BREAKING NEWS

જામનગર  : ભારે કરી..૪૪૬ સરકારી શાળા પાસેથી રૂ.૩૨.૮૬ લાખની ગ્રાન્ટ પરત લેવાશે

  • January 02, 2026 11:55 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જામનગર શહેર-જિલ્લાની ૪૪૬ સરકારી શાળાને સેનેટરી પેડની ખરીદી માટે ફાળવણી કરવામાં આવેલી રૂ.૩૨.૮૬ લાખની ગ્રાન્ટ પરત લેવાના જિલ્લા પ્રોજેકટ કો-ઓર્ડીનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીના આદેશથી શિક્ષણ જગતમાં ભારે ચકચાર જાગી છે. સેનેટરી પેડની ગ્રાન્ટ જમા કરવામાં થયેલી ભૂલને ટેકનીકલ ખામીમાં ખપાવી તમામ શાળાને ગ્રાન્ટ પરત કરવા પરિપત્ર કરવામાં આવ્યો છે. નવાઇની વાત તો એ છે કે, શાળાદીઠ ગ્રાન્ટ જમા કરાવ્યાના પાંચેક દીવસ પછી ખબર પડી કે શાળાઓના ખાતામાં વધતી-ઓછી રકમની ફાળવણી થઇ છે. સમગ્ર શિક્ષા જિલ્લા પ્રોજેકટ કચેરી દ્રારા આ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવતી હોય કામગીરી સામે વધુ એક વખત સવાલ ઉઠ્યા છે. 


રાજયની સ્ટેટ પ્રોજેકટ ડાયરેકટરની કચેરી દ્રારા જામનગર સહીત રાજયના તમામ જિલ્લા શિક્ષણાધિકારી, શાસનાધિકારીને તા.૨૫-૦૯-૨૦૨૫ના કરાયેલા પરિપત્ર અનુસાર વર્ષ ૨૦૨૫-૨૬માં સરકારી ઉચ્ચ પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતી ધો.૬,૭,૮ ની વિધાર્થીનીઓને સપ્ટેમ્બર ૨૦૨૫થી માર્ચ-૨૦૨૬ સુધી પ્રતિ માસ ૧૦ સેનેટરી નેપકીન ૭ મહીના માટે આપવા આયોજન કરવા આદેશ કરાયો છે. આથી જામનગર શહેર-જિલ્લાની ૪૪૬ સરકારી શાળાઓને જિલ્લા પ્રોજેકટ કચેરી  જામનગર દ્રારા આ માટે કુલ રૂ.૩૨,૮૬,૦૮૦ ની ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવી હતી.


પરંતુ તા.૩૧ ડીસેમ્બરના જામનગર જિલ્લા પ્રોજેકટ કચેરી સમગ્ર શિક્ષા દ્રારા શહેર-જિલ્લાના તમામ બીઆરસી કો-ઓર્ડીનેટરોને એક પરિપત્ર કરાયો છે. જેમાં જણાવ્યાનુસાર સમગ્ર શિક્ષા જીઓજી વિભાગ અન્વયે જિલ્લાની જે શાળાઓમાં ક્ધયાઓ હોય તેવી ધો.૧ થી ૮ની કુલ ૪૪૬ શાળાઓમાં સેનેટરી પેડની ગ્રાન્ટ જમા કરાવામાં આવી હતી. પરંતુ ટેકનીકલ ખામીના કારણે આ ગ્રાન્ટ જમા થવામાં ભૂલ જણાઇ છે. આથી દરેક બીઆરસી કો-ઓર્ડીનેટરોને જણાવવાનું  કે, આપના તાલુકામાં જમા થયેલી ગ્રાન્ટનું લીસ્ટ આપવામાં આવ્યું છે. તો આ લીસ્ટ મુજબની શાળાઓની ગ્રાન્ટ હાલ પરત લેવાની થાય છે. જેમાં તાલુકાની શાળાએ પોતાની ગ્રાન્ટની રકમનો ચેક પોતાના કલ્સટરના સીઆરસી કો-ઓર્ડીનેટરને આપવાનો રહેશે. દરેક સીઆરસી અને બીઆરસી કો-ઓર્ડીનેટરોએ પોતાની કલ્સટરમાંથી આવેલી કુલ ગ્રાન્ટની રકમનો સંયુકત ચેક બીઆરસી કો.ઓર્ડીનેટરને આપવાનો રહેશે.બીઆરસી કો.ઓર્ડીનેટરે પોતાના તાલુકાનો સંયુકત એક ચેક જિલ્લા કચેરી ખાતે ડીપીસીઓ જીઓજી નવી ભારત જામનગરના નામનો આપવાનો રહેશે. દરેક બીઆરસીની ગ્રાન્ટ જમા આવતા ફરી દરેક શાળાને ગ્રાન્ટ ફાળવી આપવામાં આવશે. તો આ કામગીરી સત્વરે ૩ દિવસમાં પૂર્ણ કરવા પરિપત્રમાં જણાવાયું છે.
​​​​​​​

પરંતુ શહેર-જિલ્લાની ૪૪૬ સરકારી શાળાને સેનેટરી પેડની ગ્રાન્ટની ફાળવણીના પાંચેક દીવસ પછી કચેરીને શાળાઓના ખાતામાં વધતી-ઓછી રકમ જમા થઇ હોવાની જાણ થઇ હતી. આથી કામગીરી સામે અનેક સવાલ ઉઠ્યા છે. આટલું જ નહીં શાળાઓમાં ગ્રાન્ટની ફાળવણી અયોગ્ય રીતે થવા પાછળ કર્મીની ભૂલ કારણભૂત હોવાનું અતરંગ સૂત્રોએ જણાવ્યું છે. ત્યારે આ ભૂલને ટેકનીકલ ખામીમાં ખપાવી દઇ કચેરીમાં ચાલતી લાલિયાવાડી પર પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવ્યાની ચર્ચા પણ શિક્ષણ જગતમાં ચાલી રહી છે. ત્યારે કચેરીમાં ચાલતા લોંમલોલને કારણે સરકારી શાળાઓની લાભાર્થી વિધાર્થીનીઓને ખરા સમયે સેનેટરી પેડ નહીં મળે તો જવાબદારી કોની તે સળગતો સવાલ ઉઠ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application