈરાન માટે આ સૌથી મોટો ફટકો હશે.
ઈરાનનો વળતો જવાબ: 'સુપ્રીમ લીડર સુરક્ષિત છે'
બીજી તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ ઇઝરાયેલના દાવાઓને પાયાવિહોણા ગણાવ્યા છે. તેમણે સ્પષ્ટતા કરી છે કે સુપ્રીમ લીડર ખમેની જીવિત છે અને તેમને કોઈ અત્યંત સુરક્ષિત અને ગુપ્ત સ્થળે ખસેડવામાં આવ્યા છે. ઈરાન સરકાર આ સમાચારને મનોવૈજ્ઞાનિક યુદ્ધ (Psychological Warfare) નો ભાગ ગણાવી રહી છે.
હાલમાં ઈરાનનું આખું તંત્ર હાઈ એલર્ટ પર છે અને પલટવારની તૈયારીઓ ચાલી રહી છે. જો ખમેનીના મોતના સમાચારની પુષ્ટિ થશે, તો આ યુદ્ધ વધુ ભયાનક સ્વરૂપ ધારણ કરી શકે છે, કારણ કે ઈરાન પોતાના સર્વોચ્ચ નેતાના મોતનો બદલો લેવા માટે કોઈપણ હદ સુધી જઈ શકે છે.