BREAKING NEWS

સરકારે તેના તમામ વિભાગોને ઝોહો ઈમેઈલ અપનાવવા આપી સૂચના

  • October 10, 2025 03:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

દેશમાં આત્મનિર્ભર ભારત અને ડિજિટલ સ્વદેશીની વિચારધારાને આગળ વધારવા ગુજરાત સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્ય ના સાયન્સ અને ટેક્નોલોજી વિભાગ દ્વારા તમામ સરકારી વિભાગો, બોર્ડ, કોર્પોરેશન, હેડ ઓફ ડિપાર્ટમેન્ટ અને પીએસયુને ઝોહો ઈમેઈલ અને ઓફિસ સુઈટ અપનાવવા સૂચના આપવામાં આવી છે.

આ સાથે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પોતાનો સત્તાવાર ઈમેઈલ સરનામું જી મેઈલ માંથી બદલીને સ્વદેશી ઝોહો મેઈલ પર લાવવાનો નિર્ણય કર્યો હોવાનું ટ્વીટ કરીને જાહેર કર્યું હતું. તેમણે લખ્યું હતું.મેં ઝોહો મેઇલ પર મારૂં એકાઉન્ટ સ્વિચ કર્યું છે. કૃપા કરીને મારા ઇમેઇલ સરનામાંમાં ફેરફારની નોંધ લેશો."અમિત શાહનો આ નિર્ણય આત્મનિર્ભર ભારતના સંદેશને મજબૂતીથી આપે છે અને સરકારે સ્વદેશી ટેકનોલોજી પર વિશ્વાસ મૂક્યો છે તેનું પ્રતિબિંબ છે.

ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગે જાહેર કરેલા પરિપત્રમાં જણાવાયું છે કે, ભારતની ડિજિટલ સ્વતંત્રતા મજબૂત કરવા અને સંવેદનશીલ સરકારી માહિતીની સુરક્ષા જાળવવા માટે હવે સ્થાનિક ટેક્નોલોજી પ્લેટફોર્મ્સનો ઉપયોગ કરવો અનિવાર્ય બની ગયો છે.

તે મુજબ, ઝોહો ઈમેઈલ અને ઓફિસ સાઈટનો ઉપયોગ ડિજિટલ સ્વદેશી મૂવમેન્ટ હેઠળ તમામ વિભાગોમાં શરૂ કરાશે. આ પહેલના સંકલન માટે ડિરેક્ટોરેટ ઓફ આઈસીટી એન્ડ ઈ-ગવર્નન્સ (ડીઆઈટી)ને નોડલ એજન્સી તરીકે નિયુક્ત કરવામાં આવ્યું છે.

રાજ્ય સરકારે કહ્યું છે કે આ પગલું માત્ર ટેક્નિકલ બદલી નથી, પરંતુ તે ભારતની ડિજિટલ સર્વભૌમત્વ તરફનું એક મજબૂત પગલું છે. ઝોહો એક ભારત આધારિત કંપની છે જેના સર્વર્સ અને ડેટા સેન્ટર્સ પણ ભારતમાં જ સ્થિત છે, જેના કારણે ડેટા લોકલાઈઝેશન અને ગોપનીયતા બંને સુનિશ્ચિત રહે છે. આ નિર્ણય બાદ ઝોહોના ફાઉન્ડર શ્રીધર વેમ્બુએ ટ્વીટ કરી અમિત શાહનો આભાર વ્યક્ત કર્યો હતો. તેમણે લખ્યું કે, “અમિત શાહજીના આ પગલાથી દેશના એન્જિનિયરોને નવી પ્રેરણા મળશે. આભાર કે તેમણે ભારતીય ટેકનોલોજી પર વિશ્વાસ મૂક્યો.”

સરકારના આ પગલાને માહિતી ટેક્નોલોજી ક્ષેત્રે સ્વદેશી સોફ્ટવેર કંપનીઓ માટે મોટો પ્રોત્સાહન ગણવામાં આવી રહ્યું છે. હવે રાજ્યના કર્મચારીઓ, વિભાગો અને જાહેર ક્ષેત્રની સંસ્થાઓ ધીમે ધીમે જી મેઈલ ,આઉટલુક જેવી વિદેશી સેવાઓ છોડીને ઝોહો પર સ્વિચ કરશે.વિશ્લેષકોના મતે, ડેટા સુરક્ષા અને સ્વદેશી ટેક્નોલોજીના પ્રચાર માટે આ પહેલ દેશ માટે એક માઇલસ્ટોન સાબિત થઈ શકે છે.

એક તરફ કેન્દ્રના ગૃહમંત્રી પોતે સ્વદેશી ઈમેઈલ અપનાવે છે અને બીજી તરફ ગુજરાત સરકાર એ જ દિશામાં નીતિ જાહેર કરે છે — એથી સ્પષ્ટ છે કે હવે સરકારના ડિજિટલ માળખામાં સ્વદેશી ટેક્નોલોજીનો પ્રભાવ વધશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application