જમ્મુ અને કાશ્મીરથી ઉત્તરાખંડ સુધીના પર્વતોમાં ભારે હિમવર્ષા થઈ રહી છે. પ્રવાસીઓ બરફવર્ષાનો આનંદ માણી રહ્યા છે, ત્યારે સ્થાનિક રહેવાસીઓને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. પહાડી વિસ્તારોમાં બે થી ત્રણ ફૂટ બરફ પડવાથી બધી આવશ્યક સેવાઓ ખોરવાઈ ગઈ છે. હિમાચલ પ્રદેશના 535 રસ્તાઓ પર વાહન વ્યવહાર ખોરવાયો છે.
જમ્મુ અને કાશ્મીરના મેદાની વિસ્તારોમાં લગભગ એક ફૂટ બરફવર્ષા નોંધાઈ છે, જ્યારે ઉપરના પહાડી વિસ્તારોમાં લગભગ બે થી ત્રણ ફૂટ બરફ પડ્યો છે. ભૂસ્ખલન, વૃક્ષો પડી જવા અને ભારે બરફ જમા થવાથી હાઇવે અને લિંક રોડ સહિત રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ઘણા વિસ્તારોમાં તાપમાન શૂન્યથી નીચે આવી ગયું છે. ભારે વરસાદ અને બરફવર્ષાથી ગઈકાલે જ જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (એનએચ-44) બંધ થઈ ગયો હતો, અને ઉધમપુરના જખાણી ચોક પર પણ વાહનવ્યવહાર ઠપ્પ થઈ ગયો હતો.
બારામુલ્લા, બડગામ અને રામબનના પહાડી રિસોર્ટ શહેર બટોટમાં પણ ભારે હિમવર્ષા થઈ હતી, જેના કારણે સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો હતો. બરફવર્ષાને કારણે હવાઈ મુસાફરી પણ ખોરવાઈ ગઈ હતી, શ્રીનગર એરપોર્ટ અને ઇન્ડિગો એરલાઇન્સે ઘણી ફ્લાઇટ્સ કામચલાઉ સ્થગિત અને રદ કરવાની જાહેરાત કરી હતી.
ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી જમ્મુ-કાશ્મીરથી હિમાચલ પ્રદેશ સુધીના પર્વતીય વિસ્તારોમાં આંધી-તોફાન સાથે ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેના કારણે સામાન્ય જનજીવન ખોરવાઈ ગયું હતું. જમ્મુ-કાશ્મીરમાં તાપમાન શૂન્યથી નીચે ગયું હતું જ્યારે ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના અનેક વિસ્તારોમાં તાપમાન શૂન્ય નજીક પહોંચી ગયું હતું. પૂંછમાં પ્રતિ કલાક 80 અને અનંતનાગમાં પ્રતિ કલાક 60 કિ.મી.ની ગતિએ પવન ફૂંકાયો હતો જ્યારે અન્ય વિસ્તારોમાં પણ ભારે પવન ફૂંકાતા વૃક્ષો, થાંભલા અને વીજળીના તાર પડી ગયા હતા. વાતાવરણમાં આવેલા અચાનક પરિવર્તનથી અનેક વિસ્તારોમાં વીજળી ગુલ થઈ ગઈ હતી.
વિભાગે અહેવાલ આપ્યો છે કે હિમવર્ષાને કારણે આશરે રૂ. 6 કરોડનું નુકસાન થયું છે. નૈનિતાલ અને જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન વિભાગ પાસેથી મળેલી માહિતી અનુસાર, રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળ (SDRF) ટીમોએ ઝડપથી બચાવ કામગીરી શરૂ કરી છે.
રામગઢ-મુક્તેશ્વર અને ધનાચુલી બંધ વિસ્તારોમાં ફસાયેલા વાહનો અને મુસાફરોને બચાવવામાં આવી રહ્યા છે. અહીંની ટીમોએ રસ્તા પરથી બરફ સાફ કરવા માટે જેસીબી મશીનોનો ઉપયોગ કર્યો અને આશરે 20 થી 25 વાહનોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા.
પૂંછમાં 100થી વધુ પ્રવાસીઓ ફસાયા
હવામાનની સ્થિતિ જોતા પૂંછમાં 28 જાન્યુઆરી સુધી સ્વાસ્થ્ય કર્મચારીઓની રજાઓ રદ કરી દેવાઈ છે. હવામાન વિભાગે જણાવ્યું કે, જમ્મુ-કાશ્મીરના લગભગ બધા જ ભાગોમાં વરસાદ અને હિમવર્ષા થયા છે. પૂંચ અને ઉધમપરુ જિલ્લાઓમાં બરફાચ્છાદિત વિસ્તારોમાં 100થી વધુ પ્રવાસીઓ ફસાયા હતા જ્યારે મેદાની વિસ્તારોમાં મધ્યમ વરસાદના પગલે લગભગ બે મહિના કરતાં વધુ સમય સુધી ચાલેલો ડ્રાય સ્પેલ પૂરો થયો હતો.
શ્રીનગરમાં તમામ ફ્લાઈટો રદ
હિમવર્ષના કારણે ભારત અને કાશ્મીર ખીણને જોડતો એકમાત્ર જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પણ બંધ કરી દેવાયો હતો, જેના પગલે હજારો વાહનો રસ્તામાં ફસાયા હતા. બીજીબાજુ કાશ્મીરમાં ગઈકાલે ભારે હિમવર્ષાના કારણે બધી જ 20 ફ્લાઈટ રદ કરી દેવાઈ હતી, જેથી હવાઈ ટ્રાફિક ખોરવાયો હતો. હિમવર્ષાના પગેલ વિમાનો માટે રનવે અસલામત થઈ ગયો હતો
ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 535 રસ્તાઓ બંધ
નૈનિતાલ, ઉત્તરકાશી અને ટિહરી ગઢવાલ જિલ્લાના ઊંચાઈવાળા વિસ્તારોમાં અનેક સ્થળોએ વાહનો અને લોકો ફસાયેલા હતા. જાહેર બાંધકામ વિભાગ એ અહેવાલ આપ્યો છે કે હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષાને કારણે ચાર રાષ્ટ્રીય ધોરીમાર્ગો સહિત 535 રસ્તાઓ બંધ કરવામાં આવ્યા છે, જ્યારે બરફ દૂર કરવાનું કાર્ય ચાલુ છે.