ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી) દ્વારા લેવાયેલી પરીક્ષાઓ અને તેની પારદર્શિતા હંમેશા ચર્ચાનો વિષય રહી છે, પરંતુ આ વખતે મામલો સીધો અદાલતી તિરસ્કાર સુધી પહોંચ્યો છે. જીપીએસસીની પરીક્ષાના પ્રશ્નોના સ્ત્રોત અને આન્સર-કી અંગેના વિવાદમાં ગુજરાત હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈની ખંડપીઠે આયોગના ઉચ્ચ અધિકારીઓના વલણ સામે ભારે નારાજગી વ્યક્ત કરતા વહિવટી તંત્રમાં ફફડાટ વ્યાપી ગયો છે. કોર્ટે જણાવ્યું હતું કે, જીપીએસસીના ચેરમેનનો અહંકાર માઉન્ટ એવરેસ્ટથી પણ ઊંચો છે.
આ વિવાદની શરૂઆત ગત વર્ષે લેવાયેલી જીપીએસસીની એક પરીક્ષાથી થઈ હતી. પરીક્ષા બાદ જાહેર કરાયેલી આન્સર-કીમાં કેટલાક પ્રશ્નોના જવાબો સામે ઉમેદવારોએ વાંધો ઉઠાવ્યો હતો. એક જાગૃત ઉમેદવારે આ બાબતે હાઈકોર્ટમાં રિટ અરજી કરી પડકાર ફેંક્યો હતો. જીપીએસસીએ કોર્ટમાં એવો દાવો કર્યો હતો કે વિવાદિત પ્રશ્નો વર્ષ 1915ના 'કૌટિલ્ય અર્થશાસ્ત્ર' નામના પુસ્તકમાંથી પૂછવામાં આવ્યા છે. આ દાવા બાદ હાઈકોર્ટે કમિશન પાસે આ પુસ્તકની સત્યતા અને ઉપલબ્ધતા અંગે પુરાવા માંગ્યા હતા.
અદાલતે અગાઉની સુનાવણીઓમાં જીપીએસસી પાસે ત્રણ મુખ્ય મુદ્દે સ્પષ્ટતા માંગી હતી જેમાં શું કમિશન પાસે આ 1915ના પુસ્તકની ઓરિજનલ ફિઝિકલ કોપી ઉપલબ્ધ છે?, જો ફિઝિકલ કોપી ન હોય, તો શું ઇન્ટરનેટ પર ઉપલબ્ધ પીડીએફમાંથી પ્રશ્નો પૂછવા માટે કોઈ સત્તાવાર નીતિ કે સરકારી ઠરાવ છે? અને ઓનલાઇન મળતી માહિતીની અધિકૃતતા કોણ નક્કી કરે છે અને તેની જવાબદારી કોની રહે છે?નો સમાવેશ થાય છે.
હાઈકોર્ટે અગાઉ 16મી, 20મી અને 22મી માર્ચના રોજ હુકમ કરીને જવાબ માંગ્યો હતો. તેમ છતાં, આજની સુનાવણીમાં પણ જીપીએસસી કે સરકાર તરફથી કોઈ સંતોષકારક કે સ્પષ્ટ જવાબ રજૂ કરવામાં આવ્યો ન હતો. અધિકારીઓના આ પ્રકારના બેજવાબદાર વલણથી જસ્ટિસ નિર્ઝર એસ. દેસાઈ લાલચોળ થઈ ગયા હતા. તેમણે કોર્ટરૂમમાં ધારદાર શબ્દોમાં ટકોર કરી હતી કે, તમારા ચેરમેન અને સેક્રેટરીનો અહંકાર માઉન્ટ એવરેસ્ટ કરતાં પણ વધુ ઊંચો છે. શું તેઓ પોતાની જાતને હાઈકોર્ટથી પણ ઉપર સમજે છે? અદાલતે વધુમાં ઉમેર્યું કે વારંવારના આદેશોનું ઉલ્લંઘન એ સીધો અદાલતી તિરસ્કાર છે અને આ બાબતને હળવાશથી લેવામાં આવશે નહીં.
અદાલતે આ મામલે હવે અંતિમ અને કડક આદેશ પસાર કર્યો છે. જસ્ટિસ દેસાઈએ આદેશ આપ્યો છે કે સાતમી એપ્રિલે જીપીએસસીના ચેરમેન અને સેક્રેટરીએ અદાલત સમક્ષ રૂબરૂ હાજર રહેવું પડશે. આટલું જ નહીં, કેસની ગંભીરતા જોતા એડવોકેટ જનરલ અને ગવર્મેન્ટ પ્લીડરને પણ હાજર રહેવા તાકીદ કરવામાં આવી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે જો સાતમી એપ્રિલે પણ યોગ્ય ખુલાસો નહીં મળે, તો અધિકારીઓ સામે કન્ટેમ્પ્ટ ઓફ કોર્ટ (અદાલતી તિરસ્કાર)ની કાર્યવાહી માટે કેસને સંબંધિત બેંચમાં મોકલી દેવામાં આવશે.
હાઈકોર્ટના આ આદેશ બાદ સરકારી વર્તુળોમાં ભારે દોડધામ મચી ગઈ છે. હજારો ઉમેદવારો જેઓ જીપીએસસીની પરીક્ષાઓ આપી રહ્યા છે, તેમની નજર પણ આ કેસ પર છે. જો 1915ના પુસ્તક કે ઓનલાઇન સોર્સની વિશ્વસનીયતા સાબિત નહીં થાય, તો આગામી સમયમાં જીપીએસસીની પરીક્ષા પદ્ધતિમાં મોટા ફેરફારો કરવા પડી શકે છે. હવે સૌની નજર સાતમીમી એપ્રિલની સુનાવણી પર ટકેલી છે.