મહાનગરપાલિકાઓ, નગરપાલિકાઓ, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયતો સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આગામી તારીખ 26 એપ્રિલના રોજ યોજવાની જાહેરાત ચૂંટણી આયોગ તરફથી સત્તાવાર રીતે કરાયા પછી જીપીએસસી અને ટાટની પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફાર કરવાની જાહેરાત થઈ છે.
સરકારનો જુદા જુદા વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી ભરવા માટે જીપીએસસી દ્વારા આગામી તારીખ 26 એપ્રિલના રોજ વર્ગ એક અને વર્ગ-૨ ની ટેકનીકલ કેડરની પ્રાઇમરી એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઇન્સ્પેક્ટર ઓફ ઇન્સ્પેકશન, બાંધકામ અને સિવિલ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર, મદદનીશ ઇજનેર, અધિક સિટી એન્જિનિયર્સ સહિત અલગ અલગ 10 કેડરની ભરતી માટેની તારીખ 26 એપ્રિલના રોજ યોજનારી પરીક્ષા હવે આગામી તારીખ ત્રણ મેના રોજ યોજવામાં આવશે તેવી સત્તાવાર જાહેરાત ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા કરવામાં આવી છે.
ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર અને પોર્ટલ પર આ સંદર્ભે જાહેરનામું પ્રસિદ્ધ કરી દેવામાં આવ્યું છે અને તેમાં જણાવાયું છે કે તારીખ 26 એપ્રિલની પરીક્ષા હવે તારીખ 3 મે ના રોજ લેવામાં આવશે. પરીક્ષાનો સ્થળ સમય સહિતની બાબતો યથાવત રાખવામાં આવી છે. જોકે ઉમેદવારોએ હોલ ટિકિટ નવેસરથી ડાઉનલોડ કરવી પડશે. પરીક્ષા પૂર્વે થોડો સમય બાકી હશે ત્યારે હોલ ટિકિટ જીપીએસસીની વેબસાઈટ પર મૂકી દેવામાં આવશે અને ઉમેદવારોએ તેના પરથી ડાઉનલોડ કરવાની રહેશે.
પરીક્ષાના કાર્યક્રમમાં ફેરફારની આ જાહેરાતને હકારાત્મક રીતે લેતા અમુક ઉમેદવારો એવો પ્રતિભાવ આપે છે કે નવા નિર્ણયથી હવે પરીક્ષાની તૈયારીમાં વધુ એક સપ્તાહનો સમય મળશે. બીજી બાજુ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી શિક્ષક અભિરુચિ કસોટી (ટીચર્સ એલિજિબિલિટી ટેસ્ટ -ટાટ )ની પરીક્ષા પણ તારીખ 26 એપ્રિલના લેવામાં આવનાર હતી તે પણ હવે તારીખ 3 મે ના રોજ લેવામાં આવશે.