શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટ દ્વારા સેવાની સરવાણીમાં હવે આવતીકાલે અષાઢી બીજે વધુ એક સેવા અન્નપુર્ણા સંકલ્પનો ઉમેરો થવા જઈ રહ્યો છે. સંસ્થાના મુખ્ય માર્ગદર્શક કશ્યપભાઈ શુક્લ અને પ્રમુખ દર્શિતભાઈ જાનીએ આજકાલ સાંધ્ય દૈનિકના આંગણે શુભેચ્છા મુલાકાત લીધી હતી. બ્રહ્મ સમાજના બંને આગેવાનોએ આજકાલના મોભી ધનરાજભાઈ જેઠાણી, એડિટર ઈન ચીફ ચંદ્રેશભાઈ જેઠાણી, મેનેજિંગ એડિટર અનિલભાઈ જેઠાણી અને ગ્રુપ એડિટર કાનાભાઈ બાંટવા સાથે પોતાની સેવાકીય પ્રવૃત્તિઓ વિશે વિસ્તૃત ચર્ચા કરી હતી.
કશ્યપભાઈ શુક્લ અને દર્શિતભાઈએ જણાવ્યું હતું કે, શહેરના બ્રાહ્મણ બોર્ડિંગ છ, રજપૂતપરા ખાતે અન્નપૂર્ણા સંકલ્પ પ્રોજેક્ટ અંતર્ગત સમાજના વયોવૃદ્ધ જરૂરિયાતમંદ, નોકરિયાત વર્ગ, વિદ્યાર્થીઓ તેમજ સારવાર માટે આવતા દર્દી અને તેના સંબંધીઓને બપોરે એક સમયે સ્વાદિષ્ટ ભોજન મળી રહે એવા એક ઉમદા વિચારથી આ યોજનાનો પ્રારંભ થવા જઈ રહ્યો છે. આ યોજના માત્ર બ્રાહ્મણ પરિવાર માટેની રહેશે અને આ યોજનાના લાભર્થીઓ માત્ર 20 રૂપિયામાં ભરપેટ ભોજન કરી શકશે. બ્રહ્મ સમાજ હંમેશા પોતાનાથી બનતી સામાજિક ઉતરદાયિત્વની જવાબદારીઓ નિભાવતું આવ્યું છે અને આ સંકલ્પ થકી વધુ એક સેવાનો ઉમેરો કરવા જઈ રહ્યું છે.
વધુમાં જણાવ્યું હતું કે, શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટ દ્વારા સામાજિક ઉત્કર્ષ અને સેવાની અનેકવિવિધ યોજનાઓ ચાલી રહી છે. જેમાં જ્ઞાન સંકલ્પ યોજના, શ્રવણ સંકલ્પ યોજના, વિવિધ પર્વોની ઉજવણી, બ્રહ્મ સોશિયલ ક્લબ વગેરેના માધ્યમથી ખરા અર્થમાં સમાજ પ્રત્યેની જવાબદારી અને લાગણી વ્યક્ત કરી રહ્યાં છીએ.
શ્રી સમસ્ત બ્રહ્મસમાજ, રાજકોટ બહ્મઅગ્રણી કશ્યપભાઈ શુક્લ અને પ્રમુખ દર્શિતભાઈ જાનીના માર્ગદર્શન હેઠળ દીપકભાઈ પંડ્યા, નલિનભાઈ જોશી, ડૉ.અતુલભાઈ વ્યાસ, ડૉ.ક્ષેશભાઇ પંડ્યા, જનાર્દનભાઈ આચાર્ય, જયેશભાઈ ઉપાધ્યાય, પ્રશાંતભાઈ જોશી, જયેશભાઇ જાની, યોગેન્દ્રભાઈ લહેરું,વિપુલભાઈ શુક્લ, પરાગભાઈ ભટ્ટ,જયેશભાઇ ભટ્ટ તેમજ મહિલા પાંખના નીલમબેન ભટ્ટ, સુરભિબેન આચાર્ય, ભાવનાબેન જોશી અને ધાત્રીબેન ભટ્ટ કાર્યરત છે.
એક ડીશનો ખર્ચ 60 રૂપિયા, 20માં આપીશુંઃ કશ્યપભાઈ
કશ્યપભાઈએ જણાવ્યું હતું કે, અન્નપૂર્ણા સંકલ્પ યોજનામાં એક ડીશનો ખર્ચ 60 રૂપિયા જેવો થાય છે પણ જરૂરિયાતવાળા લોકોને 20 રૂપિયામાં આપવામાં આવશે. અમારી સંસ્થાનો ઝીરો ટકા વહીવટી ખર્ચ છે. અમારી કોઈ ઓફિસ નથી. બેંક દ્વારા બધો વ્યવહાર થાય છે એટલે રોકડ વ્યવહાર જ થતો નથી. અમારા સુધી વધુમાં વધુ લાભાર્થીઓ પહોંચે તેવો અમારો હેતુ છે. અમે તો સમાજ માટે એક સારો પ્રયાસ કરી રહ્યા છીએ. અન્ન એક વ્યક્તિનું પેટ ભરે પણ શિક્ષણ આખા પરિવારનું પેટ ભરે છે.
