BREAKING NEWS

કેબિનેટ બેઠકમાં ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણયઃ માછીમારોના હિતમાં ડીઝલ પર વેટમાં રાહત અપાઈ, આ મર્યાદા પણ નાબૂદ કરી

  • July 08, 2026 02:29 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં આજે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં માછીમાર ભાઈઓના આર્થિક ઉત્થાન અને સર્વાંગી વિકાસ માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેની વિગતો આપતા પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે, માછીમારોની યાંત્રિક બોટમાં વપરાતા ડીઝલ પર વેટ રાહત આપવાની યોજનામાં મહત્વપૂર્ણ સુધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પ્રવક્તા મંત્રીએ વિગતવાર માહિતી આપતા ઉમેર્યું હતું કે, અગાઉના નિયમ મુજબ આ યોજનાનો લાભ માત્ર ૨૦ મીટરથી ઓછી લંબાઈ ધરાવતી યાંત્રિક બોટોને જ મળતો હતો. હવે માછીમાર સમુદાયના વ્યાપક હિતમાં આ ૨૦ મીટરની મર્યાદાને સંપૂર્ણપણે દૂર કરવાનો નિર્ણય લેવાયો છે. આ સુધારાના પરિણામે હવે રાજ્યની ડીપ-સી બોટો સહિત તમામ યાંત્રિક ફિશિંગ બોટો આ યોજનાનો લાભ મેળવી શકશે.

આ લાભ મેળવવા માટે જે-તે ફિશિંગ બોટની નોંધણી 'રિયલ ક્રાફ્ટ પોર્ટલ' પર થયેલી હોવી જોઈએ તેમજ બોટ પાસે માન્ય ફિશિંગ લાયસન્સ હોવું અનિવાર્ય છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી રાજ્યની નોંધાયેલી ૧૮,૦૦૦થી વધુ યાંત્રિક ફિશિંગ બોટો હવે ડીઝલ વેટ રાહત મેળવવા માટે પાત્ર બની છે, તેમ મંત્રીએ ઉમેર્યું હતું.

વધુ વિગતો આપતાં તેમણે કહ્યું હતું કે, આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી તમામ યાંત્રિક બોટોને સરકાર દ્વારા 'ડીઝલ કાર્ડ' આપવામાં આવશે. આ કાર્ડ ધારક બોટોને પ્રતિ લિટર મહત્તમ રૂ. ૧૫ લેખે ડીઝલ વેટ રાહત મળશે. જો વેટની રકમ રૂ. ૧૫ કરતાં ઓછી હશે, તો તે મુજબ સબસિડી મળવાપાત્ર રહેશે.

નાના, મધ્યમ અને મોટા તમામ વર્ગના માછીમારોને આ સમાન લાભ મળવાને કારણે તેમના ડીઝલના દૈનિક ખર્ચમાં મોટો ઘટાડો થશે, જેનાથી તેમની આર્થિક સ્થિતિ મજબૂત બનશે અને આવકમાં નોંધપાત્ર વધારો થશે. હજુ પણ જે માછીમાર બંધુઓને રિયલ ક્રાફ્ટ પોર્ટલ પર નોંધણી અથવા ફિશિંગ લાયસન્સ મેળવવાનું બાકી હોય તો તે સત્વરે પૂર્ણ કરવા મંત્રીએ અનુરોધ કર્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News