ગુજરાત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ દ્વારા સાયબર ગુનેગારોને બેંક એકાઉન્ટની સુવિધા પૂરી પાડતી અને કરોડો રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો કરતી એક મોટી ગેંગને ઝડપી પાડવામાં આવી છે. વડોદરામાંથી આ ગેંગના 6 સભ્યોની ધરપકડ કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે આ ટોળકીએ ખોલાવેલા વિવિધ બેંક ખાતાઓ દ્વારા અત્યાર સુધીમાં અંદાજે 210 કરોડ રૂપિયાની માતબર રકમની હેરફેર કરવામાં આવી હતી.
મોટા પ્રમાણમાં મુદ્દામાલ જપ્ત
રાજ્ય સાયબર ક્રાઈમ દ્વારા હાથ ધરવામાં આવેલી આ ઝુંબેશ હેઠળ વડોદરામાં દરોડા પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી સાયબર ગુનામાં વપરાતા અનેક ડિજિટલ પુરાવાઓ મળી આવ્યા છે. પોલીસે સ્થળ પરથી નીચે મુજબની વસ્તુઓ કબજે કરી છે:
11 મોબાઈલ ફોન
1 લેપટોપ
39 ડેબિટ કાર્ડ
12 ચેકબુક અને 5 પાસબુક
વિવિધ બેંકોના 10 જેટલા QR કોડ
લેપટોપની ઝીણવટભરી તપાસ દરમિયાન પોલીસને જાણવા મળ્યું હતું કે આ ગેંગ દ્વારા સંચાલિત ખાતાઓમાં દેશ-વિદેશમાંથી નાણાં આવતા હતા અને તેને અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવતા હતા.
આરોપીઓની ધરપકડ અને તેમની ભૂમિકા
પોલીસે આ કૌભાંડમાં સંડોવાયેલા 6 મુખ્ય સૂત્રધારોની ધરપકડ કરી છે, જેમની મોડસ ઓપરેન્ડી નીચે મુજબ હતી
દિપેશ રાજપુરોહિત: આ સમગ્ર ગેંગનો માસ્ટર માઈન્ડ છે, જે એકલા હાથે 40થી વધુ બેંક ખાતાઓનું સંચાલન કરતો હતો.
અબ્દુલ પઠાણ: તે અલગ-અલગ બેંકોમાં મલ્ટીપલ એકાઉન્ટ ખોલાવીને રોકડ નાણાં ઉપાડવાનું કામ કરતો હતો.
વિવેક વણઝારા અને મંચક બૈરવા: આ બંને શખ્સો કમિશનની લાલચે નવા ખાતા ખોલાવતા અને તેમાંથી નાણાંના વ્યવહાર કરવામાં મદદ કરતા હતા.
રોહિત શર્મા: તે બેંક ખાતાઓમાં કમિશનના ધોરણે નાણાંની હેરફેર (ટ્રાન્સફર) કરવા માટે જવાબદાર હતો.
મોહિત રાવલ: ઓનલાઈન બેંકિંગ અને વ્યવહારો માટે જરૂરી સીમ કાર્ડ્સ પુરા પાડવાનું કામ કરતો હતો.
સાયબર માફિયાઓ સાથે છેડા હોવાની આશંકા
આ ગેંગ મુખ્યત્વે સાયબર ફ્રોડ કરતા ગુનેગારોને 'ભાડે' બેંક ખાતા પૂરી પાડતી હતી. જ્યારે કોઈ વ્યક્તિ સાથે સાયબર છેતરપિંડી થાય, ત્યારે તે નાણાં આ ગેંગના ખાતામાં આવતા અને ત્યારબાદ આ લોકો કમિશન કાપીને મુખ્ય આરોપીઓને નાણાં પહોંચાડતા હતા. 210 કરોડ જેવા તોતિંગ આંકડાને જોતા પોલીસ હવે આ નેટવર્કના છેડા અન્ય રાજ્યો કે વિદેશમાં જોડાયેલા છે કે કેમ તે દિશામાં ઉંડાણપૂર્વક તપાસ કરી રહી છે.