ખેડૂતોને સિંચાઈ માટે 10 કલાક વીજળી આપવા સરકારનો નિર્ણય

  • September 25, 2024 11:31 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


સૌરાષ્ટ્ર સહિત રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ભાદરવાના આકરા તાપ પડી રહ્યા છે. સિંચાઈની સુવિધા હોવા છતાં વીજળીના અભાવે ખેતરમાં ઉભો પાક સુકાઈ જાય તેવી પરિસ્થિતિ છે અને તેથી ખેડૂતોને અત્યારે આઠ કલાક વીજળી અપાય છે તે વધારીને 10 કલાક આપવાની માંગણી સમગ્ર રાજ્યમાંથી વ્યાપકપણે ઉઠ્યા પછી સરકારે આ દિશામાં નિર્ણય લીધો હોવાનું સૂત્રો જણાવે છે.
સૌરાષ્ટ્રમાં રાજકોટ જામનગર જૂનાગઢ અને પોરબંદર જિલ્લામાં ખેડૂતોને આ લાભ મળે તેવું નિશ્ચિત માનવામાં આવી રહ્યું છે. જોકે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અન્ય જિલ્લાઓને પણ આવો લાભ મળે તેવી શક્યતા હોવાનું બહાર આવી રહ્યું છે. ઉર્જા વિભાગના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા આ સંદર્ભે આજ સાંજ સુધીમાં સત્તાવાર રીતે જાહેરાત થવાની શક્યતા છે.
ગાંધીનગરના આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ જિલ્લામાં પણ જે તે તાલુકામાં જરૂરિયાત મુજબ 8 ના બદલે 10 કલાક વીજળી આપવાનો નિર્ણય લેવામાં આવશે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જામનગરના જામજોધપુર અને લાલપુર જુનાગઢ જિલ્લાના કેશોદ માણાવદર માંગરોળ મેંદરડા વંથલી અને માળીયાહાટીના તાલુકાને આવો લાભ મળે તેવી શક્યતા છે. કચ્છના સમગ્ર વિસ્તારને 10 કલાક વીજળી પૂરી પાડવા માટેનું આયોજન ગોઠવાઈ રહ્યું છે. સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ અંજાર મુન્દ્રા ભુજ ભચાઉ ગાંધીધામ માંડવી અબડાસા નખત્રાણા રાપર લખપત તાલુકાને આ લાભ મળે તેવું જણાય છે.
પાછોતરો વરસાદ ખેંચાવાના કારણે ખેડૂતો તરફથી વીજ પુરવઠો વધુ આપવા માટેની માગણી દરેક જિલ્લા કલેકટરો સમક્ષ ફરિયાદ સંકલન સમિતિની બેઠકમાં કરવામાં આવી હતી. આ ઉપરાંત ધારાસભ્યો સંસદ સભ્યો અને પંચાયતના પદાધિકારીઓ દ્વારા પણ સરકારમાં આ મામલે રજૂઆતો કરવામાં આવી હતી. રજૂઆત બાદ સરકારે આ દિશામાં મન બનાવ્યું હોવાના અહેવાલો સૌપ્રથમ ’આજકાલ’માં પ્રસિદ્ધ થયા હતા. ઉર્જા વિભાગના અધિકારીઓના જણાવ્યા મુજબ કૃષિ ક્ષેત્રમાં વીજળીની વધતી જતી માગને ધ્યાનમાં રાખી તે મુજબ વીજળી આપવામાં આવી રહી છે. સૌરાષ્ટ્ર કચ્છમાં પીજીવીસીએલ દ્વારા ખેતીવાડી માટે કુલ વીજ વપરાશમાંથી 33% હિસ્સો આપવામાં આવે છે અને સમગ્ર રાજ્યમાં આ સરેરાશ 37% જેટલી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application