જ્ઞાન સંકલ્પ યોજના હેઠળ દર વર્ષે 20 બાળકો દત્તક લઈએ છીએ
દર્શિતભાઈએ આગળ ઉમેર્યું હતું કે, અમારી જ્ઞાન સંકલ્પ યોજના છેલ્લા આઠ વર્ષથી ચાલી રહી છે. જેમાં સમાજના આર્થિક જરૂરિયાતમંદ પરિવારના અભ્યાસમાં તેજસ્વી બાળકોને ધોરણ આઠના પરિણામ તેમજ પ્રવેશ કસોટીના આધારે 20 બાળકોને પસંદ કરી ધોરણ નવથી બાર સુધી શહેરની નામાંકિત શાળામાં નિઃશુલ્ક શિક્ષણ પૂરું પાડવામાં આવે છે. આ ઉપરાંત મેરીટ અને આર્થિક જરૂરિયાતના આધારે ઉચ્ચ અભ્યાસમાં પણ આર્થિક સહાય કરવામાં આવે છે. આજસુધીમાં આ યોજના અંતર્ગત 250થી વધુ બાળકોને લાભ આપવામાં આવ્યો છે. ગુલાબભાઈ જાની અને ગિજુભાઈ ભરાડના માર્ગદર્શનમાં આ પ્રોજેકટ ચાલી રહ્યો છે. જ્ઞાન સંકલ્પ યોજના થકી અમારા એક વિદ્યાર્થીનું પેપર ઈસરોમાં પસંદ થયું છે તેનો અમને ગર્વ છે. હાલ આ યોજના હેઠળ 160 વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે.
શ્રવણ સંકલ્પ યોજનામાં નિરાધારોને વિનામૂલ્યે રાશનકીટ
દર્શિતભાઈએ જણાવ્યું હતું કે, શ્રવણ સંકલ્પ યોજના અંતર્ગત વૃદ્ધ અને નિરાધાર વડીલોને તેમની કોઈ ઓળખ આપ્યા વગર સન્માનભેર તેમના ઘેર પ્રતિમાસ સંપૂર્ણ રાશનકીટ તેમજ જરૂરી વસ્તુઓ તેમના શ્રવણ બની પહોંચાડવામાં આવે છે. આ યોજના છેલ્લા દસ મહિનાથી કાર્યરત છે અને પ્રતિમાસ 100થી વધુ પરિવારોને તેનો લાભ લઈ રહ્યા છે. આ યોજના રાશનકીટ વિતરણ પૂરતી જ નથી પણ ગરીબ પરિવારના વયોવૃદ્ધ લોકોને દર વર્ષે અમે બે જોડી કપડા, ચપ્પલ પણ વિનામૂલ્યે આપીએ છીએ. તેમજ તેમના જીવનની જરૂરી તમામ ચીજવસ્તુઓ પૂરી પાડીએ છીએ. આ યોજના દ્વારા અનેક પરિવારોના આશીર્વાદ સંસ્થા મેળવી રહી છે. આ ઉપરાંત શિવરાત્રિ મહોત્સવ, બળેવનો કાર્યક્રમ, ગણપતિ ઉત્સવ, નવરાત્રિ મહોત્સવ, સ્નેહ મિલન, ક્રિકેટ ટુર્નામેંટ, ધૂળેટી વગેરેના આયોજન દ્વારા બહોળી સંખ્યામાં ભૂદેવોને એકત્રિત કરી સામાજિક ઉતરદાયિત્વ નિભાવવામાં આવે છે.
સાંત્વના અને સૌભાગ્ય કુમકુમ સંકલ્પ યોજના શરૂ કરાશે
કશ્યપભાઈ સંસ્થા દ્વારા હજુ બે સેવા સંકલ્પ શરૂ કરવા અંગે જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે, હજુ અમે સાંત્વના સંકલ્પ યોજના શરૂ કરવા જઈ રહ્યા છીએ. જેમાં કોઈના ઘરે મરણ થાય તો તે દિવસે રસોઈ બનાવવામાં આવતી નથી. પરંતુ અમારી સંસ્થા સાદું ભોજન મૃતકના પરિવારના ઘરે પહોંચાડી સાંત્વના પાઠવશે. બીજી સૌભાગ્ય કુમકુમ સંકલ્પ યોજના શરૂ કરવાના છીએ. જેમાં કોઈ બહેન-દીકરી વિધવા થાય તો તેને આર્થિક સપોર્ટ મળી રહે તે માટે અમે તે બહેન-દીકરીને 51 હજાર રૂપિયાની સારી ભેટ આપીશું. આ યોજના આવતા મહિને કે તેના પછીના મહિને શરૂ કરવાનો અમારો વિચાર છે. અમારી સંસ્થાની શરૂઆત સાત હજાર રૂપિયાથી થઈ હતી. પરંતુ ભગવાનની કૃપાથી આજે સંસ્થા સેવાકીય ક્ષેત્રે વટવૃક્ષ બની ગઈ છે.