ગોંડલના વોરાકોટડા ગામ પાસે બિલેશ્વર મહાદેવ મંદિર નજીક ભાદર નદીના કાંઠે માછીમારી કરી રહેલા શખસોને અહીં પેટ્રોલિંગ કરી રહેલા સુપરવાઇઝરે રોક્યા હતા. જેથી આ બાબતનો ખાર રાખી આ શખસોએ પથ્થરમારો કરતા સુપરવાઇઝર વૃદ્ધને ઇજાઓ પહોંચી હતી. જે અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. પોલીસે તપાસ હાથ ધરી વોરા કોટડા ગામ પાસે પંચપીરની ધાર પાસે રહેતી ત્રિપુટીને ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી કરી હતી.
હાલ લીલાખા ગામે ભાદર નદીની ડેમ સાઈટ પર રહેતા મૂળ જામ કલ્યાણપુરના જામરાવલ ગામના વતની પ્રભાતભાઇ અરજણભાઈ ઓડેદરા (ઉ.વ. 62) દ્વારા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે ત્રણ અજાણ્યા શખસોના નામ આપ્યા હતાં.
વૃધ્ધે ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ભાદર નદીમાં સુપરવાઇઝર તરીકે છેલ્લા બે વર્ષથી નોકરી કરે છે. ગઈ તારીખ 27/1 ના બપોરના 12:00 વાગ્યે પ્રભાતભાઈ તથા અંજુમભાઈ (રહે. ભાડલા) બંને ભાદર ડેમના કાંઠે માછીમારી કરતાં લોકોને રોકવા માટે પેટ્રોલિંગ કરતા હતા દરમિયાન બપોરના એકાદ વાગ્યા આસપાસ વોરાકોટડા ગામ પાસે આવેલા બિલેશ્વર મહાદેવના મંદિરથી ડેમના ગેટ બાજુ ભાદર નદીના કાંઠે જતા ત્યાં કેટલાક લોકો માછીમારી કરતા હોય જેથી તેમને માછીમારી કરવાની ના પાડતા આ ત્રણે શખસો ઉશ્કેરાયા હતા અને હાથમાં પથ્થરો લઈ છુટા ઘા કરવા લાગ્યા હતા. જેથી આ પથ્થર ફરિયાદીને વાગતા તેમને લોહી નીકળવા લાગ્યું હતું. બાદમાં આ ત્રણેય શકશો ત્યાંથી ભાગી ગયા હતા.ત્યારબાદ તેમણે આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ત્રણ અજાણ્યા શખસો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી જરૂરી કાર્યવાહી કરી હતી.
બનવાને લઇ ગોંડલ ડીવાયએસપી કે.જી.ઝાલાના માર્ગદર્શન હેઠળ ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એમ.ડોડીયા તથા ટીમે તપાસ હાથ ધરી પથ્થરમારો કરનાર વોરા કોટડા રોડ પર પંચપીરની ધાર પાસે રહેતી ત્રિપુટીને ઝડપી લીધી હતી. ઝડપાયેલા શખસોમાં ચંદુ કેશુભાઇ વાઘેલા, ધીરૂ ભીખાભાઇ વાઘેલા અને રોનિત ઉર્ફે ભગો કેશુભાઇ વાઘેલાનો સમાવેશ થાય છે. આ શખસોની સઘન પુછતાછ કરતા તેમણે ગુનાની કબુલાત આપી હતી.
આ કામગીરીમાં ગોંડલ તાલુકા પોલીસ મથકના પીઆઇ વી.એમ.ડોડીયાની રાહબરીમાં હેડ કોન્સ. કિશનભાઇ ચાવડા, રમેશભાઇ વાવડીયા અને કોન્સ. અશ્વીનભાઇ તાવીયા સાથે રહ્યા હતાં